યુક્રેનથી તબક્કાવાર ભારતીય વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. ત્યારે મૂળ અમદાવાદના અને યુક્રેનમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘરે આવતા પાછલા 1 સપ્તાહથી ઉદાસ બનેલા પરીવાજનોના ચહેરા પર ખુશી લહેર ફરીથી છવાઈ ગઈ છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતો હિરેન જાદવ ઘરે પરત ફર્યા બાદ દિવ્યભાસ્કરે તેની અને તેના પરિવારજનો સાથે ખાસ વાત કરી. જેમાં તેની માતાએ કહ્યું કે 'છેલ્લા ત્રણ દિવસથી નક્કી કર્યું હતું, કે જ્યાં સુધી તેમના દીકરાને નહીં જુએ ત્યાં સુધી તેઓ અન્ન નહીં ગ્રહણ કરે, ગાંધીનગરમાં દીકરાને જોયા બાદ જ તે તેની સાથે જમ્યા'.
'પોલેન્ડ બોર્ડર પર અફરાતફરીનો માહોલ'
યુક્રેનના ટર્નોપિલમાં સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હિરેન જાદવે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, 'પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે યુક્રેનમાં અભ્યાસ માટે ગયો હતો, પરંતુ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવી પરિસ્થિતિમાં અને આ રીતે પાછું આવવું પડશે. 26મી ફેબ્રુઆરીથી 1માર્ચ સુધીનો સમયગાળો તેમના જીવનમાં કદી નહીં ભૂલે. 26 ફેબ્રુઆરીએ યુક્રેનમાંથી નીકળી યુક્રેન-પોલેન્ડ બોર્ડર સુધી પહોંચ્યા. વાત અહીંથી નથી અટકતી, પરંતુ પોલેન્ડ પહોંચ્યા બાદ ત્યાં અફરાતફરીનો માહોલ હતો, કારણ કે વિઝા અને અન્ય દસ્તાવેજી કામગીરી માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ હતી'.
'લોકડાઉન કરતા પણ ખરાબ સ્થિતિ યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર જોઈ'
હિરેનનું એ પણ કહેવું છે કે, 'કોરોના અને લોકડાઉનના સમયમાં ભારતમાં જે મજૂરીયાત વર્ગ પગપાળા જ હિજરત કરતા જોવા મળ્યો હતો, તેનાથી પણ ખરાબ સ્થિતિ યુક્રેન-પૉલેન્ડ બોર્ડર પર જોવા મળી રહી છે. કારણ કે યુક્રેનના અલગ અલગ સિટીમાંથી વિવિધ દેશના લોકો પોલેન્ડ બોર્ડર પર આવી રહ્યા છે. જેના કારણે બોર્ડરથી 35-40 કિમી સુધી વાહનોનો કાફલો છે. જેથી 35 કિમી સુધી ચાલતા જવુ પડે છે, તેમાંય રસ્તા પર કઈ ખાવા પીવાની સુવિધા વિના! આના કરતાં તો લોકડાઉન વખતે ભારતમાં સ્થિતિ સારી કહી શકાય, કેમ કે અહીં સેવાભાવી લોકો ભોજન તો પૂરું પાડતા હતા. અન્ય દેશના લોકો સાથે યુક્રેનના 18-60 વર્ષ સિવાયના પુરુષો સિવાય બધી જ મહિલાઓ તથા બાળકો પણ પોલેન્ડ આવી રહ્યા છે અને પોતાની જાતને સુરક્ષિત કરી રહ્યા છે'.
'દીકરાને જોયા બાદ જ માતાએ અન્ન ગ્રહણ કર્યું'
હિરેનના ઘરે પરત આવ્યા બાદ તેમના માતા-પિતા સહિતના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હિરેનમાં માતા કેશીબેનનું કહેવું છે, 'જ્યારે તે યુક્રેનમાં હતો, ત્યારે 2 દિવસ સુધી દીકરા સાથે વાત ન થઈ શકી, એટલે જીવ ઉંચા-નીચો થઈ ગયો. એટલે 3 દિવસ સુધી અન્નનો ત્યાગ કરી દીધો હતો અને નક્કી કર્યું કે દીકરાને મળ્યા બાદ જ અન્ન લઈશ'
યુક્રેનિયન મિત્રોએ પણ યુવકને મદદ કરી
માત્ર એટલું જ નહીં પરંતુ યુક્રેનમાં પરિસ્થિતિ વણસ્યા બાદ યુક્રેનિયન મિત્રોએ પણ તેની મદદ કરી હતી. બધી બેંકો બંધ થઈ ગઈ હતી એટલે તેના યુક્રેનમાં મિત્રે રોકડ રકમ પણ આપી હતી, જેથી વિકટ સમયે કામ લાગી શકે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ત્યાંના સુપર માર્કેટમાં લોકોની ભીડ જામી ગયેલી હતી અને એક વ્યક્તિને મર્યાદિત ચીજ- વસ્તુઓની ખરીદી માટે જ પરવાનગી હતી. રાતે આકાશમાં પ્લેન ઉડતા ત્યારે ખોફનો માહોલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.