સિવિલના સુપરિન્ટેન્ડેન્ટનો પરિપત્ર:જુનિયર ડોક્ટરોને ઘરનું શાક લેવા મોકલનારા HOD સામે ફરિયાદ થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે એક પરિપત્રમાં જણાવ્યું છે કે, તમામ વિભાગના (એચઓડી) કે સિનિયર ડોક્ટરો પહેલાંથી ત્રીજા વર્ષ સુધીના જુનિયર ડોક્ટરો પાસે નિયમ વિરુદ્ધ કોઈ કામ કરાવી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની ફરિયાદ હતી કે, રેસિડન્ટ ડોક્ટરોએ એચઓડી કે સિનિયર ડોક્ટરોના ઘરનું શાકભાજી લેવા જવું પડે છે તેમજ તેમની પત્ની અને બાળકોને પણ મૂકવા જવું પડે છે.

‘દિવ્ય ભાસ્કર’ના 11 મેના અંકમાં પ્રસિદ્ધ થયેલા સમાચારનો હવાલો આપી કહેવામાં આવ્યું છે કે, રેસિડન્ટ ડોક્ટરો પાસે કોઈપણ પ્રકારનું નિયમ વિરુદ્ધ કામ કરાવવામાં આવશે અને તેની ફરિયાદ મળશે તો જે તે એચઓડી કે સિનિયર ડોક્ટર સામેની ફરિયાદની જાણ સરકારને કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે તમામ ક્લિનિકલ વિભાગના વડાઓને આ પરિપત્ર મોકલી આપ્યો છે. આ ઉપરાંત બી.જે. મેડિકલ ડીન અને પી.જી. ડાયરેક્ટરને પણ તેની નકલ મોકલી આપવામાં આવી છે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાઈવેટ પ્રેક્ટિસને કારણે 50 ટકાથી વધુ સિનિયર્સ ડોક્ટર્સ હાજરી પૂરતા નથી. પરંતુ હવે તેમણે સમયસર ફરજ પર આવવાનું રહેશે. જો કોઈપણ વિભાગના સિનિયર ડોક્ટર પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી માટે સરકારને જાણ કરવામાં આવશે.

સિવિલની એક મહિલા રેસિડન્ટ ડોક્ટરે કામના ભારણને લીધે એક દર્દીના સગાંને ગાળ ભાંડી હોવાની ઘટના પછી ‘દિવ્ય ભાસ્કરે’ કરેલી તપાસમાં જુનિયર ડોક્ટરો પર કામના ભારણ ઉપરાંત એચઓડી અને સિનિયર ડોક્ટરોના અંગત કામ કરવાનું પણ દબાણ હોવાનું ખૂલ્યું હતું. આ અહેવાલ પછી સિવિલ હોસ્પિટલે નવો પરિપત્ર જારી કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...