સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ કરાયેલું સી-પ્લેન એપ્રિલ-2021થી બંધ છે. સરકારે આ સર્વિસ ફરી શરૂ કરવા નિર્ણય કર્યા પછી પણ અત્યાર સુધી કોઈ એજન્સીએ રસ બતાવ્યો નથી. ઊંચા ઓપરેટિંગ ખર્ચ અને ઓછી માંગને કારણે સી-પ્લેન ફરી શરૂ થવાની કોઈ શક્યતા નથી.
સી-પ્લેનને મેઈન્ટેનન્સ માટે અનેક વખત માલદિવ્સ મોકલવું પડ્યું
કોરોનાનું સંક્રમણ ઓછું થયા પછી ફેબ્રુઆરી-2021માં સરકારે જાહેરાત કરી હતી કે, સી-પ્લેન ફરી શરૂ કરાશે. સી-પ્લેનના ટૂંકા સમય દરમિયાન 2 હજાર પેસેન્જરે મુસાફરી કરી હતી. સી-પ્લેનને મેઈન્ટેનન્સ માટે અનેક વખત માલદિવ્સ મોકલવું પડ્યું હતું. છેલ્લે આ પ્લેન ગયા પછી હજુ સુધી પરત ફર્યું નથી. ગુરુવારે વિધાનસભામાં સરકારે સી-પ્લેન ફરીથી શરૂ કરવાની ટૂંકી જાહેરાત કરી હતી.
છેલ્લે આ પ્લેન ગયા પછી હજુ સુધી પરત ફર્યું નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર 50 લાખના ખર્ચે વોટર એરોડ્રામ અને ટર્મિનલ બનાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ તે ધૂળ ખાઈ રહ્યું છે. સી-પ્લેન બંધ હોવાથી ટર્મિનલ ઉપરાંત બેગેજ સ્કેનર મશીનરી પણ નકામી થઈ રહી છે અને જેટી પણ તૂટી ગઈ છે.
રિવરફ્રન્ટ પર 50 લાખના ખર્ચે બનેલું ટર્મિનલ ધૂળ ખાય છે
સી પ્લેન પાછળ 13.15 કરોડનો જંગી ખર્ચ
રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમથી સી પ્લેન જોડવાની યોજના પણ બનાવી હતી પણ તેનો ફ્લોપ શો થઇ ગયો હતો. સિવિલ એવિએશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે રિવરફ્રન્ટથી સ્ટેય્ચુ ઓફ યુનિટી સર્વિસ શરૂ કરવા માટે 13.15 કરોડનો જંગી ખર્ચ કરાયો હતો.
બિડ ભરનારી ત્રણમાંથી એક પણ કંપની આગળ ન આવી
સરકારે આ સર્વિસ ફરી શરૂ કરવા બિડ મંગાવી ત્યારે ત્રણ કંપનીએ રસ દાખવ્યો હતો. જેમાં મુંબઇની મહેર એવિએશનનો સમાવેશ થાય છે પરંતુ સરકાર સાથે બેઠક બાદ આ ત્રણ પૈકી એકેય કંપનીએ સર્વિસ શરૂ કરવા તૈયારી બતાવી નથી. સી પ્લેન અમદાવાદમાં મેઇન્ટેન્સ માટે (MRO)ની વ્યવસ્થા ન હોવાથી ઓપરેટિંગ ખર્ચ ઘણો ઊંચો જાય છે તેમજ આ રૂટ પર પર્યાપ્ત પેસેન્જરો નહીં મળવાનું કારણ પણ સામે આવ્યું હતુું.
સરકારે સ્વીકાર્યું, ક્યારે ફરી શરૂ થશે તે નક્કી નથી
અમદાવાદથી કેવડીયા સી-પ્લેન સર્વિસ સરકારે બંધ કરી દીધી છે અને હવે ફરી આ સર્વિસ ક્યારે શરૂ થશે તે નક્કી નથી. ઓપરેટિંગ ખર્ચ વધારે હોવાના કારણે સી પ્લેન સર્વિસ બંધ કરી દીધી હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે ફોરિન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેઇન્ટેનન્સમાં મુશ્કેલી પડે છે. હવે ફરી ક્યારે સર્વિસ શરૂ થશે તેનો પણ ચોક્કસ જવાબ સરકારે આપ્યો નથી. અન્ય સ્થળોએ આ સર્વિસ શરૂ થવા અંગે પ્રશ્નાર્થ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.