બીજી લહેર કરતાં ઝડપ 5 ગણી:અમદાવાદમાં બીજી લહેરમાં 1200 કેસ થતા 41 દિવસ લાગ્યા હતા, ત્રીજીમાં માત્ર 8 દિવસ જ થયા; પશ્ચિમ ઝોનમાં 900 કેસ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં 100થી 1200 કેસ થતાં 41 દિવસ લાગ્યા હતા, અત્યારે ત્રીજી લહેરમાં માત્ર 8 દિવસ લાગ્યા
  • ઓમિક્રોનના 2 કેસ, બંનેમાંથી કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1290 કેસ નોંધાયા છે. શહેરમાં એક જ દિવસમાં કેસ ડબલ થઈ ગયા છે. સોમવારે શહેરમાં 631 કેસ નોંધાયા છે. એક અંદાજ પ્રમાણે દર 2 મિનિટે કોરોનાના 3 કેસ નોંધાયા છે. બીજી લહેરમાં 100થી 1200 કેસ થતાં 41 દિવસ લાગ્યા હતા. જ્યારે ત્રીજી લહેરમાં માત્ર 8 દિવસ લાગ્યા છે. આ પ્રમાણે બીજી લહેર કરતાં કેસ પાંચ ગણી ઝડપથી વધી રહ્યા છે.

મંગળવારે નોંધાયેલા 1290 કેસમાંથી 900થી વધારે કેસ તો એકલા પશ્ચિમ અમદાવાદના જ છે. ખાસ કરીને બોપલ, થલતેજ, બોડકદેવ તથા નવરંગપુરામાં કેસ નોંધાય છે. રાહતની વાત એ છે કે, 7 દિવસમાં 3,721 કેસ નોંધાયા છે પણ માત્ર 107 દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. કોરોનાના કેસની સાથે સાથે અમદાવાદમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે. બે દર્દીમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. બંનેમાંથી એકેયની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. શહેરમાં કોરોનાને કારણે એકેય દર્દીનું મોત થયું નથી. 61 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે.

એસવીપી હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા વોર્ડમાં 15 કોરોનાના દર્દી અને 2 ઓમિક્રોનના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. નોંધનીય છેકે, એસવીપી હોસ્પિટલમાં તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના કેસ વધતાં પોઝિટિવ આવતાં દર્દીઓ છેલ્લે કેટલાક લોકોને મળ્યા હતા તેનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું મુશ્કેલ થયું છે. મ્યુનિ. અધિકારીઓએ કેસની સમીક્ષાને આધારે 21 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુક્યા હતા. જેમાં મોટાભાગના વિસ્તાર પશ્ચિમ અમદાવાદના છે.

દરિયાપુરના કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગ્યો
​​​​​​​દરિયાપુર વોર્ડના કોર્પોરેટ માધુરીબેન કલાપીને કેટલાક દિવસથી શરદી, ખાંસી હોવાથી તેમણે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ બીજી લહેરમાં અનેક કોર્પોરેટરોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

2800 એક્ટિવ કેસમાંથી 1800 માત્ર પશ્ચિમના બે ઝોનમાં
​​​​​​​શહેરમાં હાલ કોરોનાના 2800 એક્ટિવ કેસ છે.માત્ર પશ્ચિમ અને ઉ.પશ્ચિમ ઝોનમાં જ 1800થી વધારે એક્ટિવ કેસ છે. બાકીના 7 ઝોન કરતાં વધારે કેસો માત્ર આ બે ઝોનમાં નોંધાયા છે. ઉત્તર અને પૂર્વ ઝોનમાં સૌથી ઓછા 60-60 એક્ટિવ કેસ છે.

જિલ્લામાં 8 મહિના પછી 24 કેસ નોંધાયા
​​​​​​​અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. 8 મહિના પછી જિલ્લામાં 24 કેસ નોંધાયા છે. જેમાં સાણંદમાં સૌથી વધુ 15, દસ્ક્રોઈમાં 9 કેસ નોંધાયા છે. 24 મેના રોજ જિલ્લામાં 31 કેસ નોંધાયા છે. હાલ અમદાવાદ જિલ્લામાં કોરોનાના 59 એક્ટિવ કેસ છે. જિલ્લામાં કેસની સંખ્યા વધતા આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા વધારી 1500થી 1700 કરી દેવામાં આવી છે. બીજા દિવસે જિલ્લામાં 15થી 18 વર્ષના 13,922 બાળકોને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...