અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા એક યુવકનો મૃતદેહ કડીમાંથી મળી આવ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગત 18 જુલાઈના રોજ ગુમ નદીમ કુરેશી પોતાની મંગેતરને પહેલા મળ્યો અને બાદમાં હત્યા કરાયેલી હાલતમાં કેનાલમાંથી મૃતદેહ મળી આવતા કડી પોલીસેના હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘા મારી કેનાલમાં ફેંકી દીધો હતો
18 જુલાઇના રોજ નદીમ કુરેશી પોતાની મંગેતર બિલકીશબાનુને મળવા માટે અમદાવાદથી કડી ગયો હતો. ત્યારબાદ ઘરે પરત નહીં ફરતા પરિવારે સરખેજ વિસ્તારમાં ગુમ થયા બાબતની જાણવા જોગ નોંધાવી હતી. જે અંગે SOGની ટીમે ખાનગી રાહે તપાસ કરતા પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યાનું સામે આવ્યું હતું. આ દરમિયાન બીજા દિવસે કડી પાસે રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી નદીમનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કેનાલમાંથી મળ્યો હતો. જે અંગે કડી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
આરોપીની પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો
SOGની ટીમને ચોક્કસ હકીકત મળતા મૃતકને છેલ્લે રસ્તામાં સરફરાજ નામના વ્યક્તિએ ઊભો રાખી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હોવાની વિગતો મળી હતી. જેને આધારે SOG ક્રાઈમે આરોપી સરફરાજ મુલ્લાની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો અને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી.
પ્રેમસંબંધમાં તકરાર ઊભી થતા હત્યા કરી
આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, સરફરાજ મુલ્લા છેલ્લા ઘણા સમયથી મૃતકની મંગેતરને સાથે પ્રેમસંબંધમાં હતો અને છેલ્લા એકાદ વર્ષથી નદીમ કુરેશી સાથે બિલકીશબાનુની સગાઈ થયાની જાણ થતા પ્રેમસંબંધમાં તકરાર ઉભી થઈ હતી. જેને પગલે સરફરાજે નદીમનું કાસળ કાઢી નાખવાના ઈરાદે બિલકીશબાનુની મદદ લઇ નદીને કડી ખાતે મળવા બોલાવ્યો હતો. બાદમાં કાવતરુ રચી આરોપીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
મંગેતરની સંડોવણી પણ સામે આવી
હાલ તો સરફરાજ મુલ્લાની ધરપકડ કરતાં હત્યાના ષડયંત્રમાં અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જે અંગે વધુ તપાસ કરવા માટે એસ.ઓ.જી ક્રાઈમે આરોપીને કડી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે આ કેસમાં આરોપી સરફરાજનો ભાઈ અને નદીમની મંગેતરની પણ સંડોવણી સામે આવી છે. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.