ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દરેક પક્ષોએ તેમના ઉમેદવારીની યાદી જાહેર કરી દીધી છે. જેને પગલે ક્યાંય ખુશી તો ક્યાંય ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ જયારે ટિકિટ માટે ખેંચતાણ થઈ રહી છે ત્યારે સ્પષ્ટ પણે ધારાસભ્યનું પદ નેતાઓ માટે કેટલું મહત્વને છે તે નિહાળી શકાય છે. અને તેમાંય ચૂંટણી જીત્યા બાદ નેતાઓને શું ફાયદો થાય છે એ પણ જાણવા જેવું છે. ગુજરાતની ગત બે વિધાનસભાની ચૂંટણી પર નજર કરીએ તો વર્ષ 2012ની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા બાદ 2017માં ફરી ઉમેદવારી નોંધાવનાર 121 નેતાઓની મિલકત 39% વધારો થયો છે. તેમાંય દરેક વ્યક્તિની મિલકતમાં સરેરાશ રૂ.2.97 કરોડનો વધારો નોંધાયો છે. 2012માં 121 ઉમેદવારની એવરેજ મિલકત 7.56 કરોડ હતી અમે 2017માં 121 ઉમેદવારની એવરેજ મિલકત વધીને 10.54 કરોડ થઈ હતી.
2012થી 2017 સુધી વધેલી મિલકત
પક્ષ | ઉમેદવાર | 2017 | 2012 | મિલકતમાં વધારો |
ભાજપ | 81 | 10.69 કરોડ | 6.82 કરોડ | 3.87 કરોડ |
કોંગ્રેસ | 37 | 10.12 કરોડ | 8.88 કરોડ | 1.23 કરોડ |
NCP | 2 | 16.4 કરોડ | 15.61 કરોડ | 43 લાખ |
ભારતીય ટ્રાયબલ પાર્ટી | 1 | 2.24 કરોડ | 2.70 કરોડ | 46.56 લાખનો ઘટાડો |
ભાજપના ઉમેવારની મિલકતમાં એવરેજ 3 કરોડ 87 લાખ ,જ્યારે કોંગ્રેસના ઉમેદવારની મિલકતમાં અંદાજિત 1 કરોડ 23 લાખ જેટલો વધારો થયો છે. તો NCPના ઉમેદવારની મિલકતમાં 43 લાખનો વધારો થયો છે.
ભાજપના આ ઉમેદવારોની મિલકતમાં વધારો થયો
2012થી 2017માં ચૂંટણી લડેલા ઉમેદવારો પર નજર કરીએ તો જેમની મિલકતમાં વધારે થયો હોય તેવા ઉમેદવાર ભાજપ સાથે સંકળાયેલ છે. 2012માં અકોટા અને અને 2017માં બોટાદથી ચૂંટણી લડનાર સૌરભ પટેલની મિલકત 2012માં 56 કરોડ હતી. જેમાં 2017માં 67 કરોડનો વધારો થઈને 123 કરોડ પર પહોંચી છે. જયારે દ્વારકાના પબુભા માણેકની 2012માં મિલકત 31 કરોડ હતી જેમાં 56 કરોડનો વધારો થતા 2017માં 88 કરોડ થઈ હતી. જયારે પાદરાથી ચૂંટણી લડનાર દિનેશ પટેલની મિલકતમાં 2012થી 2017 સુધીમાં રૂ.21 કરોડનો વધારો થયો છે
ઇન્દ્રનીલ રાજ્યગુરુની મિલકતમાં ધરખમ વધારો
કોંગ્રેસના ઉમેદવારો પર નજર કરીએ તો રાજકોટ ઇસ્ટ અને વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુની મિલકત 2012માં રૂ.122 કરોડ હતી. જેમાં રૂ.18 કરોડનો વધારો થતા 2017માં રૂ.141 કરોડ પર પહોંચી હતી. કલોલથી ઉમેદવાર બળદેવજી ઠાકોરની મિલકત 2012માં 17 કરોડ હતી જે 2017માં રૂ.24 કરોડ થઈ હતી.પાલનપુરથી ચૂંટણી લડનાર મહેશકુમાર પટેલ ની મિલકત 2012માં રૂ.7 કરોડ હતી જેમાં 5 વર્ષમાં 3 કરોડ વધારો થતા મિલકત રૂ.10 કરોડ સુધી પહોંચી હતી.
આ નેતાઓની મિલકતમાં ઘટાડો થયો
જોકે કેટાલક એવા નેતાઓ પણ છે કે જેમની મિલકત ચૂંટણી લડયા પછી ઘટી છે. આવા ઉમેદવાર પર નજર કરીયે તો પેટલાદથી કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની મિલકત 2012માં રૂ.3 કરોડ હતી જે ઘટીને 2017માં રૂ.58 લાખ થઈ હતી એટલે કે તેમની મિલકતમાં રૂ.2 કરોડ 92 લાખ જેટલો ઘટાડો થયો હતો. બીજી બાજુ જામનગર ગ્રામ્યથી ચૂંટણી લડનાર ધારાસભ્ય મૂંગરા રાઘવજીની મિલકતમાં 50 ટકા ઘટાડો થયો હતો એટલે કે તેમની મિલકત 2017માં રૂ.4 કરોડ હતી તે ઘટીને 2107માં રૂ.2 કરોડ થયી હતી
5 વર્ષમાં 2 ટકાથી લઈને 120 ટકા સુધીનો વધારો
આમ મોટા ભાગના નેતાઓને ચૂંટણી લડી ધારાસભ્ય બની ધનવૃદ્ધિ કરતા હોય તેવું સામે આવ્યું હતું. કારણ કે એક વાર ધારાસભ્ય બની જાય ત્યાર બાદ તેમની મિલકત 5 વર્ષમાં અચાનક વધારો થયો હોય તેવું જોવા મળ્યું છે. ભાજપ,કોંગ્રેસ અને NCP સહિતના પક્ષોના 2012માં ધારાસભ્ય બન્યા બાદ 2017માં જયારે તેમણે ફરી ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી ત્યારે તેની મિલકતમાં 2 ટકાથી લઈને 119 ટકાનો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.