દર્દીનાં સગાંનો આક્ષેપ:ડોક્ટરોની હડતાળથી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓને દાખલ કરાતા નથી; હોસ્પિટલમાં માત્ર આઉટડોર દર્દીને સારવાર અપાય છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ સહિત રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજોના જુનિયર ડોક્ટરો અઠવાડિયાથી હડતાળ પર ઉતર્યા છે, ત્યારે સરકાર કે જુનિયર ડોક્ટરો નમતું જોખવા તૈયાર નથી. જેને કારણે સારવાર માટે હોસ્પિટલમાં આવતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. જુનિયર ડોક્ટરોની હડતાળને કારણે સિવિલમાં દર્દીને દાખલ ન કરાતાં એકથી બીજી હોસ્પિટલ ભટકવું પડે છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, હેડ કવાટર્સે પણ જુનિયર ડોક્ટરોને સમર્થન જાહેર કર્યું છે.

સિવિલમાં સારવાર લેવા ગયેલા એક દર્દીના સગાંએ જણાવ્યું કે, હોસ્પિટલમાં આઉટડોર દર્દીને સારવાર અપાય છે, પણ જે દર્દીને દાખલ થવાની જરૂર છે તેને ડોક્ટરોની હડતાળનું કારણ જણાવી અન્ય હોસ્પિટલમાં ધકેલાય છે. મારા સગાંને ચાર-પાંચ દિવસથી ફેફસાંની તકલીફ હોવાથી તેમને સિવિલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઇ ગયા હતા. ત્યાંના ડોક્ટરોએ તપાસીને કહ્યું કે, હાલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ હોવાથી અમે દર્દીને દાખલ કરી શકીએ તેમ નથી, તેથી બીજી કોઇ હોસ્પિટલમાં લઇ જાવ. બીજી બાજુ ડબલ સિઝનથી સિવિલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી છે.

સોલા સિવિલની OPDમાં લાંબી લાઈન
ડબલ સીઝનને કારણે શહેરમાં તાવ, શરદી, ઉધરસના કેસ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જેને કારણે સિવિલ અને સોલા સિવિલની ઓપીડી સવારથી જ કેસ કઢાવવા માટે મોટી લાઈનો લાગી જાય છે.

બીજી તરફ ડોક્ટરો હડતાળ મુદ્દે મક્કમ
બોન્ડના નિયમોમાં ફેરફારની માગણી સાથે હડતાળ પર ઉતરેલા ડોક્ટરો હજુ પણ હડતાળ મુદ્દે મક્કમ છે. બુધવારે આરોગ્ય વિભાગના સેક્રેટરી સાથે યોજાયેલી બેઠકમાં પણ કોઈ નિવેડો આવ્યો ન હતો.

બેઠકમાં કોઈ ઉકેલ ન આવતાં ડોક્ટરો ઈમરજન્સી સેવાથી અળગા રહેશે
બોન્ડના નિયમોમાં ફેરફારની માગણી સાથે હડતાળ પર ઉતરેલા બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન અને આરોગ્ય વિભાગના સેક્રેટરી મનોજ અગ્રવાલ સાથેની બુધવારે બપોરે યોજાયેલી બેઠક કોઈ પણ અંતિમ નિર્ણય વિના પૂરી થઈ હતી. જેના કારણે રેસિડેન્ટ ડોક્ટરોએ ગુરુવારે હડતાળ યથાવત રાખવાનો અને ઈમરજન્સી સેવાથી અળગા રહેવાનો નિર્ણય બુધવારે રાત્રે કર્યો હતો.