ભાજપે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું:નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે પી નડ્ડા, સ્મૃતિ ઈરાની સહિત ભાજપના 40 સ્ટાર પ્રચારકો

અમદાવાદ22 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે પી નડ્ડા, સ્મૃતિ ઈરાની સહિતના 40 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જે ગુજારત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો માટે મત માંગશે.

ચૂંટણી ટાણે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે. બોટાદ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકો થયો છે. બોટાદ અને ગઢડા બેઠક પર ઉમેદવારની જાહેરાતને લઈ વિરોધ શરૂ થયો છે. જેમાં 2 હજારથી વધુ કાર્યકરો અને આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા રજૂઆત કરી છે. જ્યારે 500 વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં છે. આ રાજીનામાંને લઈ અસર પડશે તેવું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું છે. કોંગ્રેસનાં મહિલા પ્રવક્તા પ્રગતિ આહીરની પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ પર આક્ષેપો કર્યા હતા. પ્રગતિ આહીરે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ગુલાબસિંહ યાદવ પર ટિકિટ આપવાના બહાને યુવતીનું યૌનશોષણ કરતા હોવાના આક્ષેપ કર્યા છે.

સુરેશ ગોધાણી અને આત્મારામ પરમારને ટિકિટ આપવા માગ
કેન્દ્રીય ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા બોટાદ વિધાનસભા બેઠક પર ઘનશ્યામ વિરાણી અને ગઢડા બેઠક પર શંભુપ્રસાદ ટુંડિયાના નામની જાહેરાત થતાં વિરોધ શરૂ થયો છે. આજે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 2000થી વધુ કાર્યકરો અને આગેવાનો દ્વારા બંને બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે, જેમાં બોટાદ 107 બેઠક પર સુરેશ ગોધાણી અને ગઢડા બેઠક પર આત્મારામ પરમારને ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. જ્યારે સુરેશ ગોધાણીના સમર્થનમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને 500 કાર્યકરો અને આગેવાનો દ્વારા રાજીનામાં આપવામાં આવ્યાં હતાં.​ રાજીનામાને લઈ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. આગેવાનો દ્વારા જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો, હારનો સ્વીકાર કરવો પડશે, તેવી ચીમકી આપવામાં આવી હતી.

ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડતું આ કૃત્યઃ પ્રગતિ આહીર
આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હીનું કલ્ચર તમારી પાસે રાખો. દંગા, દારૂ અને ડ્રગ પર આમ આદમી પાર્ટી ચાલતી હતી, હવે દુષ્કર્મ એમ ત્રણ D પર ચાલે છે. આપના હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ છે. ગુજરાતના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતની મહિલાઓ શું આવા નેતાને સ્વીકારશે? ગુજરાતની મહિલાઓને અપીલ છે કે લોભ લાલચમાં ન આવે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડતું આ કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ટિકિટ અને સંગઠનમાં સ્થાન મળે એ માટે મહિલાનું શોષણ થયું છે.

પંચમહાલના આગેવાન ખાતુભાઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા
ત્રણેય પક્ષ દ્વારા ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે NCPને ઉમરેઠ-નરોડા-દેવગઢ બારિયાની ટિકિટ ફાળવી. ગોંડલથી રેશ્મા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજા અટવાઈ પડ્યાં છે. બીજી બાજુ, ભાજપે શહેરા બેઠક પર જેઠા ભરવાડને ટિકિટ આપતાં જ ભડકો થયો છે. પંચમહાલના આગેવાન ખાતુભાઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એ ઉપરાંત AAPના નેતા રાજભા ઝાલાએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે. ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપી છે.

ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી.
ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી.

હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી
ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી છે. પાટીદાર આંદોલન સમયે વિસનગરમાં તોડફોડ કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઈકોર્ટે આંશિક રાહત આપી છે. હવે હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હળવી ટકોર કરી હતી. આ કેસમાં થયેલી સજા રદ થઈ જાય તો પણ સરકારને વાંધો નહીં હોય.

