આગાહી:શહેરમાં હજુ બે દિવસ માવઠું થવાની શક્યતા ઓસરી નથી

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાઇક્લોનિક સર્ક્યુલેશન કચ્છ તરફ ફંટાયું
  • 21 માર્ચ પછી વાતાવરણ ક્લિયર થઈ શકે છે

રાજસ્થાન અને કચ્છમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ રાજ્યભરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડી શકે છે. શુક્રવારે સવારે અમદાવાદમાં પવનની ગતિ નહિવત થતા વાતાવરણમાં રહેલો ભેજ જમીન તરફ નીચે ઉતરી આવતા ધુમ્મસ સર્જાયું હતું અને વિઝિબિલિટ ઘટીને દોઢથી બે કિલોમીટર સુધી થઈ ગઈ હતી.

સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધી રહી છે. જેના કારણે વાદળિયું વાતાવરણ સર્જાતા તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાયો હતો. વધુમાં આ સિસ્ટમની અસરથી આગામી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. જો કે 21 માર્ચ બાદ સિસ્ટમ નબળી પડતા વાતાવરણ ક્લિયર થવાની શક્યતા છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી 36.3 ડિગ્રી રાજકોટમાં નોંધાઈ હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઘટીને 35.4 ડિગ્રી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...