અમદાવાદ શહેરમાં ખાનપુર વિસ્તારમાં માકુભાઈ શેઠના છાપરા, ખારીવાડીના છાપરામાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ દબાણો દૂર કરવા માટે પોલીસ-બંદોબસ્ત સાથે પહોંચી હતી. લોકો પોતાનાં મકાનો બચાવવા માટે વિરોધ કરતા રહ્યા, પણ આખરે તંત્રએ દબાણો તોડી નાખ્યાં.
રાજ્ય સરકાર પોતાને સંવેદનશીલ સરકાર તરીકે ઓળખાવે છે ત્યારે ગરીબ વ્યક્તિનું કિસ્મત તો ગરીબ જ રહે છે. વર્ષોથી છાપરામાં રહેતા લોકો આજે ઘરવિહોણા થઈ ગયા. તેમની માથે હવે છત નથી અને ખાવા માટે રોટલો પણ નથી. તેમનાં સંતાનો કડકડતી ઠંડીમાં રસ્તે રઝડતા થઈ ગયા. અહીં સરકારની સંવેદનશીલતા ક્યાં છે એવા સવાલો થઈ રહ્યા છે.
AMCની ટીમે માકુભાઈ શેઠના છાપરા પર બુલડોઝર ફેરવી નાખ્યું
શહેરના શાહપુર પાસે આવેલી રાઇફલ કલબની બાજુમાં વર્ષો જૂના ઝૂંપડાંમાં ગરીબ લોકો રહે છે. તેમનાં ઘર તોડવા આજે સરકારી મશીનરી કામે લાગી છે. સખત ઠંડી વચ્ચે પોતાનાં બાળકો સાથે એક માતા પોતાના ઘરના તૂટી રહેલા કાટમાળને જોઈ રહી છે અને હવે ક્યાં જશે તેમ પોતાનાં બાળકોને સમજાવતાં તેમનાં આંસુ લૂછી રહી છે. આજે સવારે પોલીસનો કાફલો કોર્પોરેશનની ટીમ તોડફોડનાં સાધનો સાથે શાહપુર વિસ્તારમાં આવેલી રાઇફલ કલબ પાસે પહોંચ્યા હતા. ત્યાં માકુભાઈ શેઠના છાપરાને તોડવાના હતા. સવારે કેટલા બની બેઠેલા નેતાઓ ત્યાં તેમનાં મકાન તોડતા બચાવવા આવ્યા હતા, પણ કહેવાય છે કે ગરીબીનું કિસ્મત ગરીબ હોય છે. બધા જતા રહ્યા અને છાપરા તૂટવાનું શરૂ થયું હતું.
ઝૂંપડું તોડી નાખ્યું પણ રસ્તા પરથી કાઢી મૂકશે તો ક્યાં જઈશ?
અંદાજે બપોરે 12 વાગે સરકારી બુલડોઝર આવ્યા અને છાપરાં તોડવા લાગ્યાં હતાં. આ બધું ચાલી રહ્યું હતું ત્યાં ફૂટપાથ પર એક મહિલા ખાટલા પર પોતાનો ઘરનો સમાન મૂકીને બેઠી હતી. તેના ખાટલાની સાથે ઘોડિયું બાંધ્યું હતું, જેમાં નાનું બાળક હતું. આ મહિલાને જોઈને દયા આવતી હતી. આ મહિલાનું નામ શીલા છે. તેણે દિવ્યભાસ્કરને જણાવ્યું કે હવે અમે આ રસ્તા પર છીએ, મારા ચાર બાળકો છે, ઘરે જમવાનું નથી. કોઈ સ્વજન અહીં નથી, અમારે કઈ જગ્યાએ જવું એ ખબર નથી. એક ઝૂંપડું હતું, એ પણ તૂટી ગયું. હવે કોઈ આ રસ્તા પરથી જવાનું કહેશે તો ક્યાં જઈશ એની સતત ચિંતા થઈ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.