વર્ચ્યુઅલ સુનાવણી:રાજ્યમાં 10મી જાન્યુઆરીથી હાઇકોર્ટ અને તમામ નીચલી અદાલતોમાં ઓનલાઈન સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • આરોપીના પોલીસ રિમાન્ડ કે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાની કામગીરી પ્રત્યક્ષ સુનાવણીથી જ થશે

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ હાઇકોર્ટ તેમજ તેના હસ્તગત તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ રીતે કોર્ટની કાર્યવાહી બંધ કરીને ઓનલાઇન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કોરોનાની શરૂઆતમાં એટલે કે વર્ષ 2020માં જે રીતે કોર્ટની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી હતી એ જ રીતે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારના આદેશથી જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોરોનાના વધી રહેલા કેસોના કારણે જજ, હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને સીનિયર એડવોકેટ સાથેની ચર્ચા બાદ હાઇકોર્ટ તેમજ નીચલી અદાલતોમાં 10 જાન્યુઆરીથી ઓનલાઇન સુનાવણી કરવામાં આવશે. કોર્ટની કાર્યવાહી ઝૂમ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે થશે, જેની લિંક અગાઉના દિવસે સંબંધિત વકીલોને મોકલવામાં આવશે.

જ્યારે મેટર કોલ આઉટ થશે ત્યારે વકીલોને તેમના નોંધાયેલ નંબર પર મેસેજ મારફતે જાણ કરાશે. ઇમરજન્સી કેસોમાં સુનાવણી માટે વકીલોએ મેઇલ દ્વારા રજિસ્ટ્રીનો સંપર્ક કરી શકશે. ઉપરાંત કેસોના ફિઝીકલ ફાઇલિંગ માટે કોર્ટના ગેટ નંબર 5 પર સવારે 11-4 વાગ્યા સુધી ફાઇલિંગ કાઉન્ટર રાખવામાં આવશે.

જિલ્લા કક્ષાની નીચલી અદાલતોમાં પણ આજ પ્રમાણે સોમવારથી વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જો કે પોલીસ રિમાન્ડ મંજૂર કરવાની અને આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાની કામગીરી વીડિયો કોન્ફરન્સથી ન કરવા સૂચના અપાઇ છે. તેથી દરેક કોર્ટમાં એક કે બે કોર્ટ આ કામગીરી માટે ખૂલ્લી રાખવા અને અન્ય વ્યવસ્થા ઉભી કરવા સૂચના અપાઇ છે. ઉપરાંત ઓનલાઇન સુનાવણીમાં કોઇ પક્ષકાર કે વકીલ હાજર ન હોય તો વિરુદ્ધમાં આદેશ ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...