અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ભાઈપુરા વોર્ડમાં આવેલા CTM નજીકના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં એકાએક એપાર્ટમેન્ટમાં ધાબાનો ભાગ ધરાશાયી થઈ જતા લોકો ભયમાં મૂકાયા છે. જર્જરિત બનેલી બિલ્ડીંગમાં અવારનવાર બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. જેના કારણે સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
1987માં ગુજરાત હાઉસિંગ બોર્ડે મકાનો સોંપ્યા હતા
CTM નજીકના એકતા એપાર્ટમેન્ટના બ્લોકમાં ત્રીજા માળના ધાબાનો ભાગ એકાએક ધરાશાયી થયો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડે 1987માં સોંપેલ આ 19 બ્લોકના 456 ઘરોના તમામ ભાગો જર્જરિત બની ચુકયા હોવા છતાં સ્થાનિકો આ જોખમી બની ગયેલા મકાનોમાં ભયના ઓથાર હેઠળ રહેવા મજબુર બન્યા છે. સ્થનિકોઓએ આ અંગેની રજૂઆતો તમામ સ્તરે જનપ્રતિનિધિઓને કરી હોવા છતાં તેનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો.
સ્થાનિકોને જર્જરિત બિલ્ડીંગમાં ન રહેવા નોટિસ અપાઈ
સામાન્ય શ્રમજીવીઓના ગુજરાત હાઉસિંગ બોર્ડના આ એકતા એપાટમેન્ટમાં છાશવારે બિલ્ડિંગનો ભાગ પડવાની ઘટનામાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. એપાર્ટમેન્ટને રિડેવલેપમ્ન્ટની મજૂંરી મળી હોવા છતાં કામ આગળ વધી શક્યુ નથી. હાલમાં કેટલાક લોકો એપાર્ટમેન્ટ ખાલી કરીને જતા રહ્યા છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા પણ લોકોને અહીં ન રહેવા માટે નોટિસ અપાઈ છે.
રીડેવલપમેન્ટનું કામ અટક્યું
સ્થાનિકોનું કહેવું છે કે, સમગ્ર મામલો હપ્તા પરની પેનલ્ટી પર અટક્યો છે. તેમને 30 હજારમાં આ મકાન મળ્યા હતા, પરંતુ પૂરા હપ્તા ન ભરાયા હોવાના કારણે તેના પર ચક્રવૃત્તિ વ્યાજ ચઢતું ગયું. તેઓ હપ્તાની રકમ ભરવા તૈયાર છે. પરંતુ તેના પરનું ચક્રવૃત્તિ વ્યાજ જે 3-4 લાખ રૂપિયાનું થાય છે તે ભરવા તૈયાર નથી. આ માટે તેમણે જનપ્રતિનિધિઓને રજૂઆતો પણ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.