એકતરફી પ્રેમમાં યુવતીને બદનામ કરવા માટે એક યુવકે ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવીને યુવતીની પ્રતિષ્ઠા ખરડાય તેવી રીતે બીભત્સ મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકતા આ અંગે ફરિયાદ થતા સાઇબર ક્રાઈમ પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, શહેરના એક નાગરિકે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે, તેમની પુત્રીના નામની ખોટી સોશિયલ મીડિયા આઈડી બનાવીને કોઈ તેમની પ્રતિષ્ઠાને તેમ જ સમાજમાં છોકરીની માન મર્યાદાને શરમાવે તેવા મેસેજો મૂકવામાં આવી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈને સાઇબર ક્રાઈમ ડીસીપી અમિત વસાવા અને એસીપી જે.એમ. યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એચ.પુવારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે હાથ ધરેલી ટેક્નિકલ એનાલિસિસમાં યુવતીના નામનું ફેક આઈડી બનાવનાર યુવકની ઓળખ થતાં પોલીસ ટીમે દીપ વિપુલભાઈ કંસારા (ઉં.20, રહે.સેટેલાઈટ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે યુવતી સાથે મિત્રતા કેળવી વાતચીત કરતો હતો તે દરમિયાન યુવતીને ખબર પડી હતી કે તે તેને એકતરફી પ્રેમ કરે છે. આથી યુવતીએ તેની સાથેની મિત્રતાનો અંત લાવી દીધો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા યુવકે યુવતીના નામનો ઉપયોગ કરીને ફેક આઈડી બનાવીને બીભત્સ શબ્દો મારફતે યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.