લીંબુની આવક થતા હોલસેલ માર્કેટમાં લીંબુના ભાવ ઘટીને રૂ. 80થી 110 થયા છે પરંતુ છૂટક બજારમાં વેપારીઓ પ્રતિકિલો રૂ. 200થી 250નો ભાવ લઇ રહ્યા છે.
ઉનાળા દરમિયાન છાશવારે લીંબુના ભાવ એકાએક વધી જાય છે. તાજેતરમાં જ લીંબુના ભાવ ઉછળીને કિલોએ રૂ.400એ પહોંચી ગયા હતા. મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રમાંથી લીંબુની આવક થતી હોય છે. પરંતુ ગત વર્ષે વાવાઝોડાને કારણે 40 ટકા સુધી ઝાડ પડી જતાં લીંબુની આવક પર અસર થઈ હતી. જમાલપુર એપીએમસીમાં લીંબુની આવકમાં વધારો થતાં સોમવારે લીંબુ પ્રતિકિલો ભાવ રૂ. 80થી 110 બોલાયો હતો. જો કે, છૂટક વેપારીઓ હજુ પણ લીંબુના રૂ.200થી 250 વસૂલ કરે છે. છૂટક વેપારીઓ ઉપર સરકારનો અંકુશ ન હોવાથી ગૃહિણીઓ પાસે છૂટક વેપારીઓ મનફાવે ભાવ વસૂલ કરી રહ્યાં છે.
ગત વર્ષે વાવાઝોડાથી લીંબુના પાકને ભારે નુકસાન થવા ઉપરાંત લીંબુની જે આવક થતી હતી હોય છે તેના લગભગ 50 ટકા સોફ્ટ ડ્રીંક બનાવતી કંપનીઓમાં જતી હોવાથી પણ બજારમાં લીંબુની અછત સર્જાય છે. આ અછતની સીધી અસર ભાવ પર પડતી હોય છે. ખાસ કરીને ઉનાળામાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે. ગરમીની સિઝનમાં સોફ્ટ ડ્રીંકનો વપરાશ પણ વધુ હોવાથી એકંદરે લીંબુ શોર્ટ સપ્લાયમાં રહે છે. તાજેતરમાં લીંબુ કિલોએ રૂ.400 પહોંચી જતાં ઘરની થાળી ઉપરાંત હોટેલ-રેસ્ટોરાંએ પણ લીંબુ આપવાના બંધ કરી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.