મ્યુનિ. સ્કૂલોમાં વાંચન, ગણન, લેખનમાં નબળા 47 હજાર વિદ્યાર્થીઓને દરરોજ સ્કૂલ સમયથી એક કલાક વધુ ભણાવાયા હતા. શિક્ષકોએ નવેમ્બરથી માર્ચ માસ દરમિયાન વિદ્યાર્થીઓને દરરોજ એક-બે કલાક વધુ અભ્યાસ કરાવીને કુલ ત્રણ લાખ કલાકનો અભ્યાસ કરાવ્યો હતો, જેમાં 47 હજારમાંથી 41 હજાર વિદ્યાર્થીઓને વાંચન, ગણન, લેખન શીખવ્યું હતું. બાકીના 4 હજાર વિદ્યાર્થીઓને સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં શીખવવાની તૈયારી શરૂ કરાઈ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ નવેમ્બર-2022માં કોરોનાને કારણે અભ્યાસમાં પાછળ રહેલાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં હોશિયાર બનાવવા ખાસ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં શિક્ષકોને અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને સ્કૂલ સમય કરતાં એક કલાક વધુ ભણાવવાની સૂચના અપાઈ હતી. શિક્ષકોએ પણ વિશેષ રસ દાખવીને વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી કરતાં વિદ્યાર્થીઓમાં પરિવર્તન જોવા મળ્યું હતું.
નબળા વિદ્યાર્થીઓને એક કલાક વધુ ભણાવવાની સૂચના
આ અભિયાન દરમિયાન દર 20 દિવસે વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવાતી, ત્યાર બાદ અધિકારીઓ, સુપરવાઇઝર દ્વારા વર્ગખંડ દીઠ તપાસ કરાતી, જેને પરિણામે કયા વર્ગમાં કેટલા વિદ્યાર્થીને 5 માર્ક્સ, કેટલાને 7 અને કેટલાને 10થી ઓછા માર્ક્સ મળ્યા છે તેની તપાસ થતી. ત્યાર બાદ ફરી આ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તૈયારી કરાવાતી હતી. વિદ્યાર્થીઓના મોનિટરિંગ બાદ તેઓના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપાતું હતું.
શિક્ષકોએ સ્કૂલે અને વાલીએ ઘરે મહેનત કરાવી
શિક્ષકો સ્કૂલે ભણાવતા, તો વાલીઓ ઘરે મહેનત કરાવતા હતા. ઘણી વાર બાળકોને સ્કૂલેથી છૂટતાં મોડું થાય તો પણ વાલી સ્કૂલમાં રાહ જોતા, વાલીને કોઈ ફરિયાદ નહોતી. શિક્ષકોની સાથે વાલીઓએ પણ બાળકોના અભ્યાસની ગુણવત્તા સુધારવા માટે મહેનત કરી હતી.
શિક્ષકોએ પડકાર પૂરો કર્યો, પરિણામ મળ્યું
કોરોનાને કારણે અભ્યાસમાં જે ઉણપ રહી હતી તેને પૂરી કરવી શિક્ષકો માટે એક પડકાર હતો. 4 હજાર શિક્ષકો દરરોજ એક કલાક આપતા, કુલ 3 લાખ કલાક સ્કૂલ સમય સિવાયના આપી વિદ્યાર્થીઓને હોશિયાર બનાવ્યા. - ડો. એલ. ડી. દેસાઇ, શાસનાધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.