અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત તમામ વિભાગો હોસ્પિટલો અને ઓફિસોમાં સિક્યુરિટીને લઈ અને મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારેસન હવે કડક બન્યા છે. સિક્યુરિટી એજન્સીઓની લાલિયાવાડી ચાલતી હોવાનું કમિશનરના ધ્યાને આવતા હવે તેઓએ સિક્યુરિટી મામલે તમામ વિભાગના વડાઓ અને સિક્યુરિટી બ્રાન્ચને કેટલીક સૂચના આપી છે. અનેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ હાજર હોતા નથી. વૃદ્ધ અને અસશક્ત લોકોને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખવામાં આવે છે, આવી અનેક બાબતો ધ્યાને આવતા હવે કમિશનર કડક બન્યા છે અને તેઓએ સિક્યુરિટી એજન્સીઓની વાડી સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે.
સિક્યુરિટી સેવાઓ મેળવતા તમામ ખાતાઓ/વિભાગોને આપેલી સૂચનાઓ
- દરેક એજન્સીના સિક્યુરિટી ગાર્ડસ પોઈન્ટ ઉપર હાજર થાય તે વખતે એજન્સીનો નિમણૂક પત્ર એજન્સી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા આઈ.કાર્ડ, તેઓનો ઓળખપત્રનો પુરાવો, ફીઝીકલ ફીટનેશનનો પુરાવો, ઉંમરનો પુરાવા, પોલીસ વેરીફિકેશનની ચકાસણી કરવી અને તમામ સિક્યુરિટી ગાર્ડસ ઉપરોકત પુરાવા તેઓની પાસે ફરજ દરમ્યાન રાખે તેની ખાસ તકેદારી રાખવી. તેમજ બાયોમેટ્રિક સિસ્ટમથી ગાર્ડની હાજરી પુરવા માટેની વ્યવસ્થા કરવી.
- દરેક પોઇન્ટ પર સિક્યુરિટી ગાર્ડ ફરજ પર શીફ્ટ મુજબ સમયસર હાજર થાય છે કે નહીં તેની નિયમિત ચકાસણી કરવી. તેમજ સંબંધિત ખાતા દ્વારા સિક્યુરિટી ગાર્ડસનું અલાયદું હાજરી પત્રક ફરજિયાત નિભાવવું. તેમજ સક્ષમ સત્તા દ્વારા જયારે પણ ખરાઇ માટે માંગણી કરવામાં આવે ત્યારે તાકીદે પુરા પાડવું.
- પોઈન્ટ પર બીજી શીફ્ટનો નવો ગાર્ડ હાજર ન થાય ત્યાં સુધી પહેલી શીફટનો ગાર્ડ સ્થળ છોડી જતો ન રહે તે બાબતની તકેદારી રાખવી.
- ફાળવેલા પોઈન્ટ ઉપર ખાતા/વિભાગની જરૂરિયાત મુજબ સુરક્ષા/વ્યવસ્થા જળવાય તે અંગેની કામગીરી કરાવવી અને સમયાંતરે સિક્યુરિટી સ્ટાફને તેનાથી વાકેફ કરવા.
- દરેક માસના અંતે ગાર્ડની હાજરી નામ વાઈઝ, શીફટ વાઈઝ ચકાસણી કરી તમામ વિગતો સબંધિત ખાતાના અધિકારીઓના સહી-સિકકા સાથેની હાજરી શીટ તથા સર્ટીફીકેટ સેન્ટ્રલ ઓફિસ સિક્યુરીટી બ્રાંચને સમયસર મોકલવા.
- સંબંધિત ખાતા હેઠળ આવતા દરેક પોઈન્ટ ઉપર સિક્યુરિટી ગાર્ડસ/બાઉન્સર સમયસર ન આવે, પ્રોપર યુનિફોર્મમાં ન આવે, ફરજ પર ગેરહાજર રહે તેમજ તેઓની કામગીરી બાબતે કોઇ પણ અનિયમતિતા/બેદરકારી જણાય તો તે અંગે અસરકારક કાર્યવાહી કરવાની રહેશે તેમજ તે બાબતની જાણ સેન્ટ્રલ ઓફિસ સિક્યુરિટી બ્રાન્ચને અચૂક પણે કરી, ટેન્ડરની શરતો મુજબ દંડનીય કાર્યવાહી/પેનલ્ટી કરવા અંગે કાર્યવાહી કરવી.
- સંબંધિત ખાતાઓ/વિભાગો દ્વારા દરેક સિક્યુરિટી પોઈન્ટ ઉપર વિઝીટ બુક ફરજીયાત પણે રાખવી તેમજ સબંધિત ખાતાના જવાબદાર અધિકારીએ સમયાંતરે દરેક પોઈન્ટ ઉપર સરપ્રાઇઝ ચેકીંગ કરી નામ, હોદ્દા, તારીખ, સમય તેમજ સિક્યુરિટીની કામગીરીમાં તેઓને જણાયેલ ક્ષતિઓ સહિત વિઝિટ બુકમાં નોંધ કરવી.
- સિક્યુરિટી સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા સિક્યુરિટી ગાર્ડસની કામગીરી સંદર્ભે સંબંધિત વિભાગો / ખાતાના વડાએ કરવાની થતી કામગીરી અંગે વખતોવખત દિશા નિર્દેશ આપવામાં આવે તો તેનું અસરકારક અમલીકરણ કરવું.
- તમામ સિક્યુરિટી ગાર્ડસની બાયોમેટ્રીક મશીનમાં શીફ્ટ શરૂ થતા અને શીફ્ટ પુરી થયેથી હાજરી પુરાવવાની રહેશે. અને માસના અંતે તેનું સ્ટેટમેન્ટ સર્ટીફિકેટ સાથે સેન્ટ્રલ ઓફિસ (સિક્યુરિટી બ્રાંચને) રજુ કરવાનું રહેશે.
સેન્ટ્રલ ઓફિસ સિક્યુરિટી બ્રાન્ચને અમલ કરવાની સૂચનાઓ
- સિક્યુરીટી એજન્સીએ તમામ ગાર્ડસના પોલીસ વેરીફીકેશન નીતિ નિયમાનુસાર મેળવેલા છે કે નહીં તે સેન્ટ્રલ ઓફિસ (સિક્યુરિટી બ્રાન્ચ) દ્વારા ચકાસણી કરવી.
- સિક્યુરીટી એજન્સીઓ પાસેથી તમામ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડસ/ગનમેન/ સશક્ત સિક્યુરિટી ગાર્ડસ (બાઉન્સર)ના આઈ.ડી. પ્રૂફ તેમજ ઉમરના દસ્તાવેજ પુરાવા મેળવી લેવાના રહેશે.
- બાયોમેટ્રીક સીસ્ટમથી હાજરી પુરવા માટેની વ્યવસ્થા ઉભી કરવી તેમજ દરેક માસના અંતે સિક્યુરિટી એજન્સી દ્વારા રજુ થનારા સર્ટીફીકેટમાં ગાર્ડની હાજરી નામ વાઇઝ, શીફટ વાઇઝ મેળવી સંબંધિત ખાતાના અધિકારીશ્રીના સહી સિકકા સાથે સર્ટીફીકેટ મેળવી, ચકાસણી બાદ જ સિક્યુરીટી એજન્સીઓના પેમેન્ટની કાર્યવાહી કરવી.
- સિક્યુરિટી એજન્સીઓ દ્વારા નિયમાનુસાર જે તે માસના તમામ સિક્યુરિટી ગાર્ડસના P.F., E.S.I. તેમજ G.S.T. સહિતની રકમ કાયદાની જોગવાઇ મુજબ જમા થયેલ છે કે કેમ તે અંગે ટેન્ડર શરતોનું અચુકપણે પાલન થાય તે સિક્યુરિટી બ્રાન્ચ દ્વારા સુનિશ્ચિત કરવું.
- જે તે ખાતાના અધિકારીઓ તરફથી સિક્યુરિટી ગાર્ડસ/ગનમેન/બાઉન્સર સંબંધિત ફરીયાદ જેવી કે સમયસર ન આવવું, પ્રોપર યુનિફોર્મમા ન આવવું, ફરજ પર ગેરહાજર રહેવું તેમજ તેઓની કામગીરી બાબતે કોઇ પણ ફરીયાદ મળે તો તે અંગે અસરકારક કાર્યવાહી કરી ટેન્ડરના ધારાધોરણ મુજબ શિક્ષાત્મક/દંડનીય કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવી.
- સેન્ટ્રલ ઓફિસ સિક્યુરિટી બ્રાન્ચના જવાબદાર અધિકારીએ સમયાંતરે દરેક પોઇન્ટ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ કરી તેઓના નામ, હોદ્દા, તારીખ, સમય તેમજ સિક્યુરિટીની કામગીરીમાં તેઓને જણાયેલી ક્ષતિઓ સહિત વિઝિટ બુકમાં નોંધ કરવાની રહેશે.
- દર માસના અંતે સર્વિસ પ્રોવાઈડર એજન્સી દ્વારા સિક્યુરિટી પોઇન્ટ ઉપર ફાળવેલા ગાર્ડસના હાજરી પત્રક સિક્યુરિટી બ્રાન્ચ ખાતે જમા કરાવવાના રહેશે. તેમજ સેન્ટ્રલ ઓફિસ દ્વારા સિક્યુરિટી ટેન્ડર માં પેમેન્ટ ટર્મ્સ અંગે જણાવેલી શરતો મુજબ દરેક સિક્યુરિટી એજન્સી દ્વારા દરેક સિક્યુરિટી પોઇન્ટના હાજરીપત્રક સિક્યુરિટી બાન્ચમાં જમા કરાવ્યેથી પેમેન્ટની કાર્યવાહી કરવી.
- દરેક સિક્યુરિટી એજન્સીએ તેઓના સિક્યુરિટી ગાર્ડસના બેંક એકાઉન્ટમાં RTGS થી કરેલા પેમેન્ટનું બેંક સ્ટેટમેન્ટ મેળવીને સકાસણી કર્યા બાદ જ પેમેન્ટની કાર્યવાહી કરવી.
- તમામ સિક્યુરિટી ગાર્ડસની બાયોમેટ્રીક મશીનમાં શીફ્ટ શરૂ થતા અને શીફ્ટ પુરી થયેથી ભરેલ હાજરીના સ્ટેટમેન્ટ સર્ટીફિકેટ સાથે રજુ થયેલા હોય તો જ પેમેન્ટની કાર્યવાહી કરવી.
- સિક્યુરિટી એજન્સીઓ દ્વારા નિયમાનુસાર જે તે માસના તમામ સિક્યુરિટી ગાર્ડસના P.F., E.S.I. તેમજ G.S.T., પ્રોફે.ટેક્ષ સહિતની રકમ જમા કરાવ્યા અંગેના ચલણ કર્યા બાદ જ પેમેન્ટની કાર્યવાહી કરવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.