ગુલબાઈ ટેકરા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી ફ્યુઝન હોસ્પિટલના ગેટની જમણી બાજુમાં મુકેલી 25 કિલો-પોણા બે ફૂટની ઊંચી ગણપતિ દાદાની મૂર્તિ કોઇ ચોર ચોરી ગયો હતો. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તહેનાત હોવા છતાં ચોરીની ઘટના બનતા હોસ્પિટલની સુરક્ષા પર અનેક સવાલ ઊભા થયા છે.
ગાંધીનગર ઝુંડાલ સાવ્યા સ્કાઈઝમાં રહેતા જીતેન્દ્રભાઈ ગબ્બર સિંગઉ(46) નવરંગપુરા ખાતે એક્યુરેટ સિક્યોરિટી એન્ડ અલાઈન સર્વિસિસ નામની સિકયોરીટી એજન્સી ધરાવે છે. તેમની કંપની જુદી જુદી જગ્યાએ સિક્યોરિટી ગાર્ડની ફાળવણી કરે છે. ગુલબાઈ ટેકરા ખાતે આવેલી ફ્યુઝન હોસ્પિટલમાં પણ તેમની જ કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી તેમના જ સિક્યોરિટી ગાર્ડ ફાળવવામાં આવ્યા હતા.
ગત મંગળવારે સવારે 5 વાગે હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ અવધેશસિંગે જીતેન્દ્રભાઈને ફોન કરીને કહ્યું કે, હોસ્પિટલના ગેટની જમણી બાજુ કાચના દરવાજાવાળા કેબિનમાં રાખેલી ગણપતિ દાદાની મૂર્તિ કોઈ ચોરી ગયું છે. આ મૂર્તિની કિંમત રૂ. 30 હજાર હતી. ચોરીની જાણ થતા જીતેન્દ્ર સિંગઉ હોસ્પિટલ ખાતે દોરી આવ્યા અને આજુબાજુમાં તપાસ હાથ ધરી હતી. આખરે કોઈ પત્તો ન લાગતાં તેમણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં મૂર્તિની ચોરી થતા હોસ્પિટલની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.