સોસાયટીના કારોબારીના સભ્યો સાથેના મેન્ટેનન્સના વિવાદમાં કારોબારીના સભ્યોએ બોડકદેવના મહિલા કોર્પોરેટરના મકાનનું પાણીનું કનેકશન કાપી નાખ્યંુ હતું. ભાડૂતને પાણી વગર તકલીફ પડતી હોવાથી મહિલા કોર્પોરેટર પ્લમ્બરને લઈને મ્યુનિ.કોર્પો.ની લાઈનમાંથી પાણીનું જોડાણ અપાવવા સોસાયટીમાં ગયા હતા. ત્યારે કારોબારીના સભ્યો સાથે બોલાચાલી થતા વૃદ્ધ ખજાનચીએ કોર્પોરેટરની બહેન સાથે ઝપાઝપી કરતા કોર્પોરેટરના બહેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બોપલમાં રહેતા વાસંતીબહેન નરેન્દ્રભાઈ પટેલ(54) 7 વર્ષથી બોડકદેવ વિસ્તારના ભાજપના કોર્પોરેટર છે. તેમનું મકાન બોડકદેવ જજીસ બંગલા પાસેના અમ્રપાલી એપાર્ટમેન્ટમાં આવેલુ છે. જે ભાડેથી આપેલુ છે, જો કે વાસંતીબહેનને સોસાયટીના કારોબારીના સભ્યો સાથે મેન્ટેનન્સ બાબતે 4 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. જે અંગે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો.
11 એપ્રિલે સોસાયટીના કારોબારીના સભ્યોએ વાસંતીબહેનના મકાનનું પાણીનું કનેકશન કાપી નાખ્યુ હતુ. 12 એપ્રિલે સવારે 11 વાગ્યે વાસંતીબહેન અને તેમના બહેન અમિતાબહેન ઘનશ્યામભાઈ પટેલ સાથે આમ્રપાલી એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા, જ્યાં મ્યુનિ.કોર્પો.ની લાઈનમાંથી તેમના મકાનમાં પાણીનું કનેકશન આપી શકાય કે નહીં તે ચેક કરવા માટે પ્લમ્બરને સાથે લઈ ગયા હતા. જેની જાણ થતા સોસાયટીના ખજાનચી પ્રહલાદભાઈ પૂંજારામ પટેલ (71) ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે વાસંતીબહેન અને અમિતાબહેન સાથે ઝગડો કર્યો હતો. જેમાં પ્રહલાદભાઈએ અમિતાબહેન સાથે ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી.
વાસંતીબેને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ આવી હતી આ અંગે અમિતાબહેન પટેલ (કલગી એપાર્ટમેન્ટ, બોડકદેવ)એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
કનેકશન માટે પ્લમ્બરને લઈને ગયા હતા
કારોબારીના સભ્યો સાથે મારે 4 વર્ષથી મેન્ટેનન્સ સહિતની બાબતોનો વિવાદ ચાલી રહ્યો છે. જે બાબતે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. તેમ છતાં કારોબારીના સભ્યોએ 11મી એ મારા ફલેટનું પાણીનું કનેકશન કાપી નાખ્યું હતું. જેથી હું પાણીનું કનેક્શન આપી શકાય કે નહીં તે ચેક કરવા માટે સાથે પ્લબરને લઈને ગઈ હતી. - વાસંતીબહેન પટેલ, કોર્પોરેટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.