ભાજપે જેઠા ભરવાડને ટિકિટ આપતાં ભડકો
જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપે સમાજ અને વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કર્યો છે. ખાતુભાઈ અને તેમની ટીમ કોંગ્રેસમાં જોડાઈ છે. આ ચૂંટણીમાં તમારો પ્રવેશ રંગ લાવશે. મગજ પર બરફ રાખીને કામ કરજો, આપણા વિરોધી ફાવી ના જાય. હવે ભાજપની દૂંટીમાં કોંગ્રેસે ઘા કર્યો છે.

પંચમહાલના કાર્યકર ખાતુભાઈ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા.
પંચમહાલના કાર્યકર ખાતુભાઈ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા.

ત્રણ બેઠકો પર કોંગ્રેસ અને NCPનું ગઠબંધન
કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગેની બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોર અને જયંત બોસ્કીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઉમરેઠ-નરોડા-દેવગઢ બારિયા બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડશે.

કાંધલ જાડેજા અને રેશ્મા પટેલ અટવાયાં
NCPનું કોંગ્રેસ સાથે દેવગઢ બારિયા-નરોડા અને ઉમરેઠ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. NCP નેતા જયંત બોસ્કીએ જણાવ્યું હતું જે પણ NCPના લોકોએ પક્ષની વિરુદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હશે તેમને પક્ષમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. નરોડામાંથી NCPના સંભવિત ઉમેદવાર નિકુલસિંહ તોમરનું નામ સામે આવ્યું છે. નિકુલસિંહ અત્યારે કોંગ્રેસના મેન્ડેટ પરથી નરોડાના કોર્પોરેટર છે. જો નિકુલસિંહ NCPમાંથી જીતે તો કાનૂની સલાહ લઈને જ એક હોદ્દો છોડવો અથવા બન્ને હોદ્દા પર રહી શકે છે. NCPએ આજે આડકતરી રીતે કુતિયાણા અને ગોંડલ બેઠક પરથી પોતાના ઉમેદવાર નહિ ઊભા રાખીને કાંધલ જાડેજા અને રેશ્મા પટેલને મેન્ડેટ નહિ આપવાનો ઇશારો કરી દીધો છે. જયંત બોસ્કીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કુતિયાણા બેઠકને લઈને હજુ વાતચીત ચાલી રહી છે. પક્ષ મેન્ડેટ નહિ આપે છતાં કાંધલ જાડેજા અપક્ષમાંથી ચૂંટણી લડશે તો પક્ષના મોવડી મંડળને રજૂઆત કરવામાં આવશે અને મોવડી મંડળ કાર્યવાહી કરશે.

થોડા સમય પહેલાં કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી
થોડા સમય પહેલાં કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી

કોંગ્રેસના ઉમેદવારનો અમદાવાદના ગોમતીપુરમાં વિરોધ
અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર ગોમતીપુરના ટોપીમીલ વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા. સ્થાનિક લોકોમાં છેલ્લાં 5 વર્ષમાં ગોમતીપુર વિસ્તારમાં આવેલા નથી અને કોઈ પણ પ્રકારનાં વિકાસનાં કામ નથી કરેલ તેમ કહી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.

NCPની ટિકિટ પર રેશ્મા પટેલ ગોંડલથી ચૂંટણી લડશે
NCPની ટિકિટ પર રેશ્મા પટેલ ગોંડલથી ચૂંટણી લડશે

રેશ્મા પટેલ NCPની ટિકિટ પર ગોંડલથી ચૂંટણી લડશે
ગોંડલ બેઠક પર ઉમેદવારો જાહેર કરવા ભાજપ અને કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર હતો. પરંતુ આ બેઠક પર ભાજપે ગીતાબા જાડેજા અને કોંગ્રેસમાંથી યતીશ દેસાઈ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે હવે NCPએ રેશ્મા પટેલને ગોંડલની બેઠક પર ટિકિટ આપી છે. હવે આ બેઠક પર ત્રણ મહિલાઓ વચ્ચે જંગ ખેલાશે કારણ કે AAPમાંથી નીમિષાબેન ખૂંટને પણ ગોંડલમાંથી ટિકિટ મળી છે.

