તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મહિલાએ સંબંધનો અંત લાવતા પ્રેમીએ તેનાં સંતાનોને અંગત ફોટા મોકલી દીધા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંબાવાડીની મહિલાની યુવક સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

આંબાવાડીમાં રહેતી 43 વર્ષીય મહિલા અને તેના પ્રેમી વચ્ચેની અંગત પળોના ફોટા પ્રેમીએ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. દરમિયાન મહિલાના સંતાનો મોટા થતાં તેણે પ્રેમીને સંબંધનો અંત લાવવા જણાવ્યું હતું, જેનાથી ઉશ્કેરાયેલા પ્રેમીએ અંગત પળોના ફોટા મહિલાના પુત્રને મોકલી દીધા હતા. આ અંગે મહિલાએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આંબાવાડીમાં રહેતી 43 વર્ષીય મહિલા લગ્નજીવન દરમિયાન 3 સંતાનોની માતા બની હતી. જોકે 15 વર્ષ પહેલા પતિ તેને તરછોડી ગયો હતો, ત્યારથી તે સંતાનો સાથે રહેતી હતી. નોકરી કરતી મહિલાને દોઢેક વર્ષ પહેલા વટવાના એક પુરુષ સાથે ઓળખાણ થતાં તે પ્રેમમાં પરિણમતા બંને વચ્ચે સંબંધ પણ બંધાયો હતો. આ દરમિયાન પ્રેમીએ તેમની વચ્ચેના અંગત પળોના ફોટા તથા વીડિયો ઉતાર્યા હતા.

સંતાનો મોટા થઈ ગયા હોવાથી મહિલાને આ સંબંધ હવે યોગ્ય ન લાગતાં તેણે પ્રેમીને ટાળવાનું શરૂ કર્યું હતું. ત્રણ માસ પહેલાં મહિલાએ પ્રેમીને છૂટા થવા કહ્યું, તો પ્રેમીએ ધમકી આપી હતી કે, તું મને નહીં મળે તો આપણાં અંગત પળોના ફોટા હું સોશિયલ મીડિયામાં વહેતા કરી દઈશ’, પરંતુ મહિલાએ મક્કમતાથી સંબંધનો અંત લાવવાનું કહ્યું હતું.

દરમિયાન મહિલાને તેના સંબંધી થકી જાણવા મળ્યું હતું કે, તેના પ્રેમીએ તેના પુત્રના મોબાઈલ ફોનમાં તેમની વચ્ચેના અંગત પળોના ફોટા મોકલ્યા છે.

આ અંગે મહિલાએ પ્રેમી સામે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...