ગુજરાતમાં લવ જેહાદના પહેલા કેસમાં ટ્વિસ્ટ:યુવતીએ પહેલાં કહ્યું- વિધર્મી પતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, હવે લવ જેહાદની FIR રદ કરવા હાઈકોર્ટમાં અરજી

અમદાવાદ2 વર્ષ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ પત્ની એ જ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી
  • વડોદરા કોર્ટે જામીન નામંજૂર કરતા પત્નીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

ગુજરાત રાજ્યમાં 15 જૂનથી લવ જેહાદના કાયદાનો અમલ શરૂ થતાની સાથે જ વડોદરામાં 17 જૂને આ કાયદા અંતર્ગત પ્રથમ FIR(ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ) નોંધાઇ હતી. જો કે હવે આ FIRને રદ કરી પતિને જામીન મળે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દે સુનાવણી થશે.

વડોદરામાં રહેતી એક યુવતીએ 17 જૂને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી તેની સાથે સોશિયલ મીડિયા ઉપર મૈત્રી બાંધી હતી. પહેલા મિત્ર તરીકે તેની સાથે સંબંધ જોડી, બાદમાં લગ્ન કર્યા હતા. તેણે FIRમાં નોંધાવ્યું છે કે ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન એમન્ડમેન્ટ એક્ટ અંતર્ગત તેના પતિ, તેમના માતા-પિતા, કાઝી સહિત અન્ય બે સાક્ષીઓની નોંધણી કરવામાં આવી છે.

ફરિયાદ કરી ત્યારે પત્નીએ કહ્યું હતું-પતિએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું
યુવતીએ લવ જેહાદની ફરિયાદ કરી ત્યારે વડોદરાના ઝોન-2ના DCP જયવીરસિહ વાળાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રહેતા યુવકે માર્ટિન સેમ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે, એવું જણાવી વિશ્વાસ કેળવીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તેણે યુવતીની જાણબહાર તેના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા.

વાંચો, લવ જેહાદના પહેલા કેસની તમામ વિગતોઃ વિધર્મી યુવાને ખ્રિસ્તી નામ ધારણ કરીને હિન્દુ યુવતીને ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું

FIRમાં પત્નીએ ધર્મપરિવર્તન માટે દબાણ કર્યાનો આક્ષેપ કર્યો હતો
વધુમાં તેણે લગ્ન બાદ ફરજીયાત ધર્મપરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. જોકે FIRના બે અઠવાડિયા બાદ જ તેની પત્નીએ વડોદરાની કોર્ટમાં પતિના જામીન માટે સોગંદનામુ કર્યું હતું. જોકે FIRમાં લગાવવામાં આવેલા આરોપોને જોતા વડોદરા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન અમેન્ડમેન્ટ એકટ જે સામાન્ય રીતે લવ જેહાદના કાયદા તરીકે ઓળખાય છે તે અંતર્ગત 17 જૂને નોંધાયેલો આ પ્રથમ કેસ છે .

ગુજરાતમાં લવ-જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો
ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ-જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવશે અને એ હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

5 વર્ષ સુધીની સજા અને રૂ. 2 લાખ સુધી દંડની જોગવાઈ
ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઈ છે.