સોશિયલ મીડિયાના સમયમાં કન્ટેન્ટ ક્રિએટરની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. પણ આ વધારાની સાથે ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટરની સાથે-સાથે રિક્રિએટ અને કોપી કન્ટેન્ટ ક્રિએટ કરનારા લોકો પણ એટલા જ વધ્યા છે. સોશિયલ મીડિયા પર વધુ લાઇક્સ અને કમેન્ટ્સ મેળવવા કે ઓરિજિનલ કન્ટેન્ટ પરથી રૂપિયા કમાવવા લોકો ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટરની પરવાનગી વગર તેના ક્રિએશન્સને યુઝ કરતા હોય છે.
તાજેતરમાં અમદાવાદના જાણીતા સિંગર અરવિંદ વેગડાએ ‘ભાઇ-ભાઇ’ ગીત બોલિવૂડ ફિલ્મમાં પરવાનગી વિના વપરાયા હોવાનો ફિલ્મમેકર્સ સામે દાવો કર્યો છે. આ વાતને લઈને ‘સિટી ભાસ્કરે’ ફિલ્મમેકર્સનો સંપર્ક વારંવાર કર્યો, પણ તેમની સાથે વાત થઈ શકી ન હતી. અલબત્ત, આ પહેલાં પણ ‘ભાઈ ભાઈ’ સોંગ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’માં યુઝ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કોન્ટ્રોવર્સીને લઇને અરવિંદ વેગડા તથા જાણીતા એડવોકેટ ભીષ્મ રાવલ સાથે વાત કરીને કન્ટેન્ટ ક્રિએટરએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તે અંગે માહિતી મેળવી હતી.જસ્ટિસ માટે સોશિયલ મીડિયા પર ખાસ કેમ્પેઇન
સોશિયલ મીડિયા પર સમગ્ર વાતને લઇને ‘જસ્ટિસ ફોર ભાઇ-ભાઇ’ હેશટેગ સાથે એક કેમ્પેઇન પણ ચાલી રહ્યું છે. જેમાં લોકો આ ગુજરાતી ગીત માટે સપોર્ટ પણ કરી રહ્યા છે.
‘ફિલ્મના મેકર્સ વાત નથી કરતા ક્રિએટર્સને અન્યાય થયો છે’
સિંગર અરવિંદ વેગડાનું કહેવું છે કે, ‘2011માં મેં ભાઇ ભાઇ સોન્ગ લોન્ચ કર્યું હતું. લોન્ચ થયાના થોડા જ સમયમાં આ સોંગ ખૂબ જ પોપ્યુલર થતાં મેં તેને કોપીરાઇટ કરાવ્યું હતું. ફિલ્મ રામલીલામાં આ સોંગને મારી પરવાનગી વગર વાપરવામાં આવ્યું ત્યારે પણ મેં ફિલ્મના મેકર્સ સામે કાયદાકીય નોટિસ મોકલી હતી. અને તાજેતરમાં ફિલ્મ ભૂજના મેકર્સ દ્વારા ફરી એકવાર આ સોંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અવાર-નવાર ગુજરાતના આર્ટિસ્ટ સાથે આ ઘટના થઇ રહી છે. ફિલ્મના કમ્પોઝર આ અંગે વાત કરવા જ તૈયાર નથી.’
‘નહિવત ખર્ચે મેકર્સ કન્ટેન્ટને કોપીરાઇટ કરાવી શકે છે’
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ભીષ્મ રાવલનું કહેવું છે કે, ‘દરેક કન્ટેન્ટ ક્રિએટરે તેમનું ઓરિજિનલ કન્ટેન્ટ કોપીરાઇટ કરાવવું જ જોઇએ. જેથી આ પ્રકારની ઘટનાથી બચી શકાય. કોપીરાઇટ માટે ક્રિએટર્સે તેમના ઓરિજિનલ ક્રિએશન્સના પુરાવા અને તમામ દસ્તાવેજ સાથે આઇપીએક્ટની જે તે કેટેગરી અંતર્ગત એડવોકેટની સલાહ લઇને કોપીરાઇટ કરાવવું જોઇએ. ખૂબ જ ઓછા ખર્ચે ઓરિજિનલ કન્ટેન્ટને કોપીરાઇટ કરાવી શકાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતા કોપીરાઇટના કેસમાં વધારો થયો છે.
કોપીરાઇટ એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન માટેની કેટેગરી-ફી
No. | Catagory | Fees (Rs.) |
1 | સાહિત્ય, ડ્રામા,આર્ટવર્ક | 2,000 |
2 | મ્યુઝિક-વીડિયો, ફિલ્મ | 5,000 |
3 | ઓડિયો ક્રિએશન્સ | 2000 |
1989માં ગુજરાતી ફિલ્મમાં આ ગીત વાપરવામાં આવ્યું હતું
આ સમગ્ર વિવાદમાં રસપ્રદ વાત એ છે કે ‘ભાઈ ભાઈ...ભલા મોરી રામા..'એ દાયકાઓથી ગુજરાતી લોકસંગીત એવા ભવાઈના વિવિધ વેશમાં વપરાતું આવ્યું છે. 1989માં આવેલી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ 'મહીસાગરને આરે'માં પણ ભવાઈ ગીત 'ભાઈ ભાઈ' સામેલ કરાયું હતું.
ત્યારે સવાલ એ થાય કે ‘ભાઈ ભાઈ’ ગીત પર માલિકી ખરેખર કોની કહેવાય?
આ અંગે ગુજરાતી ફિલ્મ એક્સપર્ટ તથા રિસર્ચર કાર્તિકેય ભટ્ટે divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'ભવાઈ વર્ષોથી ચાલી આવતી ગુજરાતી પરંપરા છે. ભવાઈ લોકસંગીતનો વારસો છે, તેમાં જે ઢાળનો ઉપયોગ થયો તેના પર કોઈ હકદાવો કરી શકે નહીં. આરતી કે ગરબો કોઈ પણ ગાઈ શકે છે અને તેના પર કોઈ પોતાનો કોપીરાઇટ ક્લેમ કરી શકે નહીં, તે જ રીતે 'ભાઈ ભાઈ' પર કોઈ એક વ્યક્તિ હકદાવો ના કરી શકે. જો ક્રેડિટ આપવી જ હોય તો ગુજરાતી લોકસંગીત તરીકેની ક્રેડિટ મળવી જોઈએ. નરસિંહ મહેતાના સમયથી દોહા તથા સાખી ગવાતા આવ્યા છે અને તે દેશની કોઈ પણ વ્યક્તિ ગાઈ શકે છે.'
વધુમાં કાર્તિકેય ભટ્ટ કહે છે, 'ભવાઈ ધાર્મિક રીતે તો વર્ષોથી ચાલી આવતી હતી, પરંતુ તેને રિફાઉન્ડ ઉંઝાના અસાઈત ઠાકરે કરી હતી. આ તેમનું સર્જન છે અને તેમને ક્રેડિટ આપવી જોઈએ. આ ઉપરાંત તેમણે આક્રોશ સાથે કહ્યું હતું કે હિંદી ફિલ્મકારોએ ચોરી કરવાનું બંધ કરી દેવું જોઈએ અને કોઇપણ જગ્યાએથી કોઈ કૃતિ લે તો તેનું નામ તો આપવું જોઈએ.
1989ની ફિલ્મ ‘મહિસાગરને આરે’નું ‘ભાઈ ભાઈ’ ગીત
'રામ લીલા'માં 'ભાઈ ભાઈ' સોંગ
જો 'ભાઈ ભાઈ...ભલા મોરી રામા..'એ પરાપૂર્વથી ગુજરાતી ભવાઈમાં વપરાતું આવ્યું હોય તો તે લોકસંગીતનો અને ગુજરાતી વારસાનો જ અભિન્ન હિસ્સો છે. તે માટે કોઈ ગુજરાતી કલાકારને અન્યાય થયો હોવાની ચર્ચાને બાજુ પર મૂકીને ગુજરાતી ભવાઈને ક્રેડિટ આપવી જોઈએ, જેથી આ મૃતઃપાય લોકકળાને નવજીવન મળે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.