પશ્ચિમઝોનના ટેક્સ વિભાગે વાળેલા છબરડામાં ગાંધીગ્રામ સ્ટેશન પાસે આવેલા જયમંગલ હાઉસની એ વિંગને બદલે બી વિંગમાં આવેલી અભ્યુદય બેંકને સીલ મારી દીધું હતું. બેંક કર્મચારીઓ સવારે બેંક પર પહોંચતા સીલ જોઈ ચોંકી ઉઠ્યા હતા. તેમણે મ્યુનિ. કચેરીએ જઈ લેખિત લીધું હતું કે, બેંકને ભૂલથી સીલ વાગી ગયું હોવાથી સીલ તોડી બેંક ચાલુ કરી શકાય છે.
જયમંગલ હાઉસની એ વિંગમાં આવેલી પટેલ રોડ વેઝનો 1.31 લાખનો ટેક્સ બાકી હતો. જોકે મ્યુનિ.ના કર્મચારીઓએ પટેલ રોડ વેઝની ઓફિસને બદલે બી વિંગમાં આવેલી અભ્યુદય કો.ઓ. બેંકને સીલ કરી હતી. જોકે નીચે પટેલ રોડ્સ વેઝની નોંધ હોવાથી બેંક મેનેજરે ઉસ્માનપુરા ખાતેની મ્યુનિ. કચેરીનો સંપર્ક કર્યો હતો. જોકે આ પ્રક્રિયામાં સવારે 10થી 10.30 જેટલા એટલેકે અડધો કલાક સુધી બેંકના 10થી વધારે ગ્રાહક અટવાયા હતા. સ્ટાફને આ ગ્રાહકોને બેંકનો ટેક્સ બાકી નહીં હોવાનું સમજાવતા નાકે દમ આવ્યો હતો.
ટેક્સ ન ભરતી 21766 મિલકતો સીલ કરાઈ
શહેરમાં બાકી ટેક્સ પર વ્યાજની રકમ માફ કરવાની યોજના અમલી હોવા છતાં પણ મોટા પ્રમાણમાં લોકો ટેક્સ ભરતા ન હોવાથી મ્યુનિ.એ હાથ ધરેલી મેગા ડ્રાઇવના ભાગરૂપે શુક્રવારે 21766 મિલકત સીલ કરી દીધી હતી. જેમાં સૌથી વધારે 7703 મિલકતો પૂર્વઝોનમાં સીલ કરાઇ છે. સીલિંગ ઝુંબેશથી મ્યુનિ.ને એક જ દિવસમાં રૂ.21.18 કરોડની આવક થઇ છે. 14 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં જ મ્યુનિ.ને રૂ.171 કરોડનો બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.