વિપુલ ચૌધરી AAPની ટિકિટ પર વિસનગરથી લડશે ચૂંટણી
ગુજરાત ચૂંટણીમાં અર્બુદા સેનાના વિપુલ ચૌધરી મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ અંગે અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ જાહેરાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરી AAP પક્ષમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતરશે. આમ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા વિપુલ ચૌધરી AAPની ટિકિટ પર વિસનગરથી ચૂંટણી લડશે. જો કે આ અંગે આપ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિસનગરમાં મોટે ભાગે પાટીદાર ઉમેદવારની જીત થતી હોય છે. જો કે, ઠાકોર અને ચૌધરી મતો પણ નિર્ણાયક માનવામાં આવે છે. ચૂંટણીમાં ઠાકોર અને ચૌધરી મતો પર જે ઉમેદવાર પ્રભુત્વ ધરાવતો હોય તેની જીતવાની સંભાવના વધી જાય છે.

અર્બુદા સેનાએ જાહેરાત કરી કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે
અર્બુદા સેનાએ જાહેરાત કરી કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે

વાઘોડિયા અને પાદરામાં ભાજપમાં ભડકો
ભાજપની ટિકિટો જાહેર થયા બાદ મોટાભાગના દબંગો સચવાઈ ગયા હતા પરંતુ વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેમણે અપક્ષ ચૂંટણી લડવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. બીજી બાજુ પાદરા બેઠક પરથી પણ ભાજપમાં ભડકો થયો છે. પાદરા વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, આગામી 17 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરીશ અને હું પાદરા બેઠક ઉપર જંગી મતથી જીત મેળવીશ. જ્યારે કરજણ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાને ટિકિટ નહીં આપતાં નારાજ થયા છે. તેઓ હવે કોંગ્રેસની ટિકિટ પર કરજણ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.

અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો
ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે, જ્યારે પહેલી યાદીના પાંચ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. જ્યારે કોંગ્રેસે પોતાના 89 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં બે સગા ભાઈઓ વચ્ચેની કહાની સામે આવી છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી તો તેની સામે કોંગ્રેસે વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો છે.

કેસરીસિંહે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં કૂદકો માર્યો
કેસરીસિંહે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં કૂદકો માર્યો

પાલ આંબલિયા અને મુળુ કંડોરિયા વચ્ચે ભારે ખેંચતાણ
કોંગ્રેસમાં પણ કકળાટ થવો એ નવી વાત નથી રહી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યાં હતા અને બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કર્યાં છે. પરંતુ આ બંને યાદીમાં દ્વારકા બેઠકના ઉમેદવાર હજી જાહેર કરાયા નથી. કારણ કે મુળુ કંડોરિયા અને પાલ આંબલિયા વચ્ચે ભારે ખેંચતાણને કારણે રાજીનામા સુધીની અસર વર્તાઈ શકે છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુની જેમ રાજભા ઝાલા પણ હવે કોંગ્રેસની જગ્યાએ ભાજપમાં જોડાઈ જશે.

ભાજપે કુતિયાણા બેઠક પરથી રમેશ ઓડેદરાને ટિકિટ આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. ભાજપ દ્વારા આજે 160 જેટલા ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 83-પોરબંદર વિધાનસભા બેઠક તેમજ 84-કુતિયાણા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કુતિયાણા બેઠક પર ભાજપના પીઢ ઉમેદવાર રમેશ ઓડેદરા (રમેશ પટેલ)ને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. રમેશ ઓડેદરા પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે કાર્યરત છે. રમેશ ઓડેદરાને પાર્ટી દ્વારા ફોન પર જાણ કરી ટિકિટ આપ્યાનું તેઓએ જણાવ્યું હતું.

ગુજરાતમાં એક્ઝિટ પોલ પર 12 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી પ્રતિબંધ
ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે એક્ઝિટ પોલના અંદાજોના પ્રસારણ અને પ્રકાશન પર પ્રતિબંધ અંગેની સૂચના જારી કરી હતી. હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થશે જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પોલ પેનલે ગુરુવારે એક નોટિફિકેશન બહાર પાડીને 12 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી અને 5 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી કોઈપણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં એક્ઝિટ પોલના અંદાજોના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. હિમાચલમાં વોટિંગને જોતા હવે ઓપિનિયન પોલ પણ 48 કલાક માટે રોકી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...