ગુરુકુલ રોડ પરની સેન્ટ એન્ટ સ્કૂલના ટ્રસ્ટી અને ઈસ્કોન મંદિરની ગોવિંદા રેસ્ટોરાંના મેનેજરની કારથી ગટરનું પાણી રાહદારી યુવક પર ઉડ્યું હતું. જેથી યુવકે મંદિર સુધી કારનો પીછો કરી મેનેજર સાથે મારામારી કરી ગાડીનો કાચ તોડ્યો હતો.
થલતેજના સિયેસ્ટામાં રહેતા ભાર્ગવ પટેલ(41) ઈસ્કોન મંદિરના ગોવિંદા રેસ્ટોરાંમાં મેનેજરની સેવા આપે છે અને ગુરુકુલ રોડ પરની સેન્ટ એન્ટ સ્કૂલના ટ્રસ્ટી પણ છે. બુધવારે સવારે 10.30 વાગે ભાર્ગવભાઈ સ્કૂલેથી કાર લઈને ઈસ્કોન મંદિર જવા નીકળી 11 વાગે મંદિરે પહોંચ્યા હતા. તેઓ કારમાંથી ઉતરતા હતા ત્યારે તેમની પાછળ આવેલા એક યુવકે તેમને કહ્યું કે, સિંધુ ભવન રોડ પર તમારી કારથી મારા પર ગટરનું પાણી કેમ ઉડાડ્યું? તેમ કહીને ભાર્ગવભાઈ સાથે ઝઘડો કરી, માર મારી, ડાબા ખભા પર બચકું ભરી લેતાં ભાર્ગવભાઈને લોહી નીકળતાં મંદિરના માણસો દોડી આવતા યુવક ત્યાંથી જતો રહ્યો હતો.
ભાર્ગવભાઈએ સહકર્મીઓ સાથે તેની પાછળ સિંધુ ભવન રોડ પરના પાન પાર્લરે જઇ તે યુવકને પૂછ્યું કે, તેં મારી સાથે આવું વર્તન કેમ કર્યું? ચાલ પોલીસ સ્ટેશન. તેમ કહેતાં તેણે ભાર્ગવભાઈને ધમકી આપી કે, અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ. તેમ કહીને ઈંટનો ટુકડો લઈને ભાર્ગવભાઈની કાર પર મારતાં, કારનો કાચ તૂટી ગયો હતો. જેથી ભાર્વગભાઈ અને સાથેના માણસોએ તેને પકડી લઇ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ભાર્ગવભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે જીનોય પ્રદીપભાઈ દવે(37)ની ધરપકડ કરી હતી. મોરબીનો રહેવાસી અને હાલ કામથી અમદાવાદ આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.