તાંત્રિક વિધિને બહાને છેડતી:તાંત્રિકે લીંબુ વાળીને ચાર રસ્તે મૂકવા દીકરા-પતિને મોકલ્યા, પરિણીતાની એકલતાનો લાભ લઈ છેડતી કરી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં રહેતા એક પરિવારે તાંત્રિકને બોલાવ્યો હતો. જેથી રાત્રે તાંત્રિક તેમના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તાંત્રિકે પરિવાર પરથી લીંબુ વાળ્યું હતું અને તે લીંબુ ચાર રસ્તે મૂકવા માટે દીકરા-પતિને બહાર મોકલી આપ્યા હતા. ત્યારબાદ મહિલાની એકલતાનો લાભ લઇ તાંત્રિકે દરવાજો બંધ કરી મહિલાની છેડતી કરી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાંત્રિકે લીંબુ ઉતારીને પુરૂષોને ચાર રસ્તે મોકલ્યા
રામોલ વિસ્તારમાં રહેતા જાગૃતિબેન (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. રવિવારે રાત્રે તેઓ પરિવાર સાથે ઘરે હાજર હતા. ત્યારે તાંત્રિક વિધી કરવા માટે પ્રવિણસિંહ ગોર નામનો વ્યક્તિ આવ્યો હતો. પ્રવિણસિંહ એક રૂમમાં જાગૃતિ બહેન તેમના પતિ અને દીકરાને લઇ ગયો હતો. જ્યાં તેણે તમામ ઉપરથી એક લીંબુ ઉતારી આપ્યું હતું. ત્યારબાદ તે લીંબુ ચાર રસ્તે નાંખવા માટે જાગૃતિબહેનના પતિ અને દીકરાને મોકલ્યા હતા.

તાંત્રિકે ઘરનો દરવાજો બંધ કરી દીધો
જાગૃતિબહેન અને પ્રવિણસિંહ ગોર બન્ને એકલા જ રૂમમાં હતા. ત્યારે તકનો લાભ લઇ પ્રવિણસિંહે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને છેડતી કરવા લાગ્યો હતો. જેથી જાગૃતિબહેને બૂમાબૂમ કરી હતી. ત્યારે પ્રવિણસિંહે તેમના મોઢા આગળ હાથ રાખી દીધો હતો અને તેમના કપડાં ખેંચવા લાગ્યો હતો. જો કે, જાગૃતિબહેને પ્રવિણસિંહને ધક્કો મારી દીધો હતો અને કપડાં સરખા કરી રૂમની બહાર દોડી આવ્યા હતા.

પરિણીતાએ ધક્કો મારતા તાંત્રિક નાસી છૂટ્યો
બીજી તરફ પ્રવિણસિંહ પણ આ દરમિયાન ફરાર થઇ ગયો હતો. થોડા સમયમાં જ જાગૃતિ બહેનના પતિ અને દીકરો આવી ગયા હતા. સમગ્ર મામલે જાગૃતિબહેને આ અંગે પતિને જાણ કરી હતી. સાથે જ જાગૃતિબહેને પ્રવિણસિંહ સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘૂતારા તાંત્રિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે છે.

અન્ય સમાચારો પણ છે...