દિવ્ય ભાસ્કરના વાચકો માટે આજથી અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
"દિલીપ પરીખ" બની ગયા છે ભૂપેન્દ્ર પટેલ
દીવાસ્વપ્નની જેમ જેમને મુખ્યમંત્રીનું પદ મળી ગયું છે એવા બે મુખ્યમંત્રી ગુજરાતમાં છે. એક આપણા સૌના સૌમ્ય ભૂપેન્દ્રભાઇ અને બીજા એવા જ એક હતા અતિસૌમ્ય દિલીપ પરીખ. શંકરસિંહ જ્યારે ભાજપમાંથી છૂટા પડ્યા ત્યારે તેમણે પોતાના માણસ તરીકે દિલીપભાઇને મુખ્યમંત્રી બનાવ્યા હતા. બગાસું ખાતાં પતાસું મળે એમ બિઝનેસમેન દિલીપભાઇ રાતોરાત પાંચમા પુછાવા માંડ્યા. એ વાતને અત્યારે બે દાયકા થયા. આવા જ બીજા એક્સિડન્ટ્લ મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્ર પટેલ. ભાજપની ધારાસભ્યોની બેઠકમાં છે...ક છેલ્લા બેઠેલા ભૂપેન્દ્રભાઇને ભાજપે ઉઠાવીને આગળ બેસાડી દીધા. હવે સચિવાલયમાં ભૂપેન્દ્રભાઇની કામગીરી જોઇને લોકો દિલીપભાઇને યાદ કરવા માંડ્યા છે.
મંત્રીમંડળની બેઠકમાં અમુક મંત્રીઓ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી જાય પછી બેઠકમાં પહોંચે છે. મુખ્યમંત્રી "પટેલ હોવા છતાં" મંત્રીને ઠપકો આપતા નથી. થોડા સમય પહેલાં એક મંત્રી કેબિનેટની મિટિંગમાં 40 મિનિટ મોડા પહોંચ્યા. અમુક તો મિટિંગ પૂરી થવાના સમયે પહોંચે છે.
સવાલ એ છે કે ભૂપેન્દ્રભાઇ મંત્રીઓને કશું નથી કહેતા, એનું કારણ શું હોઈ શકે? એક કારણ તો સ્પષ્ટ છે કે દિલીપભાઇની સરકાર શંકરસિંહ ચલાવતા હતા અને ભૂપેન્દ્રભાઇની સરકાર કોણ ચલાવે છે એ તો તમે જાણો જ છો. સરકાર તેમના નામની ખરી, પણ ચાલે તો કોઇ બીજાનું જ!!!!
કામ થઈ ગયું છે હો CRનો "GR"
સરકારમાં કામ કરાવવું કેટલું અઘરું હોય છે એ વાત ધારાસભ્યોથી વધુ કોણ જાણતું હોય? રૂપાણી સરકારમાં તો નવનેજા ઊતરી જાય એવું કપરું કામ હતું. CRના "GR" મુજબ હવે તો કામ થઇ ગયાની પહોંચ પણ આપવી પડે એવી સ્થિતિ છે. ખુદ મુખ્યમંત્રી પાસે કોઇ ધારાસભ્ય કામ લઇને ગયા હોય તો અગાઉ કામ નહોતું થતું, પણ હવે ભૂપેન્દ્રભાઇ કામ કરી આપે છે. ધારાસભ્યને કામની કોઇ રાવ નથી. કામ થયા પછી તેની "પાકી પહોંચ" CR સુધી પહોંચાડવી પડે છે.
એક ધારાસભ્ય કામ માટે ગયા ત્યારે સીએમ ઓફિસમાંથી હસતાં હસતાં કહ્યું હતું કે ભઇ કામ થઇ ગયું છે, એવું કમલમમાં જઇને કહી દેજો. ધારાસભ્ય પણ મુંછમાં મલકાઇને હવે કહે છે, ભલે ભાઇ ચોક્કસ કહી દઇશ. લ્યો બોલો, ધારાસભ્યનું કામ પત્યું છે કે નહિ એનો બેય બાજુથી (ભાઉ અને દાદા) પાક્કો હિસાબ પણ રખાય છે.
ઠાકોરમાં દમ તો છે!
છ મહિનાથી વધુ સમય સુધી ધણીધોરી વગરની ગુજરાત કોંગ્રેસને અસ્સલ ઠાકોર મળ્યો છે. ગુજરાત કોંગ્રેસને પ્રમુખ બન્યા પછી આખાબોલા જગદીશ ઠાકોરે તલવાર વીંઝવાનું ચાલુ કર્યું છે, તેની નેશનલ મીડિયાએ સુધ્ધાં નોંધ લીધી. શો કેસમાં બેઠેલા ગુજરાત કોંગ્રેસના છાપેલા કાટલાને હટાવીને ગામડામાંથી ગ્રાઉન્ડ સાથે જોડાયેલા ચુસ્ત કોંગ્રેસીને પ્રમુખપદ મળ્યું એનાથી કોંગ્રેસનું નવસર્જન થશે કે નહિ એ તો સમય કહેશે, પણ મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસને સજીવન તો કરી જ છે. રાજીવ ગાંધી ભવનની ધૂળ ખંખેરીને કાર્યાલયને ધમધમતું કર્યું છે. કટ્ટર ભાજપી લોકો પણ એવું કહેવા માંડ્યા છે કે ઠાકોરમાં દમ તો છે.
વેરિયન્ટ અને વાઇબ્રન્ટ : આફતમાં અવસર?
ભૂપેન્દ્રભાઇની સરકાર માટે આ બંને પડકાર છે. એક બાજુ ઓમિક્રોન ગુજરાતમાં આંટા મારે છે. બીજી બાજુ મુખ્યમંત્રી અને મંત્રીઓ દુબઇ રોકાણ લેવા માટે પગફેરો કરી આવ્યા છે. રોકાણ તો આવતું આવશે, પણ રોજ એરપોર્ટ પરથી કોરોના આવી રહ્યો છે અને એકાદ કેસમાં ઓમિક્રોનને આંગળિયાત તરીકે લઇને. સમસ્યા એ થઇ છે કે સરકારે આ વખતના વાઇબ્રન્ટ આયોજનને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો છે, ઓમિક્રોન કે કોરોના તો માર્યા ફરે, આપણે તો બસ આયોજન કરવાનું એટલે કરવાનું જ. ફેર એટલો છે કે આયોજનમાં અવ્વલ મોદીની ખોટ છે. જો ઓમિક્રોન વેરિયન્ટ અને વાઇબ્રન્ટ બંનેને ભૂપેન્દ્રભાઇ સંભાળી લેશે તો કહેવાશે કે તેમણે આફતને અવસરમાં પલટી દીધી. પછી તો કહેવું જ શું, મોદીના જ રાજકીય વારસદારનો સિક્કો લાગશે. 2022 પછી પણ ગાદી પાક્કી.
માત્ર જેમનું જ ચાલતું હતું તેમનું જ નથી ચાલતું
એક સમયે અમદાવાદ કોર્પોરેશન અને ઔડામાં જો તમારે ફાઇલ ક્લિયર કરાવવી હોય તો જેમના વગર ચાલતું નહોતું તેમનું આજે કંઇ ચાલતું નથી. પશ્ચિમ અમદાવાદના વિકાસમાં જેમનો સિંહફાળો હતો એ વયોવૃદ્ધ ભાજપી નેતાનું હવે કોઇ સાંભળતું નથી. ભાજપની તિજોરી ભરવામાં જેમણે પાઇ-પાઇ ભેગી કરીને પક્ષને આપી એવા આ નેતા માર્ગદર્શક મંડળમાં પણ નથી રહ્યા. જોકે ભાજપ માટે આ કંઇ નવું નથી. એ નેતાએ બળાપો ઠાલવ્યો હતો કે મારા નજીકના સંબંધીનો એક રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ મંજૂર કરાવવો હતો તોપણ કોર્પોરેશનના અધિકારીએ વહેવાર માગ્યો. વહેવાર કર્યા પછી પણ કામ તો થતું નથી એવોય તેમને વસવસો છે. સમય સમય બલવાન...
ભગવાન ને ખુદામાં ક્યાં ફરક છે? નજરમાં છે માત્ર ગુજરાત ફર્સ્ટ
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના દુબઇ રોડ શોમાં ગયેલા ગુજરાતના અધિકારીઓ એટલા તો મશગુલ થઇ ગયા હતા કે સામાન્ય રીતે અન્ય ધર્મના રિવાજોમાં સામેલ ન થતાં અધિકારીઓ અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારતા નજરે પડયા હતા. મુસ્લિમ દેશમાં બની રહેલા હિન્દુ મંદિર સાથે ધાર્મિક સોહાર્દતાનાં દર્શન થયાં હતાં. રાજ્ય સરકારના બે સિનિયર અધિકારીએ ધર્મને વચ્ચે લાવ્યા વિના સમય સાચવીને ગુજરાતમાં રોકાણ આવે તે બાબતને મહત્ત્વ આપ્યું અને વિધિસર આરતી પણ ઉતારી.
ટ્રમ્પ વખતે પડેલી ગાળો સમિટમાં! ‘ફરી નવો મ્યૂટન્ટ નહીં આવે ને’
વિદેશથી આવતી ફલાઇટ પર 31મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવતો પરિપત્ર ભારત સરકારે જ જારી કર્યો છે, જેને પગલે હવે વાઇબ્રન્ટ સમિટનું મોડલ કયા પ્રકારનું રહેશે અને એનું સ્વરુપ કઈ રીતે બદલાશે એવું રાજ્ય સરકારમાં અને તેના અધિકારીગણ તથા વિવિધ ડિપાર્ટમેન્ટમાં ચર્ચાઇ રહ્યું છે. એક અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ સમિટના દસ દિવસ પહેલાં ખૂલશે એવું અત્યારથી લાગી રહ્યું છે. આ તો અગાઉ ટ્રમ્પના સ્ટેડિયમ શો વખતે કરેલી ભૂલને સુધારવા આંતરરાષ્ટ્રીય પ્રવાસી નહીં આવે અને RT-PCR ફરજિયાત એવું પહેલાંથી જણાવાય છે, જેથી માછલાં ન ધોવાય. વાઇબ્રન્ટના આયોજનમાં સંકળાયેલા વિભાગ અને અધિકારીઓ દ્વિધામાં છે કે હવે સમિટ માત્ર વર્ચ્યુઅલી કે મિક્સ મોડલથી થશે કે પછી ન પણ યોજાય. આમ, ચિંતા છે કે આ સમિટ નવો મ્યૂટન્ટ તો નહીં નોતરે ને.
બે રોડ શો બાદ બાબુ હવે આવી ગયા CEOના રોલમાં
2019 પછી વાઇબ્રન્ટ સમિટ યોજાઇ ન હતી તેવા સંજોગોમાં ઉદ્યોગ વિભાગમાં કોઇ સિનિયર IAS ઉદ્યોગોમાં ચાલતાં ટ્રેન્ડ કે ચહલ-પહલ પર સીધી અસર અંગે માહિતગાર જણાતા ન હતા. તેવા સંજોગામાં અગાઉ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રોજેકટને માત્ર પીએમના આદેશને પગલે એક IASએ એવો તો સફળ કરી બતાવ્યો કે તમામ તેમના ગુણ ગાતા હતા. સમિટ હવે 2022માં થઇ રહી છે, તેવા સંજોગોમાં ઉદ્યોગોને જાણવાની શરૂઆત કરનારા ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ મુંબઇ અને દિલ્હીના રોડ શોમાં રોકાણકારોને ગુજરાતમાં આકર્ષતા પ્રેઝન્ટેશન કરી ચૂકયા હતા. પરંતુ ત્રીજા પ્રયત્ન એટલે કે દુબઇના રોડ શોમાં ગુજરાતમાં રોકાણકારોને આકર્ષતા પ્રેઝન્ટેશનમાં તેમની સાથે ગયેલા કંપનીના સીઇઓ અને માલિકોને પણ એવું લાગવી માંડચુ કે, હવે અધિકારી ગુજરાતના સીઇઓ હોય તેવું લાગે છે અને મોદી સાહેબ વખતના અધિકારી મહેશ્વર શાહુની યાદ અપાવી દીધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.