બે વર્ષ પહેલા મ્યુનિ.ને સાબરમતી નદીમાં ગટરના ઠલવાતાં પાણી મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ આપેલી નોટિસ બાદ તમામ ગટર જોડાણો બંધ કરી દેવાયાની અને સાબરમતી ચોખ્ખી થયાની જાહેરાત કરાઇ હતી. આજે પણ હાંસોલની 15 સોસાયટીના પાણી સાબરમતી નદીમાં ઠલવાતાં હોવાનો આક્ષેપ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ જ કર્યો છે.
સ્ટેન્ડિંગની બેઠકમાં એક સભ્યએ રજૂઆત કરી હતી કે, હાંસોલમાં તાજ હોટેલ પાછળ આવેલી 15 સોસાયટીના ગટરના જોડાણો નથી. તેથી તેમને તત્કાલ યોગ્ય જોડાણો આપવામાં આવે. તેમજ એસટીપી પ્લાન્ટ બનાવી ગટરથી આવતાં પાણીને ટ્રીટ કરવા જોઇએ. વર્ષોથી બનેલી આ સોસાયટીઓના જોડાણો સીધા નદીમાં ખુલે છે.
માહિતી અનુસાર આ સોસાયટીઓમાં કેટલાક મકાનો-ફ્લેટની કિંમત દોઢથી બે કરોડની છે. ત્યારે મ્યુનિ.ની હિંમત નથી કે તેઆ સોસાયટીઓના ગટરના જોડાણ કાપી શકે. શાહીબાગ નજીક રિવરફ્રન્ટ પાસે મ્યુનિ. જ્યારે એસટીપી પ્લાન્ટ બનાવશે ત્યારે તેનું જોડાણ તેમાં ડાયવર્ટ કરી શકે છે.
આ સોસાયટીનું પાણી નદીમાં જાય છે
આશુતોષ, કર્ણાવતી, આર.એલીગન્સ, સતનામ રેસિડેન્સી, રામેશ્વર, મારુતિ બંગલો, મહાલક્ષ્મી, મંગલદીપ, શુકન રેસિડન્સી, હરિઓમ નગર, રાધેરાધે સોસાયટી સહિત15 થી વધુ સોસાયટીના ગટરના જોડાણો સાબરમતી નદીમાં ખુલતા હોવાનો આક્ષેપ છે.
STP પ્લાન્ટ માટે મ્યુનિ.ને પ્લોટ મળતો નથી
મ્યુનિ.ને આ વિસ્તારમાં એસટીપી પ્લાન્ટ બનાવવા માટે મ્યુનિ.ની માલિકીના પ્લોટની જરૂર છે. જોકે હાલ આ વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી. હોવાથી વિકાસની પરવાનગીઓ મળવા લાગી છે. પરંતુ ફાઈનલ ટી.પી. જાહેર થઇ ન હોવાથી ત્યાં મ્યુનિ.ને કપાતનો પ્લોટ મળતો નથી. પરિણામે અહીં એસટીપી બનાવવા માટે યોગ્ય જગ્યા ન હોવાથી ગટરના પાણીના શુદ્ધિકરણ માટે એસપીટી પ્લાન્ટ બનાવી શકાતો નથી. બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં 37 કરોડથી વધુના કામોને મંજૂરી આપી છે. જેમાં નિકોલમાં 6.28 કરોડના ખર્ચે ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.