તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવાસ ફેલાઈ:ગુજરાતના અગરબત્તી ઉદ્યોગનું ટર્નઓવર 200 કરોડે આંબી જશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજનું 1.25 લાખ ટન ઉત્પાદન કરતાં ઉદ્યોગમાં 500થી વધુ એકમો

ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી કોરોના ક્રાઇસિસ, લોકડાઉન, સ્લોડાઉન અને પ્રોડક્શન બંધની સ્થિતિ વચ્ચે પણ ગુજરાતનો અગરબત્તી ઉદ્યોગ વર્ષના અંતે રૂ. 200 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનો આશાવાદ ધરાવે છે. ખાસ કરીને સરકારે 31 ઓગસ્ટ-2019થી આયાત ઉપર મૂકેલા પ્રતિબંધના કારણે અગરબત્તી ઉદ્યોગને સ્થાનિક માર્કેટમાં નડતી હરીફાઇ ઘટતાં લોકલ ડિમાન્ડનો લાભ મળી રહ્યો છે.

દિવાળી પછી થોડી સ્લોડાઉનની સ્થિતિ છતાં બહારથી આવતી અગરબત્તી ઉપર પ્રતિબંધના કારણે સ્થાનિક એકમોને ઘણો ફાયદો થયો છે. સાથે સાથે નજીવા મૂડીરોકાણ સાથે આ ધંધામાં ઝંપલાવી શકાતું હોવાથી કોરોના કારણે અન્ય વેપાર- ધંધા બંધ થવાના કારણે અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં યુનિટોની સંખ્યા વધી રહી હોવાનું ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશનના ડિરેક્ટર અને આરસી ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર વિરાજ શાહે જણાવ્યું હતું. શાહના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલમાં 450-500 રજિસ્ટર્ડ અગરબત્તી ઉત્પાદકો છે. જ્યારે અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં આશરે 1500થી વધુ એકમો હોવાનો અંદાજ છે. આ ઇન્ડસ્ટ્રી આશરે 40 હજાર રોજગારી પૂરી પાડી રહ્યો છે. ગુજરાતમાંથી જોકે નિકાસો નહિંવત્ થતી હોવાનું વિરાજ શાહે જણાવ્યું હતું.

ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસો.ના પ્રેસિડેન્ડ અર્જૂન રંગાના જણાવ્યા મુજબ સુગંધ, ઉત્કૃષ્ટ ગુણવત્તા-પેકેજિંગથી ભારતીય અગરબત્તી ઉદ્યોગે વિશ્વમાં આગવું સ્થાન ઊભું કર્યું છે. અને આપણો દેશ ફ્રેગ્રન્ટ એમ્બેસેડર ગણાય છે. યોગા અને આયુર્વેદ વધારે પ્રચલિત થવાની સાથે ધ્યાન અને સુખાકારી માટે ભારતીય અગરબત્તીની પસંદગીમાં વધારો થયો છે.

કોફી, ચોકલેટ, ગ્રીન ટી, ફ્રૂટી ફ્રેગ્રન્સની અગરબત્તીની સતત વધતી ડિમાન્ડ
ઉપભોક્તાઓ કોફી, ચોકલેટ, ગ્રીન ટી, ફ્રૂટી ફ્રેગ્રન્સ જેવી વિવિધ સુગંધ ધરાવતી અગરબત્તી વધારે પસંદ કરી રહ્યાં છે. એની સાથે સાથે ચંદન અને ભારતીય જેસ્મિન જેવી પરંપરાગત સુગંધ ધરાવતી અગરબત્તીઓનું ચલણ પણ વધી રહ્યું છે. સુખાકારી અને શાંતિ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરે એવી અગરબત્તીઓ અને અન્ય ઉત્પાદનોની માગ છે.

જ્યારે મધ્ય પૂર્વમાં પરંપરાગત અને મિશ્ર સુગંધો વધારે પસંદ છે, ત્યારે દક્ષિણ અમેરિકામાં વેનિલા અને ઓરેન્જ જેવી સુગંધ ધરાવતા અગરબત્તીઓની માગ વધારે છે. યુરોપમાં લવેન્ડર અને જસ્મિન જેવી ફૂલોની સુગંધ ધરાવતી અગરબત્તીઓની માગ છે. સામ્બ્રાની, કોન અને ડ્રાય ધૂપ જેવા અગરબત્તીના વિવિધ પરંપરાગત સ્વરૂપો પણ અમેરીકા અને દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં નિકાસમાં વધુ લોકપ્રિય થઈ રહ્યાં છે.

દેશમાંથી 150થી વધુ દેશોમાં સરેરાશ રૂ. 350 કરોડની નિકાસ થવા અંદાજ
દેશનો અગરબત્તી ઉદ્યોગ 10 મહિનામાં જ 5 ટકાની વૃદ્ધિ સાથે ગયા વર્ષની નિકાસ કરવા સક્ષમ હોવાનું ઓલ ઇન્ડિયા અગરબત્તી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIAMA)ના પ્રેસિડેન્ડ અર્જૂન રંગાએ જણાવ્યું છે. AIAMAના જણાવ્યા મુજબ, ઉદ્યોગો એપ્રિલથી સપ્ટેમ્બર, 2020ના સમયગાળા દરમિયાન નિકાસમાંથી રૂ. 350 કરોડની આવક કરી હતી અને ચાલુ વર્ષના પ્રથમ 10 મહિનામાં ગયા વર્ષ જેટલી આવક કરશે એવી અપેક્ષા ધરાવે છે.

અગરબત્તી અને સંબંધિત ઉત્પાદનો માટે નિકાસના મુખ્ય બજારો અમેરિકા, બ્રિટન, મલેશિયા અને નાઇજીરિયા છે. ભારત 150થી વધુ દેશોમાં નિકાસ ધરાવે છે અને આ સેગમેન્ટમાં આંતરરાષ્ટ્રીય કોઇ હરીફાઇ પણ નથી. ભારતીય અરગરબત્તી ઉદ્યોગ આશરે 3.6 ટકાના સીએજીઆર સાથે વિકસી રહ્યો છે. ભારતભરમાં અગરબત્તીનાં 700થી વધારે ઉત્પાદકો છે, જેઓ AIAMAનાં આજીવન સભ્યો છે.

અન્ય સમાચારો પણ છે...