અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિસંતાન સ્ત્રીને તાંત્રિક વિધિથી સંતાન ઈચ્છા પૂર્ણ કરવા અને પૈસાનો વરસાદ કરવા માટેની લાલચ આપી તેના પર બળાત્કાર ગુજારતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. માત્ર એક બે કિસ્સામાં નહીં પરંતુ આરોપી પાસે જપ્ત કરાયેલા મોબાઇલમાં અન્ય કેટલાક વીડિયો પણ મળી આવ્યા છે જેમાં શંકા છે કે એક કરતાં વધુ મહિલાઓ આ તાંત્રિક વિધિના બહાને હવસખોરનો શિકાર બની હોય.
અનેક મહિલાઓને ફસાવી જિંદગી બરબાદ કરી
ફરિયાદી મહિલાએ અમદાવાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેની મરજી વિરુદ્ધ તાંત્રિક વિધિના બહાને આરોપી ભુવાજીએ બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ આ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આરોપીએ પોતાની જાળમાં અનેક મહિલાઓને ફસાવી જિંદગી બરબાદ કરી નાખવાનું કામ કર્યું હતું. આ મામલે અન્ય એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે, જેનું નામ દિલાવરમિયા શેખ છે કે જે મૂળ ખેડાનો રહેવાસી છે. દિલાવરમિયા આ કિસ્સામાં મુખ્ય આરોપી મુકેશ ગરાસીયા સાથે મહિલાઓનો સંપર્ક કરાવતો એટલે કે દિલાવરમિયા પુત્રની પ્રાપ્તિ ઇચ્છતી મહિલાઓનો ભેટો મુકેશ ગરાસિયા સાથે કરાવતો.
તાંત્રિક વિધિના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યો
પોલીસ પૂછપરછમાં મોટી વાતે સામે આવી છે કે, મુકેશ ગરાસીયા પાંચથી છ ફૂટ ઊંચાઈ ધરાવતી સ્ત્રી, જેના પર કોઈપણ પ્રકારનું ચિન્હ, છૂંદણા ટેટુ કે સિઝેરિયન થયેલ ન હોય, ઉપરાંત કૂતરું પણ ન કરડ્યું હોય તેવી સ્ત્રીને એકાંતમાં નિર્વસ્ત્ર કરી તાંત્રિક વિધિ કરતો. આ ઉપરાંત આરોપીએ એ પણ દાવો કર્યો હતો કે આ વિધિ દ્વારા તે પૈસાનો વરસાદ પણ કરાવી શકે છે. આરોપીઓએ ફરિયાદીને સૌથી પહેલા દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે લઈ ગયા હતા. ત્યાંથી મહીસાગર જિલ્લાની રાજસ્થાનની બોર્ડર પર આવેલ સંતરામપુર ગામના નજીક આનંદપુરીના ઉમેદપુરા ગામે લઈ ગયા હતા. જ્યાં ફરિયાદી મહિલાને કાળા ગાદલા ઉપર રાખી સુવાડી તેની આંખો બંધ કરી દીધી તેની બાજુમાં દીવો અને ચુંદડીના સામાન રાખી તાંત્રિક વિધિના બહાને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.