દીકરાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત:ઝઘડાને લીધે વારાફરતી માતાપિતાની કસ્ટડીમાં રહેતા પુત્રે હાઇકોર્ટને કહ્યું, ‘મારું ભણવાનું બગડે છે, કોઈ રસ્તો કરો’

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર
  • માતા દીકરાને લઈ ચાલી ગઈ હતી, ફેમિલી કોર્ટે પિતાને મળવા દેવા આદેશ આપ્યો હતો

માતા-પિતાના ઝઘડાને લીધે બાળકોની સ્થિતિ અત્યંત કફોડી બનતી હોવાનો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ નોંધાયો છે. 12 વર્ષના દીકરાએ હાઇકોર્ટ સમક્ષ આવીને રજૂઆત કરી હતી કે, પિતાને મળવા જવા માટે અને કસ્ટડીને લઇને વારાફરતી એકબીજા સાથે જવામાં મારો સમય બગડે છે. મને આ વ્યવસ્થા અનુકૂળ નથી આવતી. હાઇકોર્ટે વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી મળવાના અધિકારને યથાવત રાખીને જાન્યુઆરીમાં દીકરાની આખરી કસ્ટડી મામલે નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે. ત્યાં સુધી દીકરાને તેના પિતાને મળતી વખતે માતાને સાથે રાખવા કોર્ટે છૂટ આપી છે.

દિલ્હી નજીક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતી મહિલાના લગ્ન અમદાવાદના વેપારી સાથે વર્ષ-2006માં થયા હતા. વર્ષ 2009માં તેમના ત્યાં દીકરાનો જન્મ થયો હતો. 2012 બાદ મહિલાને તેના સાસુ-સસરા અને પતિ સાથે ઝઘડા શરૂ થયા હતા.2015માં મહિલાએ તેના સાસુ સસરા સામે ખોટા આરોપો અને આક્ષેપો મુકીને મારામારી કરતા તેના પતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ મહિલા તેના દીકરાને લઇને ઘર છોડીને જતી રહી હતી. ત્યારથી દીકરાની કસ્ટડી માતા પાસે જ હતી. ફેમિલી કોર્ટમાં પિતાએ દીકરાને મળવા દેવાના અધિકાર માટે અરજી કરી હતી.

દીકરાએ કહ્યું, મને માતાપિતા સાથે રહેવામાં કોઈ તકલીફ નથી
12 વર્ષના દીકરાએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેના પિતાને મળવા જાય ત્યારે સવારે 11 થી સાંજ 7 સુધી તેમની સાથે જઉ છું પરંતુ થાક લાગે છે. મને માતા-પિતા બન્ને સાથે રહેવામાં કોઇ તકલીફ નથી. મારી સાથે મમ્મી પણ પપ્પાને મળવા આવે તેવી ઇચ્છા છે. દીકરાની વાત સાંભળીને કોર્ટે તેના પિતાને પૂછ્યું હતું કે તમને કોઇ વાંધો છે? ત્યારે પિતાએ કહ્યંુ કે, મારા માતા-પિતા તેની પત્નીને લીધે ડીપ્રેશનમાં છે, તેથી તે ઘરે આવે તે મને નહીં ફાવે. હોટલમાં મળવાનું ગોઠવીએ તો પત્ની આવે તેનો વાંધો નથી.

માતા વિદેશમાં ભાગી ન જાય તે માટે પાસપોર્ટ પોલીસમાં જમા કરાવાયો હતો
12 વર્ષના દીકરાના પિતાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેની પત્ની આ પહેલાં પણ દીકરાને લઇને વિદેશ જતી રહી હતી. તેથી ગમે ત્યારે વિદેશ જતી રહે તેવી શકયતા છે. કોર્ટે દીકરા અને માતાનો પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આદેશ કર્યો હતો.

માતા દીકરાની કસ્ટડી આપવા રાજી નથી
દીકરાની કસ્ટડી કોઇપણ ભોગે પિતાને ન મળે તે માટે પત્નીએ દીકરાને પોતે જે સ્કૂલમાં ટીચર છે તે જ સ્કૂલમાં તેનું એડમિશન લીધું છે. જ્યારે દીકરાની કસ્ટડી માટે કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે તેના પતિએ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે, તેની પત્નીનું વર્તન વિચિત્ર પ્રકારનું છે. તેણે ગુસ્સામાં તેના પિતા સામે દુષ્કર્મનો આક્ષેપ પણ મુકયો છે. તેની મરજી વિરૂદ્ધ કોઇ હુકમ થાય ત્યારે તે ગમે તે કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...