ધોરણ 10 અને 12માં કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માસ પ્રમોશન બાદ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે માત્ર સ્કૂલ દ્વારા જ જોઈ શકાતું હતું. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન માટે બોર્ડની વેબસાઈટ પરથી પ્રિન્ટ કાઢીને માર્કશીટ આપવામાં આવી હતી. જે બાદ હવે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ તૈયાર થઇ ચુકી છે જે 11 ઓગસ્ટે બોર્ડ દ્વારા સ્કૂલ સુધી પહોંચાડવામાં આવશે. જે બાદ સ્કૂલ દ્વારા 12 ઓગસ્ટથી માર્કશીટ સ્કૂલ પરથી જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ
કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું હતું. આ પરિણામમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં કરાયા છે. 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો હતો. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થી છે.
ધોરણ 10 પછી ધોરણ 12માં A1 ગ્રેડમાં રાજકોટ પ્રથમ
ધોરણ 10ની પરીક્ષામાં પણ રાજકોટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પણ રાજકોટના રેગ્યુલર વિદ્યાર્થીઓએ ફરીવાર A1 ગ્રેડ મેળવવામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાજકોટમાં 24 હજાર 339 રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 12માં A1 ગ્રેડ મેળવવામાં સુરતનો બીજો નંબર છે. સુરતમાં 44 હજાર 866 રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે અમદાવાદમાં 28 હજાર 932 વિદ્યાર્થીઓમાંથી 38 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.