20 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને હાઈકોર્ટના આદેશ છતાં પેન્શન નહીં મળતા કન્ટેમ્પટ પિટિશન કરાઇ છે. 80 વર્ષની ઉંમરના 4 નિવૃત્ત શિક્ષકોએ સરકારના 1994ના પેન્શનના ઠરાવને હાઇકોર્ટમાં પડકાર્યો છે.
તેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, સીંગલ જજે 2001માં પેન્શનની તફાવતી રકમ ચુકવી દેવા આદેશ કર્યો હતો તેમ છતા તેમને તફાવતની રકમ નહી ચુકવાતા કન્ટેમ્પટ પિટીશન કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમ્યાન કોર્ટે એવી ટકોર કરી હતી કે, કોર્ટના હુકમનું પાલન કેમ કરાયું નથી? જાવાબદાર અધિકારી સામે ચાર્જફ્રેમ કેમ ન કરવો? શિક્ષકો સમાજને સુધારવાનું કામ કરે છે તેમને નિવૃત્તિ બાદ પણ રાહ જોવી પડે તે નહી ચાલે. હાઇકોર્ટે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીને રૂબરૂ હાજર રાખ્યા હતા. તેમની સામે ચાર્જફ્રેમની ચીમકીથી અધિકારીએ કોર્ટના હુકમનું પાલન કરવા 7 દિવસનો સમય માગ્યો છે.
હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, શિક્ષકો સમાજના સુધારકો છે તેમના નિવૃત્તિકાળમાં તેમને તેમના હકના નાણાં મળવા જોઇએ. નિવૃત્તિના 20 વર્ષ પછી પણ તેમને સરકારના વિલંબને કારણે કોર્ટમાં ન્યાય માટે રાહ જોવી પડે છે આ કેવી રીતે ચાલે? સુનાવણી દરમિયાન પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી હાજર હતા તેમની સામે ચાર્જફ્રેમની ચીમકી ઉચ્ચારતા તેમણે અમલ કરવા માટે એક સપ્તાહનો સમય માગ્યો હતો. હાઇકોર્ટે સમગ્ર મામલે તેનો આદેશ હોવા છતાં તેનું પાલન કરવામાં ન આવતાં ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
નિવૃત્તિની તારીખની ખોટી ગણતરી કરી લાભ અટકાવાયો
મહેસાણામાં સરકારી પ્રાથમિક સ્કુલમાંથી 20 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા 4 શિક્ષકોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. તમામ શિક્ષકોની ઉમંર હાલ 80 વર્ષ છે તેમણે અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, 1994માં સરકારે કરેલા ઠરાવ મુજબ અન્ય શિક્ષકોને પગારપંચનો લાભ આપવામાં આવ્યો હતો પરતું અરજદારોને તેમાથી બાકાત રાખવામાં આવ્યા હતા. નિવૃત્તિની તારીખોનું ખોટી ગણતરી કરીને સરકારે તમને લાભ આપ્યો નથી. આ અંગે સીંગલ જજ સામે અરજી કરાઇ હતી. સિંગલ જજે નવા પગારપંચ મુજબ તેમને પેન્શનની તફાવતની રકમ ચુકવી દેવા આદેશ કર્યો હતો. તેની સામે સરકારે એલપીએ કરી હતી જે હાલ કોર્ટમાં પડતર છે. દરમ્યાનમાં વર્ષ 2019માં નિવૃત્ત શિક્ષકોએ હાઇકોર્ટમાં કન્ટેમ્પટ પિટિશન કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.