તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસ્ટ એડિટરની કલમે:‘વિદ્યાર્થીઓનું ભણતર બચાવવા માટે હવે શિક્ષણના બિનપરંપરાગત માર્ગ સિવાય બીજો છૂટકો નથી’: તેજલ અમીન

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
તેજલ અમીન, શિક્ષણવિદ - Divya Bhaskar
તેજલ અમીન, શિક્ષણવિદ

માર્ચ મહિનો લગભગ બધા માટે ટેન્શનનો મહિનો હોય છે. બિઝનેસ અને નોકરિયાતો માટે એમના રિટર્ન ફાઈલ કરવાનો, શાળાઓ માટે એ વાર્ષિક પરીક્ષાઓનો અને વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી કરવાનો. ધોરણ 10 અને 12ના બોર્ડ અને પછી નિયમિત ક્લાસીસની બીજી પરીક્ષાઓ. એટલું પૂરું થાય એટલે પેપર તપાસવાની થકવી દેતી પ્રક્રિયા.અમે માર્ચ 2020માં લગભગ વર્ષ પૂરું કરવાની તૈયારીમાં હતા, જ્યારે કોવિડ–19નો પ્રથમ વેવ આપણને બધાને સ્પર્શી ગયો. પેન્ડેમિકે આખા ભારતને ભરડામાં લીધું. આપણે જે રીતે જીવતા હતા, કામ કરતા હતા અને શિક્ષણ લેતા હતા એ બધું બદલવાની ફરજ પડી.

સદભાગ્યે નવરચનાની તમામ સંસ્થાઓ, એડમિનિસ્ટ્રેશન સ્ટાફ, શાળાના શિક્ષકો અને યુનિવર્સિટીની ફેકલ્ટી આ પડકાર ઝીલી લેવા તૈયાર હતાં. અમે શિક્ષણની પ્રક્રિયા ડિજિટલ મોડમાં શરૂ કરી. 5 એપ્રિલ, 2020 સુધીમાં તો લગભગ બધા ક્લાસીસ એવી રીતે ફરીથી શરૂ થયા જાણે કશું થયું જ ન હોય. આનંદની વાત એ છે કે અમારા વિદ્યાર્થીઓએ પણ આ ન્યૂ નોર્મલને સહેલાઈથી સ્વીકારી લીધું. લગભગ મોટાભાગની બધીજ શિક્ષણ સંસ્થાઓએ પોતાની શ્રેષ્ઠ શક્તિ મુજબ ઑનલાઇન શિક્ષણ શરૂ કરી દીધું હતું, તે માટે હું તેમને અને તેમના શિક્ષકોને દાદ આપું છું. પણ ઇન્ટરનેટ અને ડિજિટલ સગવડો જ્યાં ઓછી હતી, તેવી શૈક્ષણિક સંસ્થાઓ અને તેમના વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ગંભીર બની. શાળાઓ જ્યારે ફરીથી ઈનપર્સન શરૂ થશે ત્યારે આ પાછળ છૂટી ગયેલા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે કામ પાર પાડવું એ માટે સંચાલકો અને શિક્ષકો ચિંતિત છે.

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારે એમના દ્વારા બનતા તમામ પ્રયાસો કર્યા જેનાથી ગામડાંઓની અને સેમી અર્બન શાળાઓમાં શિક્ષણ ચાલુ રાખી શકાય. વર્કશીટ, એકમ કસોટીની બુકલેટ, દીક્ષા અને સ્વયં જેવાં ટેલિવિઝન મોડ્યુલસ અને બીજા પ્લેટફોર્મ દ્વારા સરકાર આ વિદ્યાર્થીઓ સુધી પહોંચી. તેમનું આ કાર્ય મેં મારી નજરે અમારા વતનની શાળાઓમાં જોયું છે જે ખૂબ જ સરાહનીય છે.દુર્ભાગ્યે ફરી એકવાર અચાનક અને નહીં ધારેલી ઝડપથી બીજો કોવિડ વેવ આપણને ઝપટમાં લઈ ચૂક્યો છે. આને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાએ શિક્ષકો, સંચાલકો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ પર દબાણ વધારી દીધું છે. સરકારે માસ પ્રમોશન જાહેર કર્યું છે પણ બોર્ડની પરીક્ષા લેવી, પાછળ ધકેલવી કે કેન્સલ કરવી જેવા વિકટ પ્રશ્નો હજી પણ તેમની સામે ઉભા છે. ઑફલાઈન શાળાઓ ક્યારે શરૂ થશે એ મોટો પ્રશ્ન છે. અમે અત્યારે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના શિક્ષણ માટે સ્વયંને તૈયાર કરી રહ્યા છીએ.

રિપોર્ટ્સ આવ્યા છે કે, ઑનલાઈન ટિચીંગે એટલિસ્ટ શિક્ષણને બંધ થવા દીધું નથી. શૈક્ષણિક સંસ્થાઓના મતે 2020-21નું વર્ષ સંતોષકારક નથી. તેમના દ્વારા થયેલ અથાક પરિશ્રમ પછી પણ વિદ્યાર્થીઓને ક્લાસમાં જે પ્રકારનું શિક્ષણ મળી શકે એવું શિક્ષણ મળ્યું છે કે નહીં, એનું કોઈ પ્રમાણ કે પુરાવા નથી કારણ કે, પરીક્ષા જ થઈ નથી. તેથી શિક્ષકો અને ફેકલ્ટી એવું વિચારતા હતા કે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં 2020-21ના સિલેબસને ઝડપથી રિવાઈઝ કરાવવું. જોકે, એવું કરવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપર શૈક્ષણિક વર્ષ 21-22માં ભારણ વધવાનું હતું.

એ સિવાય પણ કેટલીક સમસ્યાઓ છે. કંટાળો, નિરાશા અને હતાશા વિદ્યાર્થીઓને ઘેરી વળ્યા છે. મિત્રો વગર, સોશિયલ કોન્ટેક્ટ વગર, ઑનલાઈન લર્નિંગનો મોડ એમને થકવે છે અને ક્લાસમાં સાથે બેસીને શીખવા, પ્રોજેક્ટ કરવાના કે ઈનપર્સન શિક્ષણના તેમજ સ્પોર્ટ્સ અને અન્ય પ્રવૃતિઓના લાભોથી એમને વંચિત રાખે છે. ઘણી સંખ્યામાં વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન, અનિચ્છનીય વર્તનની સમસ્યાઓ અને ઘરમાં ઊભા થતા કેટલાક નહીં ધારેલા સવાલો વધતા જાય છે. બીજીબાજુએ જો ઑનલાઇન શિક્ષણ ના મળ્યું હોત તો આજ બાળકોની માનસિક સ્થિતિ વધુ કથળી હોત અને તેઓ જે ભણ્યાં છે તે ભૂલી જવાનો પણ ભય હતો. ઘણા વાલીઓ પાસેથી મળેલ ફીડબેક અનુસાર ઑનલાઈન શિક્ષણથી તેમનું રુટીન જળવાઈ રહ્યું છે અને મિત્રો તેમજ શિક્ષકોને ઑનલાઇન મળવાથી તેઓની દિનચર્યામાં હળવાશ થાય છે. માતા-પિતા અને શિક્ષકો પોતાની ડોમેસ્ટિક સમસ્યાઓની સાથે ઑનલાઈન શિક્ષણ માટે પોતાનાથી બનતું કરી રહ્યા છે.

આ પેન્ડેમિક વિશે જે કોઈ ભવિષ્યવાણી કરવામાં આવતી હોય, પણ મારા હિસાબે તો એવું લાગે છે કે હાલમાં આ ઑનલાઈન મોડેલ જ ચલાવવું પડશે. એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ માટે એમણે એમના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે. શિક્ષકોને વધુ સારું ઑનલાઈન ટીચીંગ અને વિદ્યાર્થીઓના ઑનલાઇન ટેસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ માટે ટ્રેનિગ આપવી પડશે. શૈક્ષણિક સંસ્થાઓનો આર્થિક ભાર હજી વધશે. કોવીડને કારણે નબળી થયેલી સંસ્થાઓ વધુ નબળી બનશે.

કોવીડ દરમ્યાન અને તેના પછી શિક્ષણ નું ભવિષ્ય શું?
મારા 35 વર્ષના શિક્ષણ ક્ષેત્રના અનુભવના આધારે મારા કેટલાક મંતવ્યો રજુ કરું છું. આ કદાચ બહુ ક્રાંતિકારી લાગશે, પણ જે પ્રકારના સંજોગો છે એમાં આપણે બિનપરંપરાગત માર્ગ કાઢ્યા વિના છૂટકો નથી.

• હજી આવનારા ત્રણ મહિના સુધી કોવિડની પરિસ્થિતિ બદલાય એવું લાગતું નથી આ સંજોગોમાં વિદ્યાર્થીની માનસિક સ્થિતિ, ઉત્સાહ અને શ્રદ્ધા જળવાઈ રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા ઑફલાઈન મોડમાં પરીક્ષાઓને વારંવાર પાછળ ઠેલવાનું બંધ કરી તેને રદ્દ કરવાનો દ્રઢ નિર્ણય લેવો જોઈએ. તો જ આ પરીક્ષાઓને પારદર્શક અને વ્યાજબી રીતે ઑન-લાઈન કે અન્ય માધ્યમો દ્વારા લેવાનાં વિકલ્પો વિષે વિચારાશે. આપણા દેશમાં આ માટે અનેક તેજસ્વી લોકો, શિક્ષણવિદો, સંસ્થાઓ છે જેમને સાથે રાખીને આનો માર્ગ કાઢી શકાય. લગભગ બધાજ હિસ્સેદારો આ વાતને સર્વાનુમતે સ્વીકારી લેશે એમાં મને કોઈ શંકા નથી. આવી પરીક્ષા પધ્ધતિને લીધે સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી જે 2020 અને 21 દરમિયાન અપાશે એનો વિશ્વભરમાં સ્વીકાર અને સન્માન થશે કારણ કે, હાલની સ્થિતિમાં તો પરીક્ષા વગર પાસ થયેલા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને મોટી યુનિવર્સિટીઝ કે કંપનીમાં એમનો સ્વીકાર બંને ડામાડોળ સ્થિતિમાં છે.

ભવિષ્યની શિક્ષણ પદ્ધતિમાં ઑનલાઈન અને ઑફલાઈન (બ્લેન્ડેડ લર્નિંગ મોડેલ) મોડેલ સર્જાશે. આનાથી શિક્ષણ વધુ અસરકારક બનશે. શિક્ષકો માર્ગદર્શક અને ફેસીલીટેટર બનશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં અનેક પ્રકારની ફ્લેક્સિબિલિટી અને પસંદગી મળશે. જે હાલના અને ભવિષ્યના ઝડપથી બદલાતા ટેક્નોલોજિકલ પરિવર્તનના સમય માટે જરૂરી છે. એનઈપી 2020નો આજ ઉદ્દેશ છે.

પ્રધાનમંત્રી મોદીએ એમની અંગત દૃષ્ટિને આધારે એનઈપી 2020ની પોલિસીનું નિર્માણ કર્યું છે. આ પોલિસીમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનો વિચાર કરવામાં આવ્યો છે. આ પોલિસીમાં શિક્ષણની સોફ્ટસ્કિલ્સ, વોકેશનલ ટ્રેનિંગ, માતૃભાષા, સ્થાનિક ભાષા, સંસ્કૃતિ અને વારસાના મહત્વને જાળવવાં વગેરે પર ભાર મુકવામાં આવ્યો છે. પણ આ પોલિસીની સફળતાં માટેની સૌથી પડકારજનક બાબત તેના અમલીકરણ પર છે જે ખુબ જ મુશ્કેલ કાર્ય છે અને આ કોવીડના સમયમાં તે વધુ અઘરું બન્યું છે.

પૂર્ણ શિક્ષણપદ્ધતિમાં આમૂલ પરિવર્તન આણવાની જરૂર પડશે. આ માટે શિક્ષકોની તાલીમ અને પુન:તાલીમ, શૈક્ષણિક સંસ્થાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પાસાંઓ પર ભાર મુકવો પડશે. આ બધું ત્યારે જ શક્ય બનશે જયારે શિક્ષણ વિભાગ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણવિદ્દો અને એન.જી.ઓ. કે જેમણે લાંબા સમયથી ગુણવત્તાસભર ઉત્તમ શિક્ષણ પૂરું પાડ્યું છે, તેમની સાથે સહયોગ સ્થાપીને નવીન અને ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી પડશે. જેની સાથે સાથે આ પોલિસીનાં અમલ માટેની રૂપરેખા પણ ઘડવી પડશે.

છેલ્લા 4 વર્ષથી શાળાઓ અને વાલીઓ વચ્ચે બિનજરૂરી અવિશ્વાસ અને દુશ્મનાવટનો માહોલ ફીના મુદ્દાને લીધે જોવા મળી રહ્યો છે. આ માહોલની વિપરીત અસર આપણા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે. દુનિયાની કોઈપણ શિક્ષણ પદ્ધતિ માટે બધા જ હિસ્સેદારો વચ્ચે વિશ્વાસ અને શ્રદ્ધાએ પાયાના પથ્થર સમાન છે. આપણી સરકારે સક્રિયતા દાખવીને આ વિશ્વાસ અને શ્રદ્ધાનું પુન:સ્થાપન કરવું જોઈએ. સરકારનું ઉચ્ચ ગુણવત્તાંવાળું શિક્ષણ દરેક વિદ્યાર્થીને અને ખાસકરીને આર્થિક રીતે નબળા વિધાર્થીઓને આપવાનું જે લક્ષ છે તે આ નવી શિક્ષણનીતિના અમલીકરણથીજ પૂર્ણ થશે. ત્યારેજ આપણા સૌનું “શ્રેષ્ઠ ભારત” બનવાનું સપનું પણ સાકાર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો