મહિલા હેલ્પલાઈને જીવ બચાવ્યો:સાવકી માતા ત્રણ સંતાનની જેમ મોટી પુત્રીને નહીં રાખતી હોવાથી આપઘાત કરવા ગઈ'તી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતાના અવસાન બાદ 21 વર્ષીય પુત્રીને માતા નવી વસ્તુ કે જમવાનું આપતી ન હતી
  • બીજા ભાઈ-બહેનોને સારી રીતે રાખી માતા તેની સાથે ઓરમાયું વર્તન કરી તેને વારંવાર હડધૂત કરતી હતી

પિતાના અવસાન બાદ માતાએ 21 વર્ષીય સાવકી દીકરી સાથે ઓરમાયું વર્તન કરતા દીકરી આત્મહત્યા કરવા જતી હતી દરમ્યાનમાં રાહદારીએ અભયમ હેલ્પલાઇનની મદદ લઈ તેને આત્મહત્યા કરતા બચાવી લેવાઇ હતી. ચાર સંતાનો પૈકી માતા ત્રણને સારી રીતે રાખતી હતી જ્યારે એક દીકરીને હડધૂત કરવામાં આવતી હતી. તેનાથી દુ:ખી થઇને દીકરી કેનાલ પાસે આત્મહત્યા કરવા જતી હતી.

દરમિયાનમાં ત્યાંથી પસાર થતા રાહદારીએ તેને અટકાવીને અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમ હેલ્પલાઇને આ યુવતીને આત્મહત્યા એ કોઇ સમાધાન નથી તેવી રીતે સમજાવીને તેની માતાને બોલાવી હતી. પરતું યુવતીએ માતાના ઘરે નહીં જવા જીદ કરી હતી. છેવટે તેને આશ્રયગૃહમાં મોકલી આપી હતી.

મંગળવારે અભયમ હેલ્પલાઇન પર અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે, એક યુવતી કેનાલ પાસે આત્મહત્યા કરવા જઇ રહી છે. અનેક લોકોએ સમજાવ્યા છતાં સમજવા માટે તૈયાર નથી. તેથી અભયમ હેલ્પલાઇનની ટીમે સ્થળ પર પહોંચીને યુવતીને આત્મહત્યા કરવાનું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો.

યુવતીએ જણાવ્યું કે તેના પરિવારમાં માતા અને 4 ભાઇ- બહેનો છે. ગયા વર્ષે તેના પપ્પાનું અવસાન થયું છે ત્યારપછી તેની માતા તેની સાથે ઓરમાયું વર્તન કરી હડધૂત કરે છે. તેથી પપ્પા પાસે જતી રહું તો બધાને શાંતિ થાય.

યુવતીએ માતા પાસે જવાનો ઇન્કાર કરતા મહિલા હેલ્પલાઈને સમજાવી આશ્રયગૃહમાં મોકલી
હેલ્પલાઇનની ટીમના સભ્યોએ યુવતીના પરિવારજનોને સ્થળ પર બોલાવ્યા હતા. માતા અને ભાઇ બહેનોને યુવતી સાથે સારી રીતે વર્તન કરવા સમજાવ્યું હતું. યુવતીને કહ્યું કે, મરવાથી કોઇ સમસ્યાનું સમાધાન થતું નથી. પરતું યુવતી તેની માતા અને ભાઇ બહેનોથી ત્રાસીને ઘરે રહેવા તૈયાર નહોતી. છેવટે તેને આશ્રયગૃહમાં મોકલી આપી હતી. આશ્રયગૃહમાં પણ યુવતીને આગળ વધે તે માટે પ્રયત્નો કરવા સમજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...