અમદાવાદમાં યુવાનો સાથે કેજરીવાલનો સંવાદ:મહિલાએ રડતાં રડતાં કેજરીવાલને કહ્યું- અમે નોકરીની માંગ કોને કરીએ; સર પ્લીઝ, મારા ભાઈને નોકરી અપાવી દો

અમદાવાદ2 મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય નેતાઓ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન આજે એક દિવસની ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે નરોડા ચિલોડા હાઈવે પર યુવાનો સાથે શિક્ષણ અને સંવાદ કર્યો હતો.

સર પ્લીઝ રિકવેસ્ટ છે તમે અમને એક નોકરી અપાવી દો
યુવાનો સાથે શિક્ષણ અને રોજગાર સંવાદ વખતે એક મહિલાએ પોતાના ભાઈની નોકરી માટે રડતાં રડતાં રજૂઆત કરી હતી કે, અમે સચિવાલય જઈએ છીએ તો પોલીસવાળા અમને ડંડા મારે છે. કોઈ અમારા પર ધ્યાન આપતું નથી. અમે નોકરીની માંગ કોને કરીએ. સર પ્લીઝ મારા ભાઈને નોકરી અપાવી દો. GSRTC માં 13 વર્ષથી વારસદાર નોકરીમાં રાહ જોઈ રહ્યા છીએ. તેમને નોકરી મળતી નથી. મારી માતા અને મારો ભાઈ મજૂરી કરે છે. અમે અમારી માંગ કોની પાસે લઈ જઈએ. સર પ્લીઝ રિક્વેસ્ટ છે તમે અમને એક નોકરી અપાવી દો...

મારું દિલ પીગળી ગયું: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જે રીતે મહિલાએ રડતાં રડતાં રજૂઆત કરી છે કે મારું દિલ પીગળી ગયું છે. યુવાનોએ રડવાનું નથી. હું હમણાં ગુજરાત આવ્યો ત્યારે એરપોર્ટ પર કેટલાક ભાજપના છોકરાઓએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. નારા લગાવો-મારી ના નથી, પણ હું રોજગારી તમને પણ આપીશ.

આ લોકો મારી મજાક ઉડાવે છે કે ક્યાંથી રોજગારી આપશો: કેજરીવાલ
આ લોકોએ એટલી ચોરીઓ કરી છે કે આ બંને પાર્ટીના નેતાઓની પ્રોપર્ટી વેચાઈ જાય તો ગુજરાતનું દેવું ભરાઇ જાય. સરકારમાં પૈસાની અછત નથી. સ્વિસ બેકમાં પૈસા અને પ્રોપર્ટી છે. ગુજરાતમાં એક શિક્ષક જ અનેક વર્ગમાં ભણાવે છે. લાખો ભરતી જ સ્કૂલમાં થશે. ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલીશું. જેમાં 5 લોકોનો સ્ટાફ જોઈએ તો 1 લાખ જ ભરતી થઈ ગઈ. હોસ્પિટલો બનાવવાની છે જેમાં ભરતી થશે તો લોકોને રોજગારી જ મળશે અને હવે આ લોકો મારી મજાક ઉડાવે છે કે ક્યાંથી રોજગારી આપશો.

અરવિંદ કેજરીવાલે યુવાનો સાથે શિક્ષણ અને સંવાદ કર્યો
અરવિંદ કેજરીવાલે યુવાનો સાથે શિક્ષણ અને સંવાદ કર્યો

ગુજરાતમાં પેપર લીક થાય અને રેડ દિલ્હીમાં પડે
ગુજરાતમાં કુલ 31 કૌભાંડ થયાં છે જેમાં 21 પેપર ફૂટ્યાં છે. ગુજરાતમાં પેપર લીક થાય અને CBIની રેડ દિલ્હીમાં શિક્ષણ મંત્રીના ઘરે પડે છે. અહીંયાં અનેક પેપર ફૂટ્યાં, તમે એમનું પેપર ફોડી દો. આટલા પેપર ફૂટ્યાં પણ કોઈ નેતા જેલમાં ગયા? અમારી સરકાર આવી તો 2015 પેપર ફૂટ્યાં છે એમાં સામેલ નેતાઓને જેલમાં મોકલીશું.

આજે હું ભરતી કેલેન્ડર જાહેર કરું છું: કેજરીવાલ
આજે હું ભરતી કેલેન્ડર જાહેર કરું છું. ડિસેમ્બરમાં સરકાર બનશે. ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા, એપ્રિલમાં પરિણામ અને પત્ર, મે મહિનામાં TAT અને TAT 3 ની પરીક્ષા, જુલાઈમાં પરિણામ, જુલાઈમાં શિક્ષકોને સરકારી કર્મચારીને પૂછીશું કે કયા જિલ્લામાં જવા માંગો છો. દરેક બાબતોનું વેઇટિંગ લિસ્ટ બનશે. ઓગસ્ટમાં શિક્ષકોની ભરતી અને ઓક્ટોબરમાં નિમણૂક કરશું. PSI ની નવેમ્બરમાં પરીક્ષા અને ડિસેમ્બરમાં પોસ્ટિંગ કરશું. વેઇટિંગ લિસ્ટ બનાવીશું. એક વર્ષ માટે માન્ય હશે. જેમાંથી ભરતી કરીશું પહેલા સિનિયર પોસ્ટ ભરીશું પછી જુનિયર પોસ્ટ ભરીશું. સરકારી પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓનું બસભાડું પણ ફ્રી કરીશું.

ભાજપ માત્ર બોલે છે પરંતુ સાંભળતા નથી: ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, અમે ભાષણ નહીં, લોકો સાથે વાત કરીએ છીએ. અમે માત્ર બોલતા નથી સાંભળીએ પણ છીએ. ભાજપ માત્ર બોલે છે પરંતુ સાંભળતા નથી. સમસ્યાઓનો ઉકેલ જ નથી લાવતા. દેશના યુવાનોમાં બહુ ઊર્જા છે. 65 ટકા યુવાનો છે. આ ઊર્જાનો ખરાબ ઉપયોગ થયો તો નુકસાનકારક છે. યુવાનો પોતે જ સિસ્ટમ બદલો અને તેમાં બેસો. આમ આદમી પાર્ટી યુવાનોને ધારાસભ્ય બનવાની તક આપે છે. યુવાનો ટેલેન્ટેડ અને ઇન્ટેલિજન્ટ છે. શિક્ષણમાં ક્રાંતિ આવી છે. પહેલીવાર થયું છે કે, અમિત શાહ સ્કૂલનું ઉદ્ધાટન કરવા ગયા છે. હવે કામની રાજનીતિ પર જ મત આપવામાં આવશે અને જે દિલ્હીથી શરૂ થયું છે.

માત્ર ઝાડુનું બટન દબાવી ક્રાંતિ આવી જશે: ભગવંત માન
અમે 20,000 થી વધુ નવી ભરતી કરી છે. રોજ નિમણૂક પત્ર આપીએ છીએ. પંજાબમાં અમે જીતેલા ધારાસભ્યોને પેન્શન મળતું હતું. અમે કાયદો લાવ્યા એક ધારાસભ્ય એક પેન્શન કરી દીધું. યુવાનોને ભગતસિંહના પગલે ચાલવાનું છે. માત્ર ઝાડુનું બટન દબાવી ક્રાંતિ આવી જશે. એવીએમ મશીનનું બટન તમારા ભવિષ્યનું બટન છે. ગુજરાત મોડેલ સારું હોત તો એરપોર્ટથી કોઈ વિદેશના પ્રધાનમંત્રી આવે તો દીવાલો ના બનાવવી પડતી.

સમય આમ આદમી પાર્ટીનો છે: ભગવંત માન
આ લોકોમાં અહંકાર આવી ગયો છે. 27 વર્ષ થયાં છે હવે સમય પ્રમાણે ચાલો. સમય આમ આદમી પાર્ટીનો છે. દેશને નંબર 1 બનાવવાનો સમય છે. પંજાબમાં પણ યુવાનો અમારી સાથે જ છે. ભાજપ તો ખરીદી લે છે. MLA ખરીદવાની આદત પડી ગઇ છે. દિલ્હીમાં પણ પ્રયત્ન કર્યો પણ ન થયું. પંજાબમાં પણ ન કરી શક્યા. આમ આદમી ભ્રષ્ટાચારી નથી. દરેક જગ્યાએ ટેક્સ છે તો ખજાનો કેમ ખાલી થઈ જાય છે? જ્યાં અરવિંદ કેજરીવાલની સભા હોય ત્યાં બુલડોઝર ફેરવી દે છે. તમે સભા કરો ત્યાં લોકો નથી આવતા તો અમે શું કરીએ. તમે તમારી સભા કરો અમને અમારી કરવા દો. અમે આમ આદમી પાર્ટી છીએ. તમે તો ગુજરાતમાંથી જવાના છો તો અચ્છે દિન કબ આયેગે.

યુવાનો સાથે સંવાદ બાદ તેઓ નવા નરોડા ખાતે મેવાડા પાર્ટી પ્લોટમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે બપોરે સંવાદ કરશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે શાહીબાગના પ્રીતમનગર ખાતે તેઓ સફાઈ કર્મીઓ સાથે સંવાદ કરી સાંજે 6:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...