તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધન્વંતરિમાં વેઈટિંગ જ વેઈટિંગ:70 વર્ષના દાદીને ઓક્સિજનની જરૂર છે, પણ અહીં ટોકન સિસ્ટમ હોવાથી રખડી રહ્યા છીએ, કોઈ જવાબ આપતું નથી: દર્દીના સગા

અમદાવાદ3 મહિનો પહેલા
  • એડિમિશન ફોર્મ માટે સવારે 8થી 9 વાગ્યા સુધીમાં હોસ્પિટલની બહારથી લેવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી

GMDC ખાતે આવેલા ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી શરૂ થયેલી 900 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે 8થી 9 વાગ્યા સુધીમાં હોસ્પિટલની બહારથી લેવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. આજે ગુરુવારે વહેલી સવારથી DRDO હોસ્પિટલની બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે.

3 દિવસથી દર્દીને દાખલ કરવા હોસ્પિટલના ફરી રહ્યો છું: સગા
દિનેશભાઇ નામના દર્દીના સગાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મકરબા વિસ્તારમાંથી 70 વર્ષનાં વૃદ્ધાને દાખલ કરવા માટે લઈને આવ્યાં છે. ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ થવા માટે અલગ-અલગ જગ્યાએ ફરી રહ્યા છે. GMDC ખાતે હોસ્પિટલ શરૂ થઈ હોવાની જાણ થઈ હતી, પરંતુ અહીં ટોકન સિસ્ટમ હોવાને કારણે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને વૃદ્ધાને ઓક્સિજનની જરૂર છે ત્યારે અહીં કોઈ સરખો જવાબ મળતો નથી.

GMDC ખાતે હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ દર્દીઓની ભીડ જામે છે
GMDC ખાતે હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ દર્દીઓની ભીડ જામે છે

ટોકન સિસ્ટમથી અનેક દર્દીઓનાં સગાં પાછાં ગયાં
ટોકન સિસ્ટમને કારણે લોકોમાં ભારે રોષ છે. એક તરફ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને એડમિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે, પરંતુ આ હોસ્પિટલમાં એડમિટ થવા દર્દીએ પહેલા ફોર્મ ભરવાનાં પછી ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે તેમને અંદર લઇને આવવાનું રહેશે. આ ટોકન સિસ્ટમને કારણે અનેક દર્દીઓનાં સગાંને આજે પાછું જવું પડ્યું હતું. આજે માત્ર 125 જ ટોકન આપવામાં આવ્યાં હતાં.

દર્દીનું ઓક્સિજન 92%થી ઓછું છતાં ટોકન વગર દાખલ નહીં કરાય
ગંભીર દર્દીઓ, જેમનું કોરોનાની અસરને કારણે ઓક્સિજન લેવલ 92%થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે, એમ જણાવાયું હતું, પરંતુ જે ટોકન સિસ્ટમ છે એ મુજબ જ હોસ્પિટલમાં દર્દીઓને લેવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં જેટલાં બેડ પ્રવેશપાત્ર હોય એટલાં જ ટોકન ફાળવવામાં આવશે.

ગંભીર દર્દીઓની સારવાર માટેનાં ખાલી બેડની સંખ્યા પણ ડિસ્પ્લે કરવામાં આવી હતી
ગંભીર દર્દીઓની સારવાર માટેનાં ખાલી બેડની સંખ્યા પણ ડિસ્પ્લે કરવામાં આવી હતી

આજે માત્ર 125 દર્દીને જ દાખલ કરાશે
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેનાં ખાલી બેડની સંખ્યા પણ ડિસ્પ્લે કરવામાં આવી હતી, જેમાં 125 બેડ આજે ગુરુવારે ખાલી હોવાનું ડિસ્પ્લે પર દર્શાવ્યું છે અને 125 જ ટોકન આજે આપવામાં આવ્યાં છે. એ મુજબ આજે માત્ર 125 દર્દીને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

900 બેડની હોસ્પિટલમાં સ્ટાફની ભરતી
કોરોનાના કેસ વધતા DRDOના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન હોલ ખાતે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ત્યારે હોસ્પિટલમાં સ્ટાફની અછત માટે 140 જગ્યાઓ પર વોલ્ક ઈન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. 3થી 6 માસના કરાર આધારિત હંગામી ધોરણે ફિક્સ વેતનથી 140 જગ્યાઓ ભરવા આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓને કોવિડમાં ડ્યુટી સોંપવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...