ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો વિવાદ:હોસ્પિટલોમાં ICU અંગે આરોગ્ય વિભાગની કોઈ ગાઈડલાઈન નથી, ISCCMના સૂચન પ્રમાણે ICU તૈયાર થાય છે

અમદાવાદ22 દિવસ પહેલા
  • ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન(ISCCM) દ્વારા આ મુદ્દે સૂચનો જાહેર કરાયાં છે

ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હોસ્પિટલોમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો આગ્રહ કરતાં તબીબી આલમમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંત ડોક્ટરોનું કહેવું છે કે ICU કે ઓપરેશન થિયેટર આદર્શ રીતે ક્યાં સ્થાપિત કરી શકાય તે અંગે આરોગ્ય વિભાગની કોઈ માર્ગદર્શિકા જારી નથી કરવામાં આવી. માત્ર ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન એટલે કે ISCCM દ્વારા ICU અને ઓપરેશન થિયેટર બાબતે કેટલા સૂચનો જારી કરવામાં આવ્યા છે. જેનો આધાર લઈ હોસ્પિટલો અને ડોક્ટરો તેને અનુસરે છે. આ મુદ્દે દિવ્ય ભાસ્કરે વિષયના જાણકારો સાથે વાતચીત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો છે.

સુવિધાના આધારે ICU અને ઓપરેશન થિયેટર તૈયાર થાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની હોસ્પિટલોને ઓપરેશન થિયેટર અને ICUને ગ્રાઉન્ડ ફ્લોર પર ફરજિયાત પણે રાખવાનો આગ્રહ કરતી નોટિસ પાઠવવામાં આવી હતી. દિવ્ય ભાસ્કરે ICU ઓપરેશન થિયેટર સહિત હોસ્પિટલના બાંધકામનું સ્ટ્રક્ચર માટેની શું જોગવાઈઓ છે તેની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં સૌથી મોટી વાત સામે એ આવી છે કે હાલ જે ICU કે ઓપરેશન થિયેટર મામલે વિવાદ ચાલી રહ્યો છે, જે અંગે આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની માર્ગદર્શિકા નથી. ટૂંકમાં હોસ્પિટલ સંચાલકો તેમની ક્ષમતા અને સુવિધાના આધારે ICU અને ઓપરેશન થિયેટર તૈયાર કરતા હોય છે.

પહેલા ફ્લોર પર ICU રાખવા યોગ્ય માનવામાં આવ્યું
ISCCM દ્વારા વર્ષ 2020માં જારી કરવામાં આવેલ સૂચન પ્રમાણે ICU કે ઓપરેશન થિયેટર ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા હિતાવહ માનવામાં નથી આવ્યા. ગ્રાઉન્ડ ફ્લોર પર નહીં પરંતુ બિલ્ડીંગના પહેલા ફ્લોર પર ICU રાખવા યોગ્ય માનવામાં આવ્યું છે. જે ઈમરજન્સી અને ઓપરેશન થિયેટરની નજીક હોવું જોઈએ.જો શક્ય હોય અને લિફ્ટની સુવિધા હોય તો તેને વધુ ઊંચાઈના ફ્લોર પર પણ રાખી શકાય છે. બ્લડ બેન્ક ફાર્મસી લેબોરેટરી વગેરે પણ ICUની નજીક હોય તે હિતાવહ છે.પ્રત્યેક માટે 150-200 ચોરસ સ્ક્વેર ફૂટની જગ્યા હોવી જોઈએ. આ ઉપરાંત નર્સિંગ સ્ટેશન અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફને અવરજવર સરળતાથી થઈ શકે તેટલી જગ્યા રાખવી જોઈએ.

દેશભરના ICUના તજજ્ઞોની સલાહ બાદ સૂચનો તૈયાર કરાયાં
દિવ્યભાસ્કર સાથે વાત કરતા શેલ્બી હોસ્પિટલના ક્રિટિકલ કેર ઇન સેન્ટીવ ડોક્ટર અમિત પ્રજાપતિએ જણાવ્યું કે સૌથી પહેલા સોસાયટી દ્વારા વર્ષ 2000માં ICU અંગે કેટલાક સૂચનો જાહેર કરવામાં આવ્યા હતા. જેને વર્ષ 2007માં ફરીથી રિવાઇઝ કરવામાં આવ્યા અને બાદમાં 2020માં તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. જે સૂચનો કરવામાં આવ્યા છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે હોસ્પિટલોની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ કરાયા છે. દેશભરના ICUના જાણકાર અને તજજ્ઞ તબીબો સાથે ભલામણ કર્યા બાદ આ સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા.

તડકાથી ICUમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે
ICUમાં પોઝિટિવ પ્રેશર અને નેગેટિવ પ્રેશર મેન્ટેન કરવા ખૂબ આવશ્યક હોય છે. તેમાં તડકો મળી રહે તો તડકાના કારણે ICUમાં રહેલા બેક્ટેરિયાનો નાશ પણ થાય છે.જાણકારોનો એ પણ તર્ક છે કે મોટી હોસ્પિટલોમાં 30-40% બેડ ICU ના હોય છે, એટલે કે જો સાવ બેટરીંગ હોસ્પિટલ હોય તો તેમાં 40 બેડ ICUના હોય છે. જેથી હોસ્પિટલની જગ્યા અને ભૌગોલિક પરિસ્થિતિને જોતા એક ગ્રાઉન્ડ ફ્લોર પર એક સાથે 40 બેડ રાખવા એ શક્ય બાબત નથી, કારણ કે હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન એરીયા અને ઇમર્જન્સી વોર્ડ કાર્યરત હોય છે, જેથી જગ્યાના અભાવના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર ICU શક્ય બાબત નથી.

ઓપરેશન થિયેટર ક્યાં હોવું જોઈએ તેની કોઈ ચોખવટ નથી
ISCCM અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડેન્ટ ડોક્ટર અનીશ જોષીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે હજુ સુધી ICU બાબતે કોઈ નિયમ નથી, પરંતુ તંત્ર સાથે બેસીને તેમના દ્વારા તૈયાર કરેલ સૂચનો અંગે ચર્ચા કરવામાં તેઓ તૈયાર છે. હાલ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એટલે કે NABH હોસ્પિટલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના આધારે તેને પ્રમાણિત કરવાની કામગીરી કરે છે પરંતુ તેમના દ્વારા પણ ઓપરેશન થિયેટર ક્યાં હોવું જોઈએ તે અંગે ભાર મુકવામાં નથી આવ્યો. ડોક્ટર અનીશ જોશી જણાવે છે કે મુંબઈમાં હોસ્પિટલોની ઊંચી ઈમારતોમાં પણ ICU 10 કે તેથી ઉપરના માળે હોય છે. હવે ટેકનોલોજી અને નવી સુવિધાઓના કારણે જે ICU બની રહ્યા છે. તેમાં દર્દીઓની સુરક્ષાનું ધ્યાન રાખાય છે.

અન્ય સમાચારો પણ છે...