વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આ સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. જેને ‘ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ તરીકે ઓળખવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે મંજૂરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પરંતુ આગામી 2 વર્ષમાં તેનું સંપૂર્ણ કામકાજ પૂરું થશે.
રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત લઈ શકાશે નહીં
જામનગરમાં આવેલું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે અને તે આમ જનતા માટે ખૂલ્લુ રહેશે નહીં. રેસ્ક્યૂ સેન્ટર આર.આઇ.એલ.ની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.
રેસ્ક્યૂ સેન્ટરમાં પ્રાણીઓને રાખવામાં આવશે
આ મામલે પરિમલ નથવાણી જણાવે છે કે, આજકાલ માનવ અને વન્ય પ્રાણી અને તેમાંય ખાસ કરીને દિપડા જેવા માંસાહારી પ્રાણી વચ્ચે થતા સંઘર્ષ નિવારવા રાજ્યના વન વિભાગ માટે મોટો પડકાર છે. આ રેસ્ક્યૂ સેન્ટર વન વિભાગને પ્રાણીઓ રાખવા માટે ઘણું જ સહાયરૂપ બનશે. એનિમલ રેસ્ક્યૂ સેન્ટર રાજ્ય સરકારની સંપત્તિ છે અને આર.આઇ.એલ. જવાબદાર સત્તાવાળાઓની દેખરેખમાં તેનું સંચાલન કરશે. આ સુવિધાની જાળવણી વન વિભાગ સાથેના સંકલનમાં રહીને સી.ઝેડ.એ. દ્વારા સમયાંતરે લાદવામાં આવતા નિયમનકારી ધારાધોરણો અનુસાર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.