તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટૂર્નામેન્ટ:આગામી સપ્ટેમ્બરથી સ્ટેટ લેવલની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટની શરૂઆત થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિએશન ઓપન ટૂર્ના. માટે તૈયાર શરૂ કરી

કોરોના મહામારી બાદ સમગ્ર વિશ્વમાં રમતગમતની પ્રવૃત્તિઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ટેબલ ટેનિસ એસોસિએશન ઑફ અમદાવાદ (ટીટીએએ) પણ પ્રથમ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ સાથે તેના વિવિધ જિલ્લામાં રમતોનો પ્રારંભ કરવા સજ્જ બન્યું છે. ટીટીએએની વાર્ષિક સામાન્ય સભામાં જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશને પ્રથમ ઓપન ટૂર્નામેન્ટ યોજવા સાથે રમત પ્રવૃત્તિનો પ્રારંભ કરવા સહિતના ઘણા મહત્ત્વના નિર્ણય લીધા હતા.

અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ લોયોલા હોલ ખાતે 10થી 12મી સપ્ટેમ્બર દરમિયાન પ્રથમ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે. ટીટીએએના માનદ સચિવ કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે “આવતા મહિનાથી અમે જરૂરી તમામ માર્ગદર્શિકા સાથે જિલ્લામાં રમત-ગમતની પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓ તથા ઓફિશિયલ્સની સલામતી માટે અમે સરકારની માર્ગદર્શિકાનો અમલ કરીશું.”

દરમિયાન એક મહત્ત્વના પગલારૂપે ટીટીએએ રાજ્યનું પ્રથમ એસોસિએશન બન્યું છે જેણે બંને મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં એક સમાન ઇનામી રકમ રાખવાનો નિર્ણય લીધો છે. “સ્ટેટ એસોસિઅેશન (જીએસટીટીએ) એ એક સમાન ઇનામી રકમ રાખવાના તેના તાજેતરના નિર્ણયથી અમને એક નવો માર્ગ ચીંધ્યો છે. જીએસટીટીના પ્રમુખ વિપુલ મિત્રાએ લીધેલા આ નિર્ણયને અમે અનુસરી રહ્યા છીએ અને આ જાહેરાત કરતાં ગૌરવ અનુભવીએ છીએ કે અમારી ટૂર્નામેન્ટમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં ખેલાડીઓને એક સમાન પુરસ્કાર એનાયત કરાશે.”

તેમ ટીટીએએના પ્રમુખ રોહન આનંદ (આઇપીએસ) એ જાહેરાત કરી હતી. આ બેઠકમાં લેવાયેલા અન્ય કેટલાક મહત્ત્વના નિર્ણયોમાં એસોસિએશન સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટ આયોજિત કરશે જ્યારે એસોસિઅેશન ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન પણ કરશે. કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી રમતથી દૂર રહેલા ટેબલ ટેનિસ ખેલાડીઓનો ઉત્સાહ વધારવાના આશયથી એસોસિઅેશને જિલ્લાના એવા ખેલાડીઓને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે જેમણે 2020માં વિવિધ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હોય. આ બેઠક દરમિયાન સદસ્યોએ તાજેતરમાં જ આપણી વચ્ચેથી વિદાય લેનારા જીએસટીટીએના સેક્રેટરી હરેશ સંગતાણી તથા ટીટીએએના ભૂતપૂર્વ સેક્રેટરી તેજરાજ સિંઘ મલ્હોત્રા પ્રત્યે શોક પ્રગટ કરીને બે મિનિટનું મૌન પાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...