સ્ટેટ મોનિટરિંગ સેલે ચાલુ વર્ષે 4 મહિનામાં એટલે કે 120 દિવસમાં 124 રેડ પાડીને રૂ.6.51 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે 4 મહિનામાં જુગારના 49 કેસ કરીને રૂ.72.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આંકડા પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુજરાતમાં પ્રતિદિન દારુનો 1 મોટો કેસ કરી રહી છે જ્યારે દર અઢી દિવસે જુગારનો મોટો કેસ કરી રહી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલમાં ડીવાયએસપી તરીકે કે.ટી.કામરિયાને મૂકવામાં આવ્યા બાદ અનેક મોટી રેડ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જોકે થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ડીસીપી તરીકે નિર્લીપ્ત રાયની નિમણૂક કરવામાં આવતા બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ચાર મહિનામાં ટીમે દારૂ-જુગારના 173 કેસ કર્યા હતા. જેની સરખાણીમાં 2021ના વર્ષમાં આ જ ચાર મહિનામાં દારૂના 81 કેસ અને જુગારના 25 કેસ કર્યા હતા. એટલે કે ગત વર્ષ કરતા 50 ટકાથી વધુ કેસ કરવામાં આવ્યા.
સ્થાનિક પોલીસની નજર હેઠળ ચાલતા દારૂ - જુગારના અડ્ડા પર રેડ કરાઈ છે
સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ દારૂ - જુગાર કે અન્ય કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી જણાય ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડો પાડે છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જે પણ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે તે તમામ જગ્યાઓ ઉપર સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ જ દારૂ-જુગાર સહિતની પ્રવૃત્તિ ચાલતી હોય છે.
સૌથી વધુ કેસ સુરતમાં કરવામાં આવ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 4 મહિનામાં દારૂ-જુગારના જે પણ કેસ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધારે કેસ સુરત શહેર, સુરત જિલ્લો, વડોદરા શહેર, અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યા હતા, જેથી આ પાંચ જગ્યાએ મોટા પ્રમાણમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ફલિત થઇ રહ્યું છે.
પોલીસ અધિકારી સામે કોઈ પગલાં નહીં
ચાર મહિનામાં જ રાજ્ય ભરમાં દારૂ-જુગારના 173 કેસ કરવામાં આવ્યા હતા, પરંતુ આ પૈકીની એક પણ રેડમાં હજુ સુધી સ્થાનિક પોલીસ અધિકારી કે કર્મચારી સામે કોઈ જ પગલા લેવાયા નથી, જોકે આ પહેલા સ્ટેટ જ્યારે પણ મોનિટરિંગ સેલની ટીમ જે પણ જગ્યાએ દરોડો પાડતી હતી તે વિસ્તારના પીઆઈ કે પીએસઆઈને સસ્પેન્ડ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી.
સૌથી મોટી જુગારની રેડ દરિયાપુરના મનપસંદ જીમખાનામાં કરાઈ હતી
સ્ટેટ મોનિટરિંંગ સેલની ટીમ દ્વારા અત્યાર સુધીમાં દારૂ- જુગારની જે પણ રેડ પાડવામાં આવી છે, તેમાંથી જુગારની સૌથી મોટી રેડ અમદાવાદના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં પાડવામાં આવી હતી. આ રેડમાં પોલીસે 150થી પણ વધુ માણસોને જુગાર રમતા પકડાયા હતા. જો કે આ રેડ બાદ દરિયાપુર પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.