રોજના બેથી 12 હજાર કમાણીની લાલચ આપી ઓઢવના એક યુવકની સાથે સાઈબર ગઠિયાએ રૂ.1.54 લાખની છેતરપિંડી કરતાં યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઓઢવમાં રહેતા ધર્મેશ ગેલપ્પા આડકીના મોબાઈલ પર અજાણ્યા નંબરથી રોજના 2થી 12 હજારની કમાણીનો મેસેજ આવ્યો હતો. ઓફરમાં રસ પડતા ધર્મેશે આપેલી લિંક ઓપન કરી હતી. તેમાં આપેલા નંબર પર વોટ્સઅપ નંબર મેસેજ કરતા રજિસ્ટર કરવા કહેવાયું હતું. ત્યારબાદ તેમને એવી ઓફર આપી કે, તમે કોઈપણ હોમ પ્રોડકટ ખરીદો તેની કુલ રકમ પર તમને કમિશન અપાશે. શરૂઆતમાં ધર્મેશે રૂ. 298ની ખરીદી કરતાં તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 342 ગુગલ પેથી ચુકવાયા હતા. ત્યારબાદ તેમને બારીના પડદા, માઈક્રોવેવ ઓવનની ખરીદી કરવાનું કહેતાં તેમણે તેમ કરતાં કમિશન ચૂકવાયું હતું. ત્યારબાદ તેમની પાસે મોટી રકમની ખરીદી કરાવડાવી જેનું કમિશન માગતાં તેમને વધુ ખરીદી કરવાનું કહીને તેમની પાસેથી રૂ.1,54439 લાખ પડાવી છેતરપિંડી કરાઇ હતી. આ મામલે ધર્મેશે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શરૂઆતમાં કમિશન આપ્યું હતું
શરૂઆતમાં ધર્મેશ પાસે નાની વસ્તુઓ ખરીદી કરાવી તેમના એકાઉન્ટમાં કમિશન તરત જમા કરાવ્યુું. પછીથી કમિશન ન મળતાં માગણી કરી તો કહેવાયું કે, માઈક્રોવેવ ઓવન, ટીવી ખરીદો. તેમને રૂ.એક લાખના વેક્યુમ ક્લીનરની ખરીદીનું કહેવાયું હતું. આમ ગઠિયાએ તેમની પાસેથી મોટી રકમ મેળવી ઠગાઈ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.