તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકી ચોરવાનો કેસ:સોલા સિવિલમાંથી બાળકીની ચોરી કરનારી મહિલાની 5 દિવસથી કોઈ ભાળ નથી; 250 CCTV ચેક કરાયા, 130થી વધુનાં નિવેદન લેવાયાં

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાંચ, સોલા પોલીસના 100 જવાનો હજુ શોધમાં

સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીનું અપહરણ કરી લઈ ગયેલી મહિલાની 5 દિવસ પછી પણ કોઈ જ ભાળ મળી નથી. મહિલા અને બાળકીને શોધવા માટે પોલીસે 100 કરતાં પણ વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ કામે લાગ્યા છે, જેમાં 250 કરતાં પણ વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે તથા 130 કરતાં પણ વધારે લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે, પરંતુ તેમ છતાં હજુ સુધી બાળકીને પોલીસ શોધી શકી નથી.

સરસ્વતીબહેન રાજેન્દ્રભાઈ પાસી નામની મહિલાએ 1 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે દીકરીને જન્મ આપ્યો હતો. રાતે 2 વાગ્યે સરસ્વતીબહેન હોસ્પિટલના પીએનસી વોર્ડમાં દીકરી સાથે સૂઈ ગયાં હતાં. જ્યારે 3 વાગ્યે તેમની આંખ ખૂલી હતી અને જોયું તો તેમની બાજુમાં દીકરી ન હતી. આ અંગે સરસ્વતીબહેને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાળકીને શોધવા માટે સોલા પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી, જેમાં હોસ્પિટલના એક્ઝિટ કેમેરામાં રાતે 3.02 વાગ્યે એક શંકાસ્પદ મહિલા બાળકીને લઈને જતી હોય તેવું જોવા મળ્યું હતું, જેના આધારે પોલીસે એસજી હાઈવે પરના લગભગ 250 જેટલી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે.

સરકારી હોસ્પિટલમાંથી અપહરણના ગંભીર કેસમાં સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની 4 ટીમો મળીને 100 પોલીસ અધિકારી - કર્મચારીઓ તપાસમાં જોડાયા છે. પોલીસે અત્યાર સુધીમાં 130 કરતાં પણ વધારે લોકોનાં નિવેદન પણ લીધાં છે.

હોસ્પિટલના ગેટથી નીકળીને જમણી બાજુ મહિલા ચાલતી જતી દેખાઈ હતી
બાળકીને લઈને મહિલા હોસ્પિટલના ગેટની જમણી બાજુ એટલે જ થલતેજ બાજુ જતી દેખાય છે, જેના આધારે પોલીસે તે રૂટના સીસીટીવી ચેક કરતા તે મહિલા ઘણે દૂર સુધી ચાલતી જતી દેખાય છે. જોકે થોડે દૂર કોઈ ગલીમાં કોઇ વાહનમાં બેસીને તે મહિલા જતી રહી હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

દાખલ 36 મહિલાનાં પણ નિવેદન લેવાયાં
બાળકીનું અપહરણ થયું તે દિવસે અને તેના આગળના દિવસે સોલા સિવિલ હોસ્પિટલના પીએનસી વોર્ડમાં 36 મહિલાઓ દાખલ હતી. સોલા પોલીસે તે તમામ મહિલાઓના નિવેદન લઈને પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તે મહિલાઓની ખબર કાઢવા અને મળવા આવેલા સગા સબંધી તેમજ હોસ્પિટલ સ્ટાફ સહિત 130 કરતાં પણ વધારે લોકોના નિવેદન લીધાં છે.

અન્ય સમાચારો પણ છે...