દિવ્ય ભાસ્કર જન અભિયાન:કોરોનાથી ઠપ થઈ ગયેલા વેપાર અને ઉદ્યોગને ફરીથી મજબૂત કરવાનો સમય હવે આવી ગયો છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી ના કદી હાર્યા છે, ના ક્યારેય હાર માનશે

‘જો સમસ્યા છે તો વિશ્વાસ રાખો કે, તેનું સમાધાન પણ હશે જ અને જો કોઈ વસ્તુનું સમાધાન ન હોય તો પછી તે સમસ્યા જ નથી’. કોરોના વિરુદ્ધની લડાઈનું આ જ સૂત્રવાક્ય છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો લગભગ 1 લાખની નજીક પહોંચી ગયો છે. 19 માર્ચથી 30 ઓગસ્ટ,2020 એટલે કે લગભગ 5 મહિનાથી આપણે પોતાનાં તમામ કામ-ધંધા, બિઝનેસ, વેપારને દાવ પર લગાવીને આ મહામારી સામે દરરોજ લડી રહ્યા છીએ. જોકે, હવે સમય આવી ગયો છે, ફરી એક વખત દોડવાનો, પોતાનાં કામને ગતિ આપવાનો. આપણાં બિઝનેસ, આપણાં વેપારને ફરીથી પહેલાં જેવા બનાવવાનો.

આ વિચાર અને સંકલ્પ સાથે જ ‘દિવ્ય ભાસ્કર’ આ જન અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ છે, મનમાં પેસી ગયેલા ડર સામે જીતવાનો અને જે બાબતો કે વસ્તુઓ માટે ગુજરાત ઓળખાય છે, વખણાય છે, ફરીથી આવું જ ગુજરાત બનાવવાનો. ‘દિવ્ય ભાસ્કર’ પ્રત્યેક ગુજરાતી સાથે મળીને આ અભિયાન ચલાવશે. એવું કહેવાય છે કે, વિનાશ જેટલો ઝડપથી થાય છે, ત્યાર પછી વિકાસની ગતિ પણ એટલી જ તેજ હોય છે. આથી, આપણી સામે એક સુંદર તક છે, પોતાના બિઝનેસને, પોતાના વેપારને અને પોતાની જિંદગીને ઝડપથી પાટે ચડાવવાની, તેને ફરી એ જ જૂની ગતિએ દોડાવવાની.

બસ, આપણે મનમાં એક શિસ્ત પેદા કરવાની છે. કોરોનાને નજીક આવતા રોકવાનો છે, તો એક-બીજા સામે આપણે એક ચોક્કસ અંતરના નિયમનું પણ પાલન કરવાનું છે. આ અભિયાનમાં ‘દિવ્ય ભાસ્કર’ એવા પાત્રોના પ્રયાસોને પ્રમુખતા સાથે પ્રકાશિત કરશે, જે પોતાની અનોખી રીતો અને નિયમ-કાયદાનું પાલન કરીને પોતાના બિઝનેસ, વેપાર અને જીવનને પાટા પર લાવી રહ્યા છે. પોતાની સોસાયટીઓ, ઓફિસ, શો રૂમ્સ, દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર) પાલન કરીને, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરીને, હાથને વારંવાર સાબુથી ધોઈને, બહાર ખાવા-પીવામાં સાવચેતી જેવી સામાજિક જવાબદારી નિભાવનારા જ સાચા અર્થમાં કોરોના વિરુદ્ધની આ લડાઈના સાચા સિપાહી છે. પછી તે બિઝનેસમેન હોય, દુકાનદાર હોય, શો રૂમના સંચાલક હોય, સોસાયટીમાં રહેતા લોકો હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય. તેમના પ્રયાસો-ઉપાયોને ‘દિવ્ય ભાસ્કર’ પ્રમુખતા સાથે સૌની સામે લાવશે, જેથી અન્ય લોકોને પ્રેરણા મળે. અમારા અભિયાનનો આ જ ઉદ્દેશ છે. જય જય ગરવી ગુજરાત...

અન્ય સમાચારો પણ છે...