તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંચો સમગ્ર ગુજરાતનો અહેવાલ:દિવના કાંઠે સોમવારે રાત્રે ત્રાટકેલું વાવાઝોડું મંગળવારે બપોર પછી ગુજરાતમાંથી વિદાય લેશે

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200થી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ, ભારે વરસાદ

વાવાઝોડું તાઉતે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાયું હતું જેના કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડા સાથે વરસાદ પણ શરૂ થયો હતો. રાજકોટ જિલ્લામાંથી 8000, જામનગર, ગીરસોમનાથ જિલ્લામાં 40200 લોકો, દ્વારકામાં 12000, જામનગર જિલ્લામાંથી 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સોમવારે સાંજે 7 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. ગીર સોમનાથ, જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં એનડીઆરએફની ટીમો તહેનાત કરાઈ છે. ભારે પવનના કારણે 100થી વધુ વીજપોલ પડ્યા છે અને 200થી વધુ ગામમાં વીજપુરવઠો બંધ થયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે.

દક્ષિણ ગુજરાતઃ 28 ગામોમાંથી લોકોનું સ્થળાંતર, તાપમાન ઘટ્યું
વાવાઝોડાની અસર સુરતમાં બપોરથી જ દેખાઈ હતી, ધીમીધારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. શહેરમાં 25થી 30 કિમીની ઝડપે પવન ફૂકાયો હતો. જેના કારણે સંખ્યાંબધ વૃક્ષો ધરાશાયી થયા હતા અને કેટલાક સ્થળો પર પાવર સપ્લાય બંધ રહ્યો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 40 ટન ઓક્સિજનનો પુરવઠો તો છે જ તે ઉપરાંત બે ટેન્કર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. શહેરમાં એક જ દિવસમાં તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો થયો હતો. મહત્તમ તાપમાન 33.6 અને લઘુત્તમ 28.4 ડિગ્રી નોંધાયું હતું. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના 28 અસરગ્રસ્ત ગામોમાંથી 1400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

મધ્ય ગુજરાતઃ હોસ્પિટલમાં જનરેટરો મૂકાયા, ફાયરબ્રિગેડ એલર્ટ
અમદાવાદમાં વાવાઝોડા દરમિયાન તમામ હોસ્પિટલોમાં કોઈ અનિચ્છનીય સ્થિતિ ઊભી ન થાય તે માટે મ્યુનિ. ફાયરબ્રિગેડની 11 ટીમે મોટા ભાગની હોસ્પિટલમાં જઇને સમીક્ષા કરી હતી. સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. જો અચાનક લાઇટ જાય તો હોસ્પિટલમાં વિકલ્પ તરીકે જનરેટર ચાલુ હાલતમાં છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આ‌વી છે. શહેરના મુખ્ય ફાયર ઓફિસ રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓને સ્ટેન્ડબાય રખાયા છે. વાવાઝોડાની અસરને પગલે મોડી રાત્રે હળવો વરસાદ થયો હતો. સિવિલમાં સ્ટાફ સ્ટેન્ડ બાય, સોલા સિવિલમાં 40 પથારીના બે વોર્ડ શરૂ કરાયા છે.

ઉત્તર ગુજરાતઃ રણના ગામો ખાલી કરાયા આજે વરસાદની આગાહી
વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે બપોરે પ્રવેશ કરશે તેમજ રાત્રીના 11 થી 12 કલાકની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. ઊંઝા પાલીકા દ્વારા બે દિવસ બજાર સ્વૈચ્છીક બંધ રાખવા અને લોકોને બહાર ન નીકળવા તાકીદ કરાઇ છે. રણકાંઠે આવેલા સાંતલપુર રાધનપુર તાલુકાના 127 ગામો અને સમી શંખેશ્વર તાલુકાના 17થી વધુ ગામોમાં ઝૂંપડા અને કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે તંત્રની ટીમો ગામમાં મોકલવામાં આવી હતી. પાટણથી 17 કિલોમીટર દૂર સરસ્વતી તાલુકામાં વાવાઝોડું નબળું પડવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા પાંચેય જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...