તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યમાં વરસાદ પડી શકે, ગુજરાતના પાટીદારોનો OBCમાં સમાવેશ થઈ શકે નહીં: કેન્દ્રીયમંત્રી આઠવલે, પેરાલિમ્પિકમાં ભારતને ચોથો ગોલ્ડ મેડલ

અમદાવાદ17 દિવસ પહેલા

નમસ્કાર,
આજે રવિવાર છે, તારીખ 5 સપ્ટેમ્બર, શ્રાવણ વદ તેરસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા.
2) SBIની ડિજિટલ સર્વિસ કેટલાક કલાક માટે બંધ રહેશે, આ કારણે ગ્રાહકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.
3) આજે શિક્ષકદિન, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્ર રૂપાણીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં શ્રેષ્ઠ શિક્ષક સમારોહ યોજાશે.
4) નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં સિટી બસ સેવાનો પ્રારંભ કરાવશે, મહિલાઓ અને દિવ્યાંગો મફત મુસાફરી કરી શકશે.
5) ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કિસાન મહાપંચાયત, અનેક ખેડૂતો સામેલ થશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાતના પાટીદારોનો OBCમાં 4સમાવેશ થઈ શકે નહીં, અલગ અનામત મળવી જોઈએ, કેન્દ્રીય મંત્રી આઠવલેનું નિવેદન
કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાટીદારોને અનામત મળવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. રામદાસ આઠવલેએ કહ્યું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને અનામત મળવી જોઈએ. તેમનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજકોટનાં વનિતાબહેને સ્કૂલને Dમાંથી A ગ્રેડ બનાવી, આસપાસના વિસ્તારમાં બે ખાનગી સ્કૂલને તાળાં લાગ્યાં, હવે મળશે નેશનલ ટીચર અવૉર્ડ
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ટીચર્સ અવૉર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ટીચર્સ અવૉર્ડ 5 સપ્ટેમ્બરના રોજ એટલે કે શિક્ષકદિન નિમિત્તે આપવામાં આવશે. આ અવૉર્ડ માટે દેશમાંથી 44 શિક્ષકની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના બે શિક્ષકનો પણ સમાવેશ થાય છે. આ 2 પૈકી એક રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ શાળાનાં આચાર્યા એવાં વનિતાબહેન રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) વડતાલ મંદિરના પાર્ષદે 8 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી
સતત વિવાદોમાં સપડાયેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત વિવાદમાં આવી ચુક્યૂં છે. શુક્રવારે મંદિરના 47 વર્ષીય પાર્ષદે આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને લક્ષ્મીનારાયણ ભુવન લઈ જઈ દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. પીડિત બાળકીએ આ વાત તેના માતાપિતાને કરતા તેમણે ચકલાસી પોલીસ મથકે આ અંગે પાર્ષદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) સુરતમાં ધોરણ 4ના વિદ્યાર્થીને સામાન્ય તાવ બાદ હાથ પગનો દુઃખાવો ઉપડતાં સિવિલમાં ખસેડાયો, મૃત જાહેર કરાયો
સુરતના પાંડેસરામાં ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સામાન્ય તાવ બાદ હાથ પગનો દુઃખાવો ઉપડ્યા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરાયો હતો. 11 વર્ષનો આ કિશોર એક મહિના બાદ 30 ઓગસ્ટે બિહારથી સુરત આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) પેરાલિમ્પિકમાં ભારતને ચોથો ગોલ્ડ મેડલ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે ફાઇનલમાં બ્રિટનના ડેનિયલને હરાવ્યો; મનોજ સરકારે જીત્યો બ્રોન્ઝ
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે SL3 કેટેગરીની ફાઇનલમાં બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 21-17થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે આ SL3 કેટેગરીમાં મનોજ સરકારે ભારતને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

6) અમિત શાહની હાજરીમાં સમજૂતી, આસામમાં 1 હજાર વિદ્રોહીઓએ હથિયાર હેઠાં મૂક્યા, મુખ્યધારા પરત ફરશે
આસામ સરકારે 6 વિદ્રોહી સંગઠનની સાથે શનિવારે કાર્બી આંગલોંગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ હથિયારધારી ગ્રુપ 30 વર્ષથી હિંસક ઘટનાઓમાં સામેલ રહ્યાં છે. હવે મુખ્યધારામાં પરત ફરશે. આ ઐતિહાસિક સમજૂતી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ હાજર હતા.
વાંચો સમાચાર વિગતવાર

7) દેશમાં છેલ્લા 12માંથી 11 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસ વધ્યા, પોઝિટિવિટી રેટ પણ બમણો થયો, ગુજરાતમાં 149 દર્દી સારવાર હેઠળ
દેશમાં કોરોનાના આંકડા ત્રીજી લહેરની શરૂઆતના સંકેત આપી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,667 નવા દર્દીની ઓળખ થઈ છે. 36,422 સાજા થયા અને 342 મૃત્યુ પામ્યા હતા. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં 5,898નો વધારો નોંધવામાં આવ્યો હતો. હાલમાં દેશમાં 3.99 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. છેલ્લા 10માંથી 9 દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સુરતના કોરનાગ્રસ્ત સોફ્ટવેર એન્જિનિયરે 128માંથી 126 દિવસ ICUમાં સારવાર લીધી, આખરે સાજા થઈને ઘરે પરત ફર્યાં.
2) અમદાવાદના સરખેજ ગામમાં દારૂની ભેળસેળવાળું પાણી મળતું હોવાની લોકોની ફરિયાદ.
3) ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ઊભો કરવાના બહાને પિતા-પુત્રની ચંડાળચોકડીએ સમાજના લોકોનું પોણાચાર કરોડનું ફુલેકું ફેરવ્યું, ગાંધીનગરમાં ગુનો નોંધાયો.
4) રાજુલાના છતડિયા ગામમાં મોબાઇલ ફાટતાં એકને ઇજા, હોસ્પિટલમાં ખસેડાયો.
5) મુંબઈ એક કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરનાર દેશનો પ્રથમ જિલ્લો, લગભગ 28 લાખ લોકોને બીજો ડોઝ મળી ગયો.
6) PM મોદી 23-24 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે જશે, પ્રથમ વખત જો બાઇડન સાથે મુલાકાત કરશે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં રહેશે ઉપસ્થિત.
7) મમતા બેનર્જીને રાહત, બંગાળનાં CM માટે વિધાનસભા પહોંચવા માટેનો રસ્તો સાફ, 30 સપ્ટેમ્બરે ભવાનીપુર સહિત 3 બેઠકની પેટાચૂંટણી યોજાશે

આજનો ઈતિહાસ
વર્ષ 1972માં આજના દિવસે જર્મનીના મ્યૂનિકમાં ઓલિમ્પિક વિલેજમાં આતંકવાદીઓ ઘૂસીને 2 ઈઝરાઈલી ખેલાડીના મારી નાંખ્યા અને 9ને બંધક બનાવી લીધા હતા.

અને આજનો સુવિચાર
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...