અમદાવાદના ક્રાઈમ ન્યુઝ:સાબરમતી વિસ્તારમાં ભાઇએ ભાઇની હત્યા કરી, સોલાના ગાયક કલાકારે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું અને 82 હજાર ગુમાવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પકોડી ખાવા જેવી સામાન્ય બાબતે નાના ભાઇએ મોટા ભાઇનું ગળું દબાવી ધક્કો મારતા માથામાં લોખંડના પલંગનો પાયો વાગતા ઇજા થઇ હતી. ગંભીર ઇજાના કારણે મોટા ભાઇનું મોત નિપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોધી નાના ભાઇની ધરપકડ કરી લીધી હતી. તો બીજી તરફ સોલા વિસ્તારમાં રહેતા ગાયક કલાકારએ ગુગલ પરથી બ્લ્યુ ડાર્ટનો નંબર મેળવ્યો અને લંડનમાં રહેતી તેમની દીકરીને સામાન મોકલવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરતા 82 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

દીકરીની સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા
અમરેલી જિલ્લાના આવેલા જાફરાબાદ વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં ડોલીબેન મહેતા(ઉ.31) પરિવાર સાથે રહે છે. વર્ષ 2009માં તેમના લગ્ન થયા હતા. તેઓ પાંચ ભાઇ અને બહેન છે. ભાઇમાં સૌથી મોટો અજય (ઉ.46)ના લગ્ન સુષ્મા સાથે લગ્ન થયા હતા. તેમને સંતાનામાં દીકરી છે. તેનાથી નાનો ભાઇ અમિત(ઉ.42) અને તેનાથી નાનો ભાઇ વિશાલ(ઉ.39) છે. પિતાજી રોહિતકુમાર ઓટોરિક્ષા ચલાવે છે. ગત 8મી નવેમ્બરના રોજ ડોલીબહેન તેમની દીકરીની સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં નજીકની તારીખ બતાવવા માટે આપી હોવાથી ડોલીબહેન અમદાવાદ રોકાયા હતા. દરમિયાનમાં ડોલીબહેન અને તેમના પતિ યોગેશભાઇ પકોડી ખાવા માટે ગયા હતા.

માથામાં વાગતા મોટા ભાઇનું મોત
અજયે તેની અને તેની દીકરી વિમાક્ષીની પકોડી મંગાવી હતી. આ સમયે નાનો ભાઇ અમિત મોટા ભાઇ અજયને ખાટલામાં પાડી દઇ ગળું દબાવતો હતો. અજય ખાટલામાં તરફડીયા મારતો હતો. આ સમયે ડોલીબહેન અને તેમના પતિ છોડાવવા વચ્ચે પડ્યા હતા અને તે સમયે અમિતે જોરથી ધક્કો મારતા અજયનું માથુ એકદમ દિવાલ સાથે ટક્કરાયું હતું. આમ વધુ મારથી અજયને બચાવ્યો હતો. આ સમયે અજય બેભાન થઇ ગયો હતો. દરમિયાનમાં આસપાસના લોકોની મદદથી તેમને સારવાર માટે લઇ ગયા હતા. આ દરમિયાન હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ અંગે સાબરમતી પીઆઇએ જણાવ્યું હતું કે, પકોડી ખાવા બાબતે નાના ભાઇ અમિતે ઝઘડો કરી ગળું દબાવી ધક્કો મારતા મોટા ભાઇ અજયને માથામાં વાગ્યું હતુ અને તેનું મોત નિપજ્યું હતું.

દીકરીને સામાન મોકલવા ઓનલાઇન નંબર મેળવ્યો
સોલા વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની નજીક આવેલા મૃદુલપાર્ક સોસાયટીમાં વિશાલ ગૌરાંગભાઇ શાહ પરિવાર સાથે રહે છે. વિશાલભાઇ ગાયક કલાકાર તરીકે કામ કરે છે. તેમની દીકરી લંડન ખાતે રહે છે અને તેને સામાન મોકલવાનો હતો. દરમિયાનમાં ગત 27મી સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાના ઘરે હાજર હતા. આ દરમિયાન તેમની દીકરીને લંડન સામાન મોકલવા માટે ગુગુલ પરથી સામાન મોકલવા માટે પાર્સલ અંગે બ્લ્યુ ડાર્ટ નામની ડીલીવરી કંપની અંગે સર્ચ કર્યું હતું.

ગાયક કલાકાર 82 હજાર ગુમાવ્યા
આ દરમિયાન તેમને એક મોબાઇલ નંબર મળ્યો હતો અને તે નંબર પર વિશાલભાઇએ વાત કરી હતી. સામેના વ્યક્તિએ તેમને વોટ્સએપ પર વાત કરવાનું જણાવ્યું હતું. વિશાલભાઇએ વોટ્સએપમાં વાત કરતા એક લિન્ક મોકલી આપી હતી અને તેમા રજીસ્ટ્રેશન કરવાનું જણાવ્યું હતું. સામેના વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરાવી એકાઉન્ટ નંબરની વિગતો પણ ભરાવી હતી અને બેંક એકાઉન્ટમાંથી 82 હજારથી વધુની રકમ ઉપાડી લીધી હતી. આ અંગે સોલા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...