• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Students Said That At First They Were Afraid Of Getting Dizzy But After Getting Vaccinated It Happened That Now There Is No Need To Be Afraid.

ચાર મોટાં શહેરોનો ગ્રાઉન્ડ રિપોર્ટ:વેક્સિન લીધા પછી વિદ્યાર્થીઓએ કહ્યું-રસી લીધા પછી કંઈ થતું નથી, ડરવાની બિલકુલ જરૂર નથી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસી નહીં લેનારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી રસી લેવા પ્રોત્સાહિત કરાશે

રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીના કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનને ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોનાવાલા હાઇસ્કૂલથી શરૂ કરાવ્યું હતું. ત્યાર બાદ રાજ્યભરમાં ટીનેજર્સને વેક્સિન આપવાની શરૂઆત થઈ હતી. વેક્સિન માટે ટીનેજર્સે લાઇન લગાવી હતી. ત્યારે વાંચો રાજ્યનાં ચાર મહાનગરમાં શરૂ થયેલા વેક્સિનેશનનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

અમદાવાદઃ વેક્સિન મુકાવ્યા બાદ થયું કે હવે ડરવાની જરૂર નથી
અમદાવાદ શહેરની 694 શાળાનાં 1 લાખ 80 હજાર 480થી વધારે બાળકોને આજે રસી આપવામાં આવશે. અમદાવાદ શહેરની શાળાઓમાં આજથી એટલે કે 3 જાન્યુઆરીથી લઈને 10 જાન્યુઆરી સુધી વેક્સિનેશન ડ્રાઇવ ચાલવાની છે, જેમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ દિવસ વેક્સિન આપવા માટે વિવિધ વિસ્તારની શાળાઓ નક્કી કરવામાં આવી છે. આજે કિશોરો માટેના રસીકરણના પહેલા દિવસે અમદાવાદ શહેરની કુલ 96 જેટલી શાળાનાં 43 હજાર 867 બાળકોને વેક્સિન આપવામાં આવશે.

અમદાવાદ DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે આજથી વેક્સિનેશન શરૂ થયું છે. જેમાં 15થી 18 વર્ષના 1.22 લાખ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે, જેમને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિની નિકિતા તુરેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેક્સિન લેવા માટે માટે હું ખૂબ જ ડરતી હતી, પરંતુ એ લીધા બાદ લાગ્યું કે ડરવાની જરૂર નથી, કારણ કે વેક્સિન કોરોનાથી આપણી સુરક્ષા માટે જ છે.

રાજકોટમાં પણ આજે શહેરની 800 પૈકીની 71 શાળામાં વેક્સિનેશનની શરૂઆત.
રાજકોટમાં પણ આજે શહેરની 800 પૈકીની 71 શાળામાં વેક્સિનેશનની શરૂઆત.

રાજકોટઃ વેક્સિન માટે આવેલા વિદ્યાર્થીઓને બોલપેન આપી પ્રોત્સાહિત કરાયા
રાજકોટમાં પણ આજે શહેરની 800 પૈકીની 71 શાળામાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં વેક્સિન લેવા વિદ્યાર્થીઓની લાઈન લાગી હતી. તો બે વાલી તરફથી શાળાનાં દરેક બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરાયાં હતાં. ટાગોર રોડ પર આવેલી એસ.વી.વિરાણી હાઈસ્કૂલ, જ્યાં સૌથી વધુ વિદ્યાર્થીઓ વેક્સિન લેવાના છે. વિરાણી હાઈસ્કૂલમાં કુલ 1056 વિદ્યાર્થી છે, જેમની ઉંમર 15થી 18 વર્ષની છે.

વિરાણી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે દરેક વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓને હાલ કોઈ વાઇરલ ઇન્ફેક્શન હોય અથવા ગેરહાજર હોય તો તેમના માટે આગામી 7 તારીખના રોજ ફરી વેક્સિનેશન કરાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. વિરાણી હાઇસ્કૂલની વાત કરવામાં આવે તો 1056 વિદ્યાર્થીમાંથી હાલ મોટા ભાગે એટલે કે 900થી વધુ વિદ્યાર્થીઓએ વેક્સિન લેવા માટે સહમતી દાખવી છે, જયારે બાકીના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

સુરતમાં વિદ્યાર્થીઓને રસી મુકાવ્યા બાદ ચક્કર આવશે એવો ડર હતો
સુરતમાં વિદ્યાર્થીઓને રસી મુકાવ્યા બાદ ચક્કર આવશે એવો ડર હતો

સુરતઃ વેક્સિન મુકાવ્યા બાદ ચક્કર આવશે એવો ડર હતો
સુરતમાં 1.90 લાખ જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળા, સુમન શાળા અને અન્ય શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોંધાયા છે. એક જ દિવસમાં 45000 જેટલા 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીને વેક્સિન આપવા અંગેનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. મહેક પંચાલે જણાવ્યું હતું કે અમે આવ્યા ત્યારે આજે સવારથી થોડુંક ટેન્શન હતું કે વેક્સિન લગાવવાની છે. ડર ચોક્કસ લાગતો હતો કે વેક્સિન મૂક્યા બાદ શું થશે, પરંતુ વેક્સિન લીધા બાદ કોઈ જ તકલીફ થઈ નથી, જેથી ડર ખોટો રાખ્યો હતો.

વેક્સિન મુકાવ્યા બાદ ચક્કર આવશે, એટલે નાસ્તો કરીને જ આવી હતી. કેસર ગજ્જરે જણાવ્યું હતું કે વેક્સિન લીધા પછી તાવ કે અન્ય તકલીફો થવાના પણ કિસ્સાઓ સાંભળેલા હતા, એટલે થોડો ડર લાગતો હતો, પરંતુ મેં વેક્સિન લીધા બાદ મને એવી કોઈ તકલીફ થઈ નથી. આખા દિવસ દરમિયાન પણ આવી કોઈ તકલીફ ન થાય તેવું કહેવામાં આવ્યું છે.

વડોદરામાં 79 રસીકરણ કેન્દ્ર પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું.
વડોદરામાં 79 રસીકરણ કેન્દ્ર પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું.

વડોદરાઃ પોતાની સુરક્ષા માટે દરેક વ્યક્તિએ રસી લેવી જોઇએ'
વડોદરામાં આજથી 79 રસીકરણ કેન્દ્ર પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. કોરોના વેક્સિનેશનનો વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં અત્યારસુધીમાં 1000 વિદ્યાર્થીનું વેક્સિનેશન થયું છે. વડોદરા શહેરમાં અંદાજે દોઢ લાખ જેટલા કિશોરોને રસી આપવામાં આવશે. વડોદરાની ઊર્મિ સ્કૂલમાં ધો-11માં ભણતી કૃતિ પટેલે જણાવ્યું હતું કે અત્યારે મેં વેક્સિન લીધી છે અને દરેક વ્યક્તિએ લેવી જોઇએ, કારણ કે અત્યારે ઓમિક્રોનને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે.

એવા સંજોગોમાં સ્કૂલોમાં આપણે જઇએ છીએ, જેથી સુરક્ષા માટે વેક્સિન લેવી જરૂરી છે. રસી મુકાવવા આવનારા કિશોરોને ચા-નાસ્તો કરીને આવવા જણાવાયું છે. ભૂખ્યા પેટે રસી મુકાવવા આવવું નહીં, એવું આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.છાણી વિસ્તારમાં ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે વેક્સિન માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...