હક માટેની લડાઈના 4 કેસ:20 રૂપિયાની ગુલાબજળની તૂટેલી બોટલ બદલી ન આપતાં મહિલાએ 7 હજાર વળતર માગ્યું

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: તેજલ અરવિંદ શુકલ
  • કૉપી લિંક
ગ્રાહક ભવન, અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગ્રાહક ભવન, અમદાવાદ - ફાઇલ તસવીર
  • દૃઢ મનોબળથી લડત આપી પુરવાર કર્યું કે હક નાનો હોય કે મોટો, પણ હક એ હક છે
  • ખરીદીમાં છેતરપિંડી બાદ ગ્રાહક તરીકેના અધિકાર માટે આ લોકો કોર્ટમાં લાંબી લડાઈ લડી રહ્યા છે

હક નાનો હોય કે મોટો, હક એ હક છે, એને કિંમતથી ન આંકી શકાય, પણ એ મેળવવા માટે દૃઢ મનોબળ અને જુસ્સો જરૂરી છે. એક મહિલાએ ખરીદેલી રૂ.20ની ગુલાબ જળની બોટલ તૂટેલી નીકળતાં દુકાનદાર પાસે પૈસા પાછા માગ્યા હતા, પણ તેણે ઇનકાર કરતાં તેમણે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી સાત હજાર વળતર તથા કોર્ટ કેસમાં થયેલો ખર્ચ માગ્યો હતો. આવા જ અન્ય કિસ્સામાં ઓનલાઇન ફોનને બદલે બોક્સમાંથી સાબુ મળતાં, તો ચોલી ડ્રેસમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતાં ડિઝાઇનર સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઈ છે.

કિસ્સો 1 - બોટલનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં દુકાનદારે ન બદલી આપ્યું
જન્માષ્ટમીએ મંજરી પટેલે ગુલાબજ‌ળની બોટલ ખરીદી હતી. ઘરે જઈ તપાસતાં બોટલનું ઢાંકણું ખુલ્લું હતું અને એમાં 20 મિલી જળ હતું. તેઓ તરત જ બોટલ લઈ પાછા ગયા, પરંતુ દુકાનદારે બોટલ પાછી લેવા કે પૈસા આપવા ઇનકાર કર્યો હતો. છેવટે મંજરીબેને ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું કે, રૂ.20નો સવાલ નથી, પરંતુ છેતરપિંડી સામે વિરોધ છે. કેસ દાખલ કર્યો ત્યારે એના માટે રજૂ કરેલા પુરાવા માટે અને વકીલની ફી પેટે 7 હજાર ખર્ચ થયો છે.

કિસ્સો 2 - મોબાઈલને બદલે 4 સાબુ છતાં કંપનીએ જવાબ ન આપ્યો
નારણપુરાના હર્ષિલ શાહે ડિસ્કાઉન્ટથી મોબાઇલની ઓનલાઇન ખરીદી કરી હતી. એમઆઈનો રેડમી નોટ 11 મગાવ્યો હતો, જેની કિંમત રૂ.13,500 હતી. એમાંથી તેમને 1 હજારનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. હર્ષિલ શાહે નેટબેકિંગથી રૂ. 12,500 ચૂકવ્યા હતા. ડિલિવરી બોય બોક્સ આપીને ગયા પછી બોક્સ ખોલતાં એમાંથી 4 સાબુ નીકળ્યા હતા. કંપનીને અનેક ફોન કર્યા, પણ ફોન નહીં મળતાં આખરે તેમણે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે.

કિસ્સો 3 - હલકી ગુણવત્તાની ચોલી આવી જતાં 70 હજાર વળતર માગ્યું
સંબંધીના લગ્ન માટે વિદેશથી અમદાવાદ આવેલી શાલિનીએ ચોલી ડ્રેસની પેટર્ન મુંબઈના ડિઝાઇનર પાસે દોરાવી હતી. એ માટે તેમણે 10 હજાર વાપર્યા હતા. ચોલી ડ્રેસમાં ફ્યુઝન વર્ઝન હોવાથી કેટલીક એમ્બ્રોઇડરી કલરફુલ થ્રેડ અને કેટલાક થ્રેડ ગોલ્ડના વાપરવા શાલિનીએ જાતે ખરીદી આપ્યા હતા. ડિઝાઇનરે ચોલી બનાવવા 60 હજાર નક્કી કર્યા હતા, પરંતુ પેટર્ન અલગ હતી અને મટીરિયલ પણ હલકી ગુણવત્તાનું હોવાથી 72 હજારનું વળતર માગ્યું છે.

કિસ્સો 4 - રિક્લાઇનર ચેરમાંથી ભૂસું નીકળતાં દુકાનદાર સામે કેસ
અમદાવાદના બ્રાન્ડેડ ફર્નિચરની દુકાનમાંથી ખરીદેલી 16 હજારની રિક્લાઇનર ચેરમાંથી બે દિવસમાં ભૂસું નીકળતાં ઋજુતાબેને ગ્રાહક કોર્ટમાં બમણા વળતરની માગણી કરી છે. ઋજુતાબેન તેમનાં સાસુને જન્મદિવસમાં ગિફ્ટ આપવા 16 હજારની કિંમતની રિક્લાઇનર ચેર ખરીદી હતી પણ એમાંથી ભૂસું પડવા લાગ્યું હતું. 5 વર્ષની વોરંટી છતાં દુકાનદારે વેચલો માલ પાછો લેવામાં નહીં આવે, કહી ચેર બદલી આપવાની ના પાડતાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...