રાજ્ય સરકારે બી.જે. મેડિકલ સહિત રાજ્યની 6 મેડિકલ કોલેજોના જુનિયર ડોક્ટરોની બોન્ડના નિયમોમાં ફેરફારની માગણી સંદર્ભે માગણીની તરફેણમાં પરિપત્ર કરતાં બીજે મેડિકલ જુનિયર ડોક્ટર એસોસિએશને હડતાળ સમેટી લીધી હતી અને તેઓ તબીબી સેવામાં જોડાઈ ગયા હતા. બી.જે. મેડિકલ જુનિયર ડોક્ટર એસોસિએશનના પદાધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોરોનાકાળ દરમિયાન જુનિયર ડોક્ટરોએ આપેલી સેવાઓ પરત્વે ઉદારતા દાખવીને લેખિતમાં બોન્ડની સેવાઓમાં ફેરફાર કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. પરિણામે હડતાળ સમેટી લેવાની જાહેરાત કરી છે.
સરકારે રાત્રે બહાર પાડેલા પરિપત્રમાં જણાવાયું છે કે, સિનિયર રેસિડેન્સીના એક વર્ષના સમયગાળાને બોન્ડની સેવા તરીકે ગણીને અનુસ્તાનક (પીજી)ના બોન્ડમાંથી 1:1 લેખે મજરે અપાશે અને સમાધાનના ભાગરૂપે તેમને બોન્ડની શરતોને આધીન ડેપ્યુટેશન કરવામાં આવશે. આ ડેપ્યુટેશન માટે તેમને એસ.આર. તરીકે મળવાપાત્ર સ્ટાઇપેન્ડ સિવાય ડીએ કે અન્ય કોઈ ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં. આ છૂટછાટ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીના અસાધારણ સંજોગોને ધ્યાને લઈને માત્ર 2021માં અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર ડિગ્રી અને ડિપ્લોમા બોન્ડેડ ઉમેદવારો પૂરતી જ માન્ય રહેશે.
આ ઉપરાંત રિસેડેન્ટ ડૉક્ટરોની તાજેતરની હડતાળ દરમિયાન હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ પણ પરત ખેંચવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.