કોરોનાની રસીનો બીજો ડોઝ લીધાને 9 મહિના કે 39 સપ્તાહ થયા હોય તેવા ફ્રન્ટલાઇન વર્ક્સ, હેલ્થ વર્ક્સ અને કો-મોર્બિડ સિનિયર સિટીઝન સોમવારથી બુસ્ટર ડોઝ મુકાવી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અઢી લાખથી વધુ ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કર છે. શહેરના 80 અર્બન હેલ્થ સેન્ટર અને 20 સરકારી હોસ્પિટલ પરથી બુસ્ટર ડોઝ અપાશે. સોમવારે પ્રથમ દિવસે 20 હજાર બુસ્ટર ડોઝ આપવાનો અંદાજ રાખ્યો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે અંદાજે 3 લાખ બુસ્ટર ડોઝ છે. અમદાવાદ જિલ્લામાં 9882 ફ્રન્ટલાઇન વર્કર અને 5894 હેલ્થ લાઇન વર્કર મળી અંદાજે 15,776 લોકો બુસ્ટર ડોઝ માટે એલિજિબલ છે. તમામને અગાઉ તેમણે જે રસી લીધી છે તેનો જ બુસ્ટર ડોઝ અપાશે.
એ બધું જે તમે જાણવા માગો છો
પ્રશ્નઃ બુસ્ટર ડોઝ માટે રજિસ્ટ્રેશન કઈ રીતે થશે?
જવાબઃ અગાઉ પ્રથમ અને બીજા ડોઝના રજિસ્ટ્રેશનમાં નોંધાયેલા મોબાઇલ નંબર આપીને બુસ્ટર ડોઝ માટેનું રજિસ્ટ્રેશન થશે અને રસી લઈ શકાશે.
પ્રશ્નઃ 2 ડોઝ લીધા પછી મોબાઇલ નંબર બદલાઈ ગયો હોય તો બુસ્ટર ડોઝ મેળવવા માટે શું કરવું પડશે?
જવાબઃ મોબાઇલ નંબર બદલ્યો હોય તો બીજો ડોઝ લીધાનું સર્ટિફિકેટ સેન્ટર પર રજૂ કરવાથી રસી મળશે.
પ્રશ્નઃ રજિસ્ટ્રેશન વગર બુસ્ટર ડોઝ મેળવી શકાશે?
જવાબઃ હા, રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો પણ બુસ્ટર ડોઝ લઈ શકાશે. કારણે કે, આરોગ્ય વિભાગ પાસે પૂરતો સ્ટોક છે.
પ્રશ્નઃ હેલ્થ સેન્ટર પર ગયા પછી શું કરવાનું રહેશે?
જવાબઃ હેલ્થ સેન્ટર પર કોઇ પણ પ્રકારનું કાર્ડ બતાવવાનું નથી. માત્ર નોંધાયેલો મોબાઇલ નંબર લખાવશે એટલે અગાઉ લીધેલા ડોઝની માહિતી મળી જશે અને તેને આધારે બુસ્ટર ડોઝ મેળવી શકાશે.
પ્રશ્નઃ બુસ્ટર ડોઝમાં કઈ રસી મેળવી શકાશે?
જવાબઃ અગાઉ જે લોકોએ કોવિશીલ્ડની રસી લીધી છે તેમને કોવિશીલ્ડનો જ અને જેમણે કોવેક્સિન લીધી છે તેમને આ જ રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
પ્રશ્નઃ રસી મુકાવવા માટે કયા સમયે જવાનું રહેશે?
જવાબઃ 80 અર્બન હેલ્થ સેન્ટર અને 20 સરકારી હોસ્પિટલમાં સવારે 9થી સાંજે 5 સુધી રસીની કામગીરી ચાલશે. પ્રથમ દિવસે 20 હજાર લોકોને બુસ્ટર ડોઝ આપવાનો અંદાજ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.