તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજની રિપોર્ટર:બે IAS અધિકારીઓ વચ્ચે અંટસ પડી, ...પછી ખાધું પીધું ને રાજ કર્યું

અમદાવાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુુજરાત સરકારના એક અતિ મહત્ત્વના ખાતાંમાં બે આઇએએસ અધિકારીઓ વચ્ચે જબરદસ્ત ટસલ જામી હતી. ઉત્તર અને દક્ષિણનો ફરક ધરાવતા આ બન્ને અધિકારીઓ પૈકીના જૂનિયર અધિકારી સહન કરતા થાક્યા એટલે તેમણે પોતાના સિનિયર અધિકારીના જૂના હિસાબોની તપાસ કરાવીને તેમને રજૂ કરી એટલે સિનિયર અધિકારી ઠંડા પડી ગયા. તે પછી આ જૂનિયર આઇએએસ અધિકારીએ પોતાના સિનિયરના વિશ્વાસુ કર્મચારીઓની ધડાધડ બદલીઓ કરી તેમનું તંત્ર વીખી નાંખ્યું. તેવામાં ઉત્તર અને દક્ષિણનો ભેદ ધરાવતા આ અધિકારીઓ વચ્ચે સંતુલન જળવાય એટલે વચ્ચેના વિસ્તારમાંથી તે વિભાગમાં એક જૂનિયર અધિકારી આવ્યા. આ અધિકારીએ એવું સંતુલન જાળવી આપ્યું કે હવે આ ત્રણેય અધિકારીઓની વાર્તામાં ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ જેવી સ્થિતિ આવી ગઇ છે.

નસીબ આડે પાંદડું - સારા વિભાગમાં આવવા અધિકારી ટેબલમાં હાથી, કાચબા રાખ્યા,પણ અસર સરકાર સુધી પહોંચતી નથી
ગાંધીનગર સચિવાલયમાં સાઇડ ટ્રેક થયેલા એક આઇએએસ અધિકારી ફરી મુખ્ય વિભાગની જવાબદારી મળે એટલે જેટલા દેવ એટલા દિવા પ્રગટાવીને સરકારનો વિશ્વાસ જીતવા પ્રયાસ કરે છે.આ અધિકારી એટલા શ્રધ્ધાળુ થઇ ગયા છે કે વાસ્તુશાસ્ત્રમાં પણ એટલું જ માને છે.તેમની કાર્યાલયમાં ટેબલ અંદર કે કયારેક ટેબલ ઉપર હાથીની પ્રતિકૃતિ જોવા મળે તો કયારેક કાચબાની પ્રતિકૃતિ જોવા મળે.શ્રધ્ધાના તમામ વિષયો તેઓ એક પછી એક અજમાવી રહ્યા છે. ગુજરાતી કહેવત અનુસાર દેવ એટલા દિવા કર્યા, પણ હજુ સુધી સારા વિભાગની કમાન હાથમાં આવતી નથી. ઘણા સમયથી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે હાથી અને કાચબાની પ્રતિકૃતિ પણ ટેબલની અંદર અને ઉપર પણ રાખતા થઈ ગયા છે, પણ તેમના મનની વાત હાથી અને કાચબો જ સાંભળે છે, સરકાર નહીં.

નવી ઘોડી, નવો દાવ - અધિકારીની બદલીના સમાચાર ફરતા થતાં કોન્ટ્રાક્ટરો દોડતાં થયાં
ગુજરાત સરકારના સનદી અધિકારીઓની આવતાં અઠવાડિયે બદલીઓ થવા સંભવ છે. એવામાં એક વિભાગના સચિવની બદલી ચોક્કસ થઇ જ જશે તેવી ચર્ચા ક્યારનીય થઇ રહી છે. આ અધિકારી પોતાના વિભાગમાં થયેલાં ખર્ચના બિલના ચૂકવણા જલ્દી કરતા નથી. હવે કરોડોના બિલ આ અધિકારી દબાવીને ક્યારનાં ય બેઠા હોવાથી કોન્ટ્રાક્ટરો દોડતાં થઇ ગયાં છે. આ અધિકારી જતાં જતાં પણ આ તમામ બિલનો હિસાબ કરીને જાય તે માટે તેમણે ક્યારનાય મનામણાં શરૂ કરી દીધાં છે. નવા સચિવ આવે અને નવી ઘોડી નવો દાવ જેવી સ્થિતિ ન થાય તે માટે હવે તેમણે વર્તમાન સચિવની આગળ પાછળ દોડવાનું ચાલું કરી દીધું છે.

ઘરની વાત ઘરમાં રહે - જ્યંતી રવિએ અધિકારીને ખખડાવ્યા? આંકડા છૂપાવો
હાલમાં ગુજરાતમાં કોરોનાનો નવો પીક ચાલી રહ્યો છે અને કેસોના આંકડા સતત વધી રહ્યાં છે. તેવામાં રાજ્યના એક શહેરના મુખ્ય એવા સનદી અધિકારીએ અતિ ઉત્સાહમાં આવીને અન્ય શહેરો સાથે સ્પર્ધા કરતા હોય તેમ કોરોનાના કેસના મસમોટા આંકડા આરોગ્ય વિભાગમાં મોકલાવવાનું શરૂ કર્યું અને તેથી આરોગ્ય સચિવ જયંતી રવિ બરાબરના ગિન્નાયાં હોવાની વાતો વહેતી થઇ છે. રવિએ આ અધિકારીને બરાબરના ખખડાવીને કોરોનાનું રીપોર્ટિંગ યોગ્ય રીતે કરવાની સલાહ આપી હોવાનું સૂત્રો મારફતે જાણવા મળ્યું છે. આ અધિકારીની આમ પણ બદલી થવાની છે અને તેમની છાપ તેમના શહેરમાં કાંઇ ખાસ સારી નથી. તેથી તેમનો ઉત્સાહ તેમની ભવિષ્યની બદલીને વિપરીત અસર ન કરે તે માટે તેમણે ઉપરથી આવેલો હુકમ માનવાનું શરૂ કરી દીધું છે.

દૂખતી નસ - બદલી ટાણે વિભાગના જૂના ભ્રષ્ટાચારનો મુદ્દો ચગતા બાબુ પરેશાન
આઇએએસ અધિકારી આગામી બદલીઓના સમયમાં સારા પોસ્ટિંગની રાહ જોઇ રહ્યા છે, તેવામાં તેમના વિભાગમાં થયેલાં એક ભ્રષ્ટાચારનો જૂનો મુદ્દો સોશિયલ મીડિયા પર ચગ્યો હતો. અગાઉ આ બાબત જાહેર થતાં અધિકારીએ પોતે તેમાં શામેલ ન હોવાની અને એ મુદ્દે કોઇ તથ્ય નહીં હોવાની સ્પષ્ટતા વારંવાર કરી હતી. પણ તિજોરીમાંથી આ જૂના હાડપિંજર કાઢીને ફરી ફરી આ મુદ્દો પાછો ચગાવાઇ રહ્યો છે. હવે આ બાબુ પરેશાન છે અને તે શોધી રહ્યા છે કે આ રીતે તેમને હેરાન કરવા માટે પ્રયત્નો કોણ કરી રહ્યું છે. તેમની સાથેના અન્ય અધિકારીઓ જણાવે છે, કે આ અધિકારી ઇમેજ સારી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ તેમના ભૂતકાળના કિસ્સા તેમને વારંવાર હેરાન કરી જ જાય છે.

ભ્રમ ભાંગી ગયો - ગાંધીનગરમાં ટિકિટો ન મળતાં BJP નેતાઓએ કાર્યાલયો બંધ કર્યાં
ગાંધીનગરની પાલિકાની ચૂંટણીમાં સી આર પાટીલે શહેર ભાજપના નેતાઓમાં પડી ગયેલાં અલગ-અલગ જૂથોથી કંટાળીને તમામ નવાં જ ચહેરાઓને ટિકિટો આપી દીધી. હવે અમુક નેતાઓ તો ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી શહેરમાં પોતાના કાર્યાલય ધમધમતાં કરી દીધાં હતાં, પણ છેવટ સુધી તેમનું નામ સસ્પેન્સ રહ્યું અને યાદીમાં ન આવ્યું. આ પછી તેમણે તરત જ આ કાર્યાલયોને તાળા મારી દીધાં અને હવે તે નિરસ થઇને નિષ્ક્રીયતા બતાવી રહ્યા છે. પણ ભાજપના નેતાઓ કહે છે કે તેમને ઠંડુ પાણી પાઇ દેવાશે અને પ્રચારના કામમાં તેમને જ આગળ કરાશે જેથી તેમના ભ્રમ ભાંગી જાય.

અંદરની વાત -ભાજપના એક નેતાને આગામી ચૂંટણીમાં મોટી જવાબદારી મળી શકે
હાલ ગુજરાત ભાજપના નેતાઓ વિધાનસભાની 2022માં આવનારી ચૂંટણીને લઇને તૈયારીઓ કરી રહ્યાં છે. પણ અંદરઅંદરથી અને ઊંડેઊંડેથી જાણવા મળતી વિગતો અનુસાર હાલમાં ભાજપના એક નેતાને આવનારા સમયમાં કોઇ સારી મોટી જવાબદારી મળી શકે તેમ છે. આ અગાઉ જ્યારે સંગઠનની જાહેરાત થવાની હતી તે વખતે જ તેમને સંબંધિત આ જવાબદારી આપવાની ગણતરી હતી, પરંતુ ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તેમની તાકાતનો ઉપયોગ કરવાનો હોવાથી તે નિર્ણય લેવાયો ન હતો, જે હવે લેવાઇ શકે તેવું ભાજપના સૂત્રો જણાવે છે.

કર્મ કરો, ફળ મળશે - શંકર ચૌધરીએ બહુ દોડઘામ કરી પણ તેનું યોગદાન યાદ રહેશે?
ગુજરાત ભાજપના નેતા અને ભૂતપૂર્વ મંત્રી શંકર ચૌધરી હાલ બંગાળની ચૂંટણીમાં દિવસ-રાત ફરીને મહેનત કરી રહ્યા છે. ચૌધરી ગઇ ચૂંટણીમાં હાર્યા હતા પણ આવતી 2022ની ચૂંટણીમાં હવે તેમના યોગદાની નોંધ લેવાય અને તેમને કોઇ યોગ્ય જવાબદારી આપવામાં આવે તેવું ભાજપનું એક ચોક્કસ જૂથ માને છે. પણ આ રાજકારણ છે અને તેમાંય ભાજપ. કોનો, ક્યાં કેટલો ઉપયોગ કરવો અને કેવું વળતર આપવું તે ખૂબ પેચીદા સમીકરણોને આધારે નક્કી થાય છે. ચૌધરીને હવે વિધાનસભા ચૂંટણીનો ઇંતજાